માણસ મને હૈયા સરસો લાગે – સુરેશ દલાલ

ક્યારેક સારો લાગે ક્યારેક નરસો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

દરિયો છે એટલે તો ભરતી ને ઓટ છે,
સારું ને બૂરું બોલે એવા બે હોઠ છે,
એને ઓળખતા વરસોનાં વરસો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

ઘડીક સાચો લાગે ઘડીક બૂઠ્ઠો લાગે,
ઘડીક લાગણીભર્યો ઘડીક બુઠ્ઠો લાગે,
ક્યારેક રસ્તો લાગે ને ક્યારેક નકશો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

ક્યારેક ભૂલો પડે ને ક્યારેક ભાંગી પડે,
ક્યારેક ચપટીક ધૂળની પણ આંધી ચડે,
ક્યારેક માણસભૂખ્યો લોહીતરસ્યો લાગે,
તોયે માણસ મને હૈયાસરસો લાગે…

– સુરેશ દલાલ


Posted

in

by

Tags:

Comments

Leave a Reply