એ રીતે તારો સાથ છે ઇન્તઝાર માં – બરકત વિરાણી -‘બેફામ ‘

એ રીતે તારો સાથ છે આ ઇન્તેઝારમાં,
દેખાય નહીં જે રીતે કોઇ અંધકારમાં…

મૂંગો અગર રહું તો રહો અશ્રુધારામાં,
ખોલું અગર હું હોઠ તો નીકળો પુકારમાં…

અડધું જીવન વીત્યું છે જગતના પ્રહારમાં,
બાકી છે એ વીતે છે હવે સારવારમાં…

સપનામાં, કલ્પનામાં, ફિકરમાં, વિચારમાં છે,
છે તું જ જીન્દગીના બધાયે પ્રકારમાં…

સુખ ઝાંઝવા છે કિન્તુ દુઃખો ઝાંઝવા નથી,
એથી તો છે ઝરણની અસર અશ્રુધારમાં…

છે બદનસીબ સારા સમયમાંય બદનસીબ,
ઝાકળ જુએ કે રડતી રહે છે બદલામાં…

એ સારું છે કે હાલ નથી પૂછતાં તમે,
કહેવાય નહીં જે એવી દશા થઇ છે પ્યારમાં…

મારું સ્વમાન મારા બધાં મિત્રને ગમ્યું,
બનતો નથી હું ભાર રહું છું જો ભારમાં…

આ મારી મુફલિસીય ઇબાદત સમાન છે,
શ્રધ્ધા ધરી રહ્યો છું હું પરવરદિગારમાં…

વીતે છે કેમ આખો દિવસ એ પૂછો નહીં,
આવે છે એક રાત સદાયે સવારમાં…

દુનિયા તો મારવાની સુંવાળા શસ્ત્રથી,
જો જો કે ફાંસી હોય નહીં ફૂલહારમાં…

દેશે મફત છતાંય એ લેશે નહીં કોઇ,
દિલના ન ભાવ માગ જગતના બજારમાં…

બેફામ મોતને મેં ખુશીનો દિવસ ગણ્યો,
કાયમનું એક સ્થાન મળ્યું છે મઝહારમાં…

– બરકત વિરાણી ‘બેફામ’


Posted

in

by

Tags:

Comments

Leave a Reply