ચકા ચકી ની વાર્તા

10923452_844736085562015_2181863583619221445_o આજે વર્લ્ડ સ્પેરો ડે છે તો ચાલો આજે એક જૂની અને જાણીતી ચકા ચકી ની બાળ વાર્તા  જે બધાએ અચૂક સાંભળી જ હશે એ પાછી યાદ કરીએ .

એક હતો ચકો અને એક હતી ચકી .બન્ને સાથે હળી મળી ને રહેતા હતા .બન્ને મોજીલા .એક ડાળ થી બીજી ને એક ઝાડ ઉપર થી બીજા ઝાડ ઉપર ઉડાઉડ કરે અને ગગન માં મુક્ત વિહરે.ચીંચીં ની કિલકારી થી શોર મચાવે  અને આનંદ માં રહે .બન્ને એ તણખલાંલાવી ને એક ઝાડ ની બખોલ માં માળો બનાવ્યો હતો. એક દિવસ ચકી લાવી ચોખા અને ચકો લાવ્યો દાળ . ચકી એ બનાવી ખીચડી અને ચકી ગઈ પાણી ભરવા . ચકી પાણી ભરવા ગઈ એટલે ચકાએ ખીચડી ખાઈ લીધી અને આંખે પાટા બાંધી સુઈ ગયો .ચકી પાણી ભરી ને આવી જોયું તો ખીચડી નથી એણે ચકા ને પૂછ્યું તો ચકો કહે મને ખબર નથી કોણે ખાધી હું તો આંખે પાટા બાંધી ને સુઈ ગયો છું .મેં તો નથી ખાધી એમ ખોટું બોલ્યો .ચકી રીસાઈ ગઈ . ભુખ લાગી હતી તેથી રડવા જેવી થઇ ગઈ અને એમના રાજા પાસે ગઈ .રાજા ને બધી વાત કહી .રાજા એ ચકા ને બોલાવ્યો અને પાટો ખોલાવ્યો .રાજા એ જોયું કે ચકા ના મોં ઉપર ખીચડી ચોંટેલી હતી. રાજા સમજી ગયો કે ચકાએ જ  ખીચડી  ખાધી છે એટલે રાજા એ ચકા ને સજા ફરમાવી કે હવે તેને દાળ અને ચોખા લાવી ખીચડી બનાવી ને ચકી ને જમાડવી. ચકી રાજી રાજી થઇ ગઈ અને ચકો દાળ ચોખા લેવા ગયો અને ખીચડી બનાવી ચકી ને ખવડાવી .બન્ને પાછા પહેલા ની જેમ સંપી ને ખુશીથી રહેવા લાગ્યા .

બાળપણ માં દાદી,નાની કે મમ્મી પાસે થી સાંભળેલી વાર્તા યાદ આવી ગઈ ને! ! બાળવાર્તાઓ ની મઝા જ કૈક અલગ હોય છે .બરાબર ને !

પંછી બનું ઉડતી ફીરું મસ્ત ગગન મેં

આજ મેં આઝાદ હું દુનિયા કે ચમન મેં .

હવે આ વાર્તા વાંચ્યા પછી ચકા ને ચકી માટે થોડું ચણ અને પીવાનું પાણી તમારા આંગણામાં રાખજો હોં કે ! આંગણું નહી તો બાલ્કનીમાં રાખજો અને બાલ્કની નહી તો તમારા ઘર ની આસપાસ કોઈ વૃક્ષ હોય તો ત્યાં રાખજો પણ રાખજો જરૂર હોં !પંખીઓ ને ય ભુખ તરસ તો લાગે જ ને ,કેવી ગરમી હોય છે બરાબર ને ?

ચાલો હું હવે મારા લવ બર્ડસ ને બાલ્કનીમાં થી ઘર માં અંદર લઉં. હવે એ પણ શોર મચાવા લાગ્યા છે .પંખીઓ ની સાથે વાતો કરવી એમને ચણ નાખવું, પાણી આપવું ,એમને  ઉડાઉડ કરતા જોવા એમનો કલશોર મન ને કેટલો આનંદ આપે છે નહી ? આપણી વ્યસ્ત દિનચર્યા માં થી થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવવાની આદત કેળવવા ની જરૂર છે .અરે! ચાલો બસ હવે ફરી કયારેક વાતો કરીશું. મારા ચકો ચકી મને બોલાવી રહ્યા છે .

Leave a Reply