દીકરી

                              અછાંદસ રચના
તને શાળાએ ભણવા મૂકી ત્યારે દિકરી,
મને ક્યાં ખબર હતી કે અર્ધી કન્યા વિદાય હતી,
એક પિતા અને પુત્રીના વિખૂટાં પડવાનો એ આરંભ હતો !
પછી તે મારી આગળી ઝાલ્યા વિના
એકલા એકલા જ ગણિતનો એકડો ઘુટ્યો,
હિચકામાં બેઠી ,
શાળાના નવા પરિવાર વચ્ચે તે તારી જાતને ગોઠવી,
પડતાં, રમતાં તારી આંખ ભીની પણ થઈ,
ત્યાં ન હતા પપ્પા કે ન હતી મમ્મી ……
મારી દિકરી તું મોટી  થઈ પછી આ ક્રમનું હવે થશે પુનરાવર્તન,
આપણે વિખુટા પડવાના,
આ ઘરના વડલાનો શીતળ છાંયો છોડીને
તું તારી જિંદગીનો એકડો જાતે જ ઘુટવાની .
તું હિચકે બેસીને મહાલીશ,
સાસરિયાના નવા પરિવાર વચ્ચે તારી જાતને ગોઠવીશ .
કોઈ વાર તારી આંખ ભીની પણ થશે .
ત્યાં ન હશે પપ્પા કે ન હશે મમ્મી …..
મારી દિકરી, તું હવે મોટી  થઈ,
હવે જિંદગીની  શાળામાં  અને જિંદગીનું  ગણિત,
હવે જિંદગીનું વિજ્ઞાન અને જિંદગીની  ભાષા
તારે ભણવાના
અને એમાં પહેલે નંબરે પાસ થવાનું,
પ્રોમિસ આપે છે ને બેટા ?

Leave a comment

Leave a Reply

%d bloggers like this: