મારા પપ્પા એટલે બસ મારા પપ્પા

 

image

મારા વહાલા પપ્પા ,

મજામાં જ હશો . હું પણ મજામાં જ છું . પત્ર ઘણાં સમય પછી લખું છું પણ એક પલ પણ તમને ભૂલી નથી .કેવી રીતે ભુલાય ?જો શ્વાસ લેવાનું ભુલાય તો તમને ભુલાય પણ એ તો અશક્ય છે એવી રીતે તમે પણ મારી સાથે જ શ્વસી રહો છો . તમારી તબિયત કેમ છે ? હમણાં વરસાદ બહુ જ પડે છે એટલે જરૂર વગર બહાર ન નીકળતા નહી તો શરદી થઇ જાશે . અહીં બધા ઘરે મજાક કરે કે હું પપ્પા ની સાથે વાત કરું એટલે મારા ચહેરા ઉપર અનેરી રોનક આવી જાય. હું પણ ગર્વ થી કહું કે મારા પપ્પા છે જ એવા એમની સાથે જો કોઈ થોડી પલ પણ રહે તો ખુશ થઇ જાય તો હું તો એમની આત્મજા છું ,૨૧ વર્ષ સુધી એમણે મારા લાલનપાલન કર્યા છે તો એમની સાથે વાત કરું એટલે રોનક તો આવે જ ને ! પપ્પા યાદ છે હું ઘણી વાર તમને કહેતી કે પપ્પા તમે મને આટલે દુર કેમ સાસરે વળાવી ?પણ પછી મને લાગતું કે હું ક્યાંદુર છું ? હું તો મનથી તમારા થી દુર ગઈ જ નથી તમે હર ઘડી મારી પાસે જ છો   તમે લડાવેલા લાડ ની મીઠી યાદ સ્વરૂપે તો કયારેક અમારા ભલા માટે આપેલ ઠપકા સ્વરૂપે. પપ્પા તમારું હર રૂપ મે ખુબ નજીક થી જોયું છે .તમારી બધી ફરજો તમે બખૂબી આનંદ થી કોઈ જાતના કકળાટ કે ફરિયાદ કે સ્વાર્થ અને બદલા ની અપેક્ષા વિના નિભાવી છે .કયારેય કોઈ ના પ્રત્યે દ્વેષ ,કે ઈર્ષા રાખ્યા નથી .સર્વે સાથે પ્રેમ ની લહાણી જ કરી છે .દરેક ને તમારા થી બનતી બધી મદદ હમેશા કરો છો .જીવન પ્રત્યે હમેશા હકારાત્મક અભિગમ અને ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા એ તમને વિકટ સંજોગો માં પણ તૂટવા નથી દીધા. મમ્મી ના વિરહ પછી પણ  સંતાનો પ્રત્યે નો પ્રેમ ના લીધે જ તમે જલ્દી પોતાની જાત ને સાંભળી લીધી અને સંતાનો ને સહારો આપી જીવવાનું બળ આપ્યું નહી તો આપણા સૌ માટે તો દુઃખ નું આભ તૂટવા જેવું હતું .પપ્પા તમને કોઈ ના સમજી શકે તો એમાં વાંક તમારો નહી પણ એ વ્યક્તિ ની ઓછી સમજણ નો છે .બાકી દીકરી તો હમેશા પપ્પા ની આજીવન પ્રશંશક રહેવાની .પપ્પા તમારું નિર્લેપ અને તોય મોહક વ્યક્તિત્વ ,હૃદય ની નિખાલસતા, હમેશા સત્ય બોલવું ,સદાચરણ ,નીડરતા આબધા તમારા એવા ગુણો છે જે દરેક વ્યક્તિ માં નથી હોતા અને કદાચ એકાદ અવગુણ તમારા માં હોય તો ય પ્રભુ સિવાય ક્યાં કોઈ પૂર્ણ છે ?દરેક માં કોઈ ને કોઈ અવગુણ હોય જ છે .તમારો એક મોટા મા મોટો ગુણ મને  જે બહુ જ ગમે એ એ છે કે તમે તમારા સ્વાર્થ માટે ક્યારેય  તમારા સિદ્ધાંતો ને નેવે મુક્યા નહી ,ઈમાનદારી એ તમારા વ્યક્તિત્વ ને એક અલગ અંદાજ આપ્યો છે અને બીજું એ કે ક્યારેય તમે કોઈ ને કૈ પણ મદદ કરી હોય તો સહજ ભાવ થી ,ઉપકાર ની ભાવના થી નહી અને એ પણ એનું સ્વમાન સાચવી ને એવી રીતે કે એક હાથ થી આપો તો બીજા હાથ ને ખબર ન પડે એરીતે .અને આ બધા તમારા સદગુણો  અમે પણ જીવન માં ઉતારવા ની કોશિશ કરી છે .અને એટલે જ મારા કુટુંબ પરિવાર માં હું બધા નો સ્નેહ સંપાદન કરી શકી છું . અગરબત્તી ની જેમ પોતે સળગી ને પણ વાતાવરણ ને મહેકાવાનીતમારી  ટેવ સુવાસ બની ને મારા તન મન માં મહેકી રહી છે અને મારા જીવન નો આદર્શ બની ગઈ છે .અને હા ,તમારું સંગીત અને મધુર સ્વરે તમે ગાયેલા ગીતો  મારા કાનો મા હરદમ ગુંજતા રહેછે .

પપ્પા ,તમે મારા આદર્શ છો ,મારી પ્રેરણા મૂર્તિ ને મારા કોટી કોટી વંદન .જ્ય શ્રી કૃષ્ણ .

તમારી લાડલી માયા


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: