જનારી રાત્રી જતા કહેજે – શયદા

જનારી રાત્રી જતાં કહેજે સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે…

હ્રદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે…

વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો,
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે’

કિનારેથી શું કરી કિનારો વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની ડરે શું કરવા, ભલે તુફાનો હજાર આવે…

ન ફૂટે ફણગાં, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે,
ધરામાં જ્વાળા ધખે છે એવી, બળી મરે જો બહાર આવે…

‘જરૂર આવીશ’ કહો છો સાચું, મને તો શંકા નથી જરાયે,
પરંતુ એ તો અટલ નિયમ છે, સમય ન પાછો જનાર આવે…

સિતારા દિવસે ઉદય ન પામે, અમાસે ચંદા નથી ચમકતી,
તમો ખુલાસો કરો ને સાચે કહો, શું રાતે સવાર આવે?

વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી અધિક શું છે? વિચાર જાયે વિચાર આવે…

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલમાં એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે…

હ્રદયમાં કોની એ ઝંખના છે? નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં, આવી ન જાય ઘરમાં ન બાર આવે…

– ‘શયદા’


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: