મેઘરાજા ની મહેર

બસ , ઇન્તજાર નો અંત આવી ગયો ,બફારા માંથી મુક્તિ અને ભીની માટી ની પહેલા વરસાદ ની મીઠી મીઠી સોડમ. વાહ ! મેઘરાજા ની વાજતે ગાજતે પધરામણી થઇ અને વર્ષારાણી રુમઝુમ કરતા પધાર્યા. વરસાદની અમીધારા વરસતા જ નાના મોટા સૌ આનંદ માં આવી ગયા અને ભીંજાવા બહાર દોડી ગયા.  કોયલ નો મીઠો ટહુકાર અને વરસાદ ની ફુહાર .પછી પૂછવું જ શું ? બાળકો તો દડા થી રમવા લાગ્યા ને મોજ મસ્તી કરવા લાગ્યા . બારી માંથી હું પણ આ  આનંદ લઇ રહી હતી .ભીંજાવા નું તો હવે આ ઉમરે ના પોસાય પણ ઝરમર વરસતા વરસાદ ને નિહાળતા જ ટાઢક અનુભવાય .હવાની ભીની લહેર નો સ્પર્શ પણ આહલાદક લાગે .અને મન અતીત ની યાદો વાગોળવા લાગ્યું .બાળપણ માં વરસાદ માં ભીજાવું ,કોઈ પણ જાત ની રોકટોક વગર ની મસ્તી અને દોસ્તો સાથે નો નિર્દોષ આનંદ . વહેતા પાણી માં કાગળ ની હોડીઓ બનાવી તરતી મુકવી અને પેલું ફેમસ જોડકણું કેમ ભુલાય ?

‘આવ રે વરસાદ ,ઘેબરિયો વરસાદ , ઉની ઉની રોટલી નેકારેલા નું શાક ‘. કારેલાના શાક ને ને વરસાદ ને શું સંબંધ ખબર નહી પણ ચોમાસામાં કુણા કુણા કારેલા  નું શાક ને ગરમ રોટલી લાગે તો સ્વાદિષ્ટ .તો વળી ગરમ ગરમ ભજીયા ,અને મસાલા ચા ની તો શું વાત કરવી .અને કુણી કુણી મકાઈ અને એય પાછી ભટ્ઠી માં શેકેલી અને લીંબુ અને મસાલો લગાવી ખાવાનો આનંદ જ ઔર હોય છે .આમ તો દરેક વસ્તુ ,ઋતુ , શાક, ફળો અને કુદરતી સોન્દર્ય દરેક માં થી આનંદ મળે છે ,બસ લેવા ની તૈયારી હોવી જોઈએ . લો ,બોલો, એક સરસ મઝા નું ગીત આ લખતા યાદ આવી ગયું .આને કહેવાય મન રૂપી માંકડું ક્યાંક નું ક્યાં પહોંચી ગયું . ચાલો તો હવે એ ગીત ની બે લીટી આપ સૌ ની સાથે શેર કરી આપ સૌ ને પણ યાદ કરાવી દઉં .

બરખા રાની જરા ઝુમકે બરસો ,

મેરા દિલબર જા ન પાયે ,ઝુમકે બરસો .

આવી ગયું ને મસ્ત મઝા નું ગીત યાદ .ચાલો તમે હવે આ ગીત નો આનંદ લો અને હું તો હવે વર્ષા રાણી ને વધાવવા અને  કબાટ ના કોઈ ખૂણામાં મુકેલી છત્રીઓ અને રેઇનકોટ ગોતવા ના કામ મા લાગું છું .

 

 

 

One Reply to “મેઘરાજા ની મહેર”

  1. મને આ વેબસાઈટ બહુજ ગમ્યું થેન્ક્સ આ વેબસાઈટ બનાવા માટે.

Leave a Reply