એક નાના ગામડા માં એક સુખી પરિવાર રહેતો હતો . પરિવાર માં માતા પિતા અને એક નાનો દીકરો . પિતા ખેતી કરી ને ગુજરાન ચલાવે . દીકરો મોટો થયો એટલે સ્કુલે મોકલવાનું શરુ કર્યું . દીકરો ભણવા માં ખુબ તેજસ્વી.એનું નામ વિદ્યાસાગર . નામ તેવા ગુણ . એકવાર શિક્ષક જે ભણાવે તે યાદ રહી જાય . સ્વભાવ પણ ખુબ સારો, વિનયી વિવેકી આનંદી અને મળતાવડો .દેખાવે પણ સુંદર . શાળા માં અને ગામ માં નાના મોટા બધા નો લાડકો . ધીરે ધીરે મોટો થતા ભણવા માં ખુબ આગળ વધ્યો .હંમેશા પ્રથમ નંબરે પાસ થતો . માબાપ ની છાતી ગજ ગજ ફૂલતી . માં તો હેત ની હેલીઓ વરસાવે અને કાયમ ઓવારણાં લેતી કે મારા લાલ ને કોઈ ની નજર ના લાગે . પતિ પાસે હંમેશા તેનાં વખાણ કરતી .પિતા પણ અંદર થી તો પુત્ર ઉપર ખુબ જ ગર્વ અનુભવતા ,પણ ઉપરથી કાયમ તેની કોઈ ને કોઈ ભૂલ કાઢે .ક્યારેક પુત્ર ઉપર ગુસ્સો પણ કરે , તેનાં દોષ બતાવે . દીકરા ને આવું પિતા નું વર્તન ગમતું નહી ,તે અંદર ને અંદર મન માં દુખી થતો પણ પિતા ને કાંઈ ન કહેતો . એકવાર એને પિતા એ કોઈ વાત માં ટોક્યો તે એનાથી સહન ન થયું . એણે ઘર છોડી ભાગી જવાનું નક્કી કર્યું . એ માં ને મળવા આવતો હતો ,ત્યાં જ તેણે માતા પિતા ની વાતચીત સાંભળી .માં કહી રહી હતી કે,” તમે આપણા દીકરા સાથે આવું વર્તન કરો છો એ મને ગમતું નથી કાયમ શું એના દોષ જુઓ છો ? ક્યારેક વખાણ પણ કરો તો એને કેવું સારું લાગે . એ તમને કહેતો નથી પણ એ ખુબ દુખી થાય છે .ત્યારે પિતા એ કહ્યું કે તું અત્યારે શું કરે છે ?માં એ કહ્યું કે ચોખા સાફ કરું છું કાં કે જમતી વખતે કાંકરી કે કચરો ના આવે ,ત્યારે પિતા એ કહ્યું કે હું પણ એજ કરું છું .બધાજ એના વખાણ કરે છે પણ કોઈ એની ભૂલ એને નથી બતાવતું પણ આપણે તો એના માબાપ છીએ એની ભૂલ સુધારવી આપણી ફરજ છે નહી તો એને અભિમાન આવશે અને એની પ્રગતી રૂંધાઈ જશે .અભિમાન સર્વ સદગુણો નો નાશ કરી તેને પતન તરફ દોરી જશે . જેમ ચોખા માં થી તરિયો કે કાંકરી કાઢવી પડે તેમ માબાપે પણ સંતાન ના પ્રેમ માં ડૂબી દોષ સામે આંખ આડા કાન ન કરવા જોઈએ .બાકી તો આપણો વિદ્યા સાગર આપણા કુલ નું નામ રોશન કરે તેવો છે ,મને પણ ખુબ જ વ્હાલો છે મારી આંખ નું રત્ન છે .એની ઉપર ગુસ્સો કરવો કે તેનાં દોષ જોવા મને પણ નથી ગમતા . પણ આપણી ફરજ માં આપણે ઉણા ના ઉતારવું જોઈએ બસ એને જિંદગી માં પ્રગતિશીલ રાખવા માટે આમ કરું છું . ”
આ વાત સાંભળતા જ દીકરો દોડી ને પિતા ના પગે પડ્યો અને પોતાની ભૂલ ની માફી માંગી .પોતે ઘર છોડી જવા નો હતો તે વીચાર સદાને માટે તેણે છોડી દીધો અને પ્રેમ થી પિતા ના ગળે વળગી પડ્યો .પિતા એ પણ પ્રેમ થી દીકરા ઉપર સ્નેહ વરસાવ્યો.
વાચક મિત્રો , આ વાર્તા તમને કેવી લાગી અને આ માંથી શું બોધપાઠ લેવો જોઈએ ? એ જરુર લખજો .
Varta sari lagi. Amne vaarta bau game, bodh path na game.. bodh path pan tamej kehso