આ તે કેવું ભણતર ?

કેવું ભણતર ?
સેવાગ્રામમાં કોઈ બિમાર પડે તો તેની દવા પુછવા બધા ગાંધીજી પાસે આવતા . એક વખત એક વૃધ્ધ ધોબણ આવી . તેની ઉંમર 75 વર્ષની હશે . તેને ખૂબ ખંજવાળ આવતી હતી . તે વારંવાર રડતી અને માટીની દીવાલો સાથે પાતાનું શરીર ઘસતી . તેણે ગાંધીજીને કહ્યું –
` આ ખંજવાળ મારો જીવ લેશે .’
ગાંધીજીએ તેને દિલાસો આપ્યો અને ડોકટરને બોલાવડાવ્યા . તે આવ્યા એટલે તેમને પૂછ્યું : ` આ વૃધ્ધને ખંજવાળ  છે . શું કરવું જોઈએ ?’
ચિકિત્સકે જવાબ આપ્યો – `  તમે આજ્ઞા આપો તેમ કરું !’
ગાંધીજી બોલ્યા – ` લીમડાના પાંદડા વાટીને તેને ખવડાવો અને પીવા માટે છાશ આપો .’
ચિકિત્સકે લીમડાના પાંદડા વાટયા અને તેનો એક ગોળો બનાવીને તે વૃધ્ધને આપ્યો . કહ્યું – ` આ પાંદડા ખાઇને છાશ પી લેજો . ‘
પાંદડા કેટલી માત્રા લેવાં તે પણ બતાવી દીધું હતું . તે જતી રહી . બીજો દિવસ થયો . ગાંધીજીએ ચિકિત્સકને બોલાવ્યા . પૂછ્યું – ` રોગીને કેટલી છાશ પિવડાવી ?’
ચિકિત્સકને તો કશી ખબર જ નહોતી . તે સીધા ગામ તરફ ભાગ્યા . ધોબણનું ઘર શોધી કાઢયું . અને તેને પૂછયું .
` તમે કેટલી છાશ પીધી ?’
ધોબણ રડતાં રડતાં બોલી – ` મારી પાસે છાશ ક્યાં છે તે પીઉં ?’
 ચિકિત્સકે પાછા આવીને તે વાત ગાંધીજીને જણાવી . એ સાંભળીને દુઃખી થઈને બાપુ બોલ્યા –
` અમેરિકા અને જર્મની જઈને આવું શીખી આવ્યા છો ? મેં તમને તેને છાશ પીવડાવવાનું કહ્યું હતું . તમારી ફરજ હતી કે ગામમાંથી છાશ માગીને તેને પીવડાવવી . હજુ પણ તમે તેમ કર્યું  હોત તો ઠીક હતું , પણ તમે તો તેને રડતી મૂકીને આ બધું મને કહેવા આવ્યા . આ કેવું ભણતર તમે ભણ્યા ?’
બાળકો, તમે કેવું ભણો છો ?

Leave a comment

%d bloggers like this: