જીવન નું સરવૈયું

માણસ ના જીવન ની શરૂઆત માં સરવાળાનો  સમય હોય છે .બધુંજ ઉમેરવા મળ્યા કરે ,મિત્રો ,પત્ની , સંતાન , ધન ,વૈભવ , કીર્તિ  ઉમેરાય .આ પચીસ થી ચાલીસ  ની ઉમર  એટલે સરવાળા ની ઉમર .આ ઉમર દરમ્યાન માણસ   ને બાદબાકી ની ઈચ્છા જ નથી થતી ,વિચાર સુદ્ધા નથી આવતો .

પછી ગુણાકાર ની ઉમર આવે છે .ત્રીસ પાંત્રીસ ની વય થી ગુણાકાર શરુ થાય .જે મહેનત  કરી હોય તેનું અનેક ગણું ફળ મળે . આ માણસ ની રિદ્ધિ સિદ્ધિ ,એશો આરામ ની અવસ્થા છે ,સુખ ભોગવવા ના દિવસો છે એમાં બાદબાકી કે ભાગાકાર ક્યાંથી યાદ આવે ?

પચાસ ની ઉમરે હવે ભાગાકાર શરુ થાય .સંતાનો ના લગ્ન માં ખર્ચ થાય ,આવક ભાંગી ને જીવે .સમય નો  પણ ભાગાકાર થાય ,શક્તિ નો પણ ભાગાકાર જ થાય .આ વયે નવીન શક્તિ ક્યાંથી આવે ?સમય શક્તિ ધન બધુ જ માનવી ને ભાંગવા નું શરુ કરે  ,જે છે તે ખર્ચાતું  જાય.

ને સાથે આવે બાદબાકી .સત્તા ,ધન ,કીર્તિ  થી આકર્ષાઈ ને જે જે  આવતા તે હવે ઓછા થાય .કોઈ કોઈ સમવયસ્ક આવે ને ખબર અંતર પૂછે ત્યારે માણસ ની બાદબાકી માણસ ને પજવે ને એ એકલતા ની હૈયા વરાળ ઠાલવે .ઘડપણ નજીક આવે એમ સંતાનો દુર થતા જાય ,માણસ એકલો થઇ જાય ત્યારે એ પોતાના જીવન  માં ડોકિયું કરી વિચારે કે મારો સમય વેડફાઈ ગયો ,મે  આ બધુ કોના માટે કર્યું ,શું કામ કર્યું  અત્યારે મારી સંભાળ કેમ કોઈ લેતું નથી .આવા વિચારો થી મન ભરાઈ જાય અને નેત્રો સજળ બને .એકાંત અકારું લાગે .

પણ જો આ બધીજ ક્રિયા સરવાળા ,બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ની સાથે જ કરતા જાય તો !  એટલે કે સ્વાર્થ ની બાદબાકી ,અહં નો ભાગાકાર , ધર્મ અને કલ્યાણકારી  પ્રવૃત્તિ નો ગુણાકાર કરે  ને અન્ય ના સુખો નો  સરવાળો તો જીવન ઉપવન બની જાય ને .પોતે પણ પ્રસન્ન થાય અને પ્રભુ પણ પ્રસન્ન થાય કે મે આપેલા જીવન ને જીવી જાણ્યું . કાઈ નહી તો પચાસ પછી તો અવશ્ય આવું વિચારી ને અમલ કરવો જોઈએ .કવિ શ્રી રમેશ પારેખ ની કવિતા યાદ આવે છે ‘ભગવાન નો ભાગ ‘.

ભગવાન નો ભાગ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ

 

Leave a Reply