મજબૂર છું કહીને મજબૂર ના થઈશ,
આવે નહીં તું પાસ તો ય દૂર ના થઈશ.
થોડો તો રહેજે ખાલી ભરપૂર ના થઈશ,
થાજે અષાઢી મેઘલો પણ પૂર ના થઈશ.
રહેજે ચમક ઓજારની, નુપૂર ના થઈશ,
શબ્દ છે તો શબ્દ રહેજે, સૂર ના થઈશ.
વિસામો ના બનાય તો ઘેઘૂર ના થઈશ,
ઉંચો થજે જરૂર પણ ખજૂર ના થઈશ.
તું શેર છે ગઝલનો, જી હજૂર ના થઈશ,
નશામાં તું ગઝલના, ચકચૂર ના થઈશ.
મહેફીલ છે, તાળીઓનો રીવાજ છે અહીં,
ઓ દોસ્ત ! સાંભળીને, મગરૂર ના થઈશ.
– ર્ડા. મુકેશ જોષી
Leave a Reply