જે કંઈ બન્યું તે બધું કોઈકવાર કહીશ તને,
અને જે બની ના શક્યું, કોઈકવાર કહીશ તને.
આમ તો જીવન સરળ, મારું વીત્યું છે પણ,
આ ‘પણ’ એટલે શું તે, કોઈકવાર કહીશ તને.
તડ ને ફડ કાયમ હું કરતો રહ્યો છું તોય પણ,
કેમ હું ગમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.
કોઈ જીવતદાન દેવા ત્યાં થોડા ઉભા હતા પણ?
કેમ હું રમતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને
પરિધ ઉપર તું ખોટો શોધી રહ્યો છે કેન્દ્ર ને,
કેમ હું અળગો રહ્યો છું,કોઈકવાર કહીશ તને.
આમ તો શ્રીકૃષ્ણએ કહી હતી ભગવદ ગીતા,
કેમ હું ભજતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને
આનંદ આનંદ ભર્યો હશે કે આંસુઓ ખૂટ્યા હશે,
કેમ હું હસતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.
ખુદ મારી ગઝલ પણ મને યાદ કંઈ હોતી નથી,
કેમ હું લખતો રહ્યો છું, કોઈકવાર કહીશ તને.
– ર્ડા. મુકેશ જોષી
You must log in to post a comment.