વૃદ્ધાવસ્થા

વૃદ્ધાવસ્થા એટલે ઉમર નો એક એવો પડાવ જે કોઈ ને ગમતો નથી અને છતાંય દરેક ના જીવન માં આ અવસ્થા આવે જ છે .ફક્ત માનવી ને જ નહી આ અવસ્થા સૌ કોઈ પશુ પંખી પ્રાણી માત્ર ના જીવન માં આવે છે .આ અવસ્થા માં જીવ માત્ર ને પોતાની  ઉપયોગીતા ઓછી થવા થી સૌ કોઈ ના અપમાન, તિરસ્કાર ,ધ્રુણા સહન કરવા પડે છે .પશુઓ પણ જ્યાં સુધી ઉપયોગી હોય ત્યાં સુધી જ તેમને માલિક સાચવે છે,વૃદ્ધાવસ્થા આવતા  તેમને છોડી દેવાય છે અથવા કતલખાને મોકલી દેવાય છે .આ અવસ્થા માં પ્રત્યેક જીવ લાચાર હોય છે .જુલમ નો પ્રતિકાર કરવા ની એમના માં શક્તિ હોતી નથી એટલે મૂંગે મોઢે બધુ સહન કરે જાય છે .આજે આપણે અહીં માનવી ની વૃદ્ધાવસ્થા વિષે વાત કરીશું .આ અવસ્થા માં માનવી ના તન મન ની સ્થિતિ સમજવા નો પ્રયાસ કરીશું .એ સ્થિતિ સુધારવા નો પ્રયત્ન કરીશું .

વૃદ્ધાવસ્થા એટલે વડીલો નું વેકેશન ,નિરાંત ની અમીરાંત . મનગમતી પ્રવૃત્તિ કરવા નો સમય .બાળકો જેમ વેકેશન માં આનંદ ,તોફાન મોજ મસ્તી કરે ,બાલ સહજ ક્રીડાઓ  કરી પોતાનો આનંદ વ્યક્ત કરે અને એમની હાજરી થી ઘર મા કિલકારીઓ  અને શોર મચાવે . એવી જ આ પણ અવસ્થા છે. કહેવત છે કે બાળક અને બુઢા બેઉ સરખા . આ અવસ્થા માં મોટે ભાગે વડીલો નિવૃત થયા હોય છે .સંસાર ની જવાબદારીઓ માં થી મુક્ત થયેલા આ વડીલો ને  શરુ માં તો ગમે છે પણ પછી સમય કેમ અને ક્યાં પસાર કરવો તે સમસ્યા હોય છે .શરીર પણ નબળું પડતું હોવાથી મન પણ ઉદાસ થઇ જાય છે અને મન માં અંદર ને અંદર આ પીડા સહન કરતા હોય છે . સહ કુટુંબ માં રહેવા છતાં એકલતા થી પીડાતા હોય છે પણ જો થોડો વિચાર કરી ને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરે તો તન અને મન બન્ને પ્રસન્ન થાય . દરેક ને કોઈ ને કોઈ કાર્ય કરવા માં રુચિ હોય છે જે યુવાની માં સંસારિક જવાબદારીઓ ના લીધે જે શોખ પુરા ના કરી શક્યા હોય તે આ સમયે કરી શકાય છે .ઘર ના વડીલો નાના બાળકો ને સાંજે ગાર્ડન માં ફરવા લઇ જાય, તેમની સાથે થોડીવાર ગમ્મત  કરે , બાળકો ની કાલી ઘેલી વાણી  સાંભળે તો મન જરૂર પ્રસન્ન થાય અને સમય પણ પસાર થાય ,વળી બાળકો ને પણ દાદા દાદી ના લાડ ,પ્યાર મળે .સારા પુસ્તકો નું વાંચન ,લેખન ની પ્રવૃત્તિ પણ આનંદ આપે. સમાજ સેવા નું કાર્ય ગમતું હોય તો એ કાર્ય પોતાના જીવન ના અનુભવ ના આધારે કરે તો એ સરાહનીય છે . ઘણી વખત સંતાનો પરદેશ મા સ્થિર થવાથી માબાપ ને એમની બહુ  ખોટ સાલે છે ,જીવન સંધ્યા ના ટાણે જાણે એમનો સહારો પાસે નથી એવી હતાશા ની લાગણી ઘેરી વળતી હોય છે .જો એમાંય પતિ કે પત્ની બેઉ માં થી એકજ હોય એની મનો દશા ખુબ ખરાબ હોય છે .એમના માટે જીવન એક બોજો હોય છે અને મૃત્યુ ની રાહ જોતા જીવતા હોય છે. આવા સમયે જો કોઈ ની હુંફ , પ્રેમ મળી જાય તો  જીવન જીવવાનો સહારો મળી ગયો હોય તેમ લાગે છે . ઉમર વધવા ની સાથે સ્વભાવ પણ બદલાતો હોય છે .તન પણ સાથ ન આપતું હોવા થી અને પોતાની ઉપેક્ષા થતી હોવા થી સ્વભાવ ઉગ્ર અને ચીડિયો બની જાય છે. આવા સમયે એમને કોઈ નો પ્રેમ સધિયારા ની આશા હોય છે . ઘણા વડીલો ની અસહિષ્ણુ વૃતિ ના કારણે ,કે જીદ કે અહમ ને કારણે ઘર નું વાતાવરણ કલુષિત બની જતું હોય છે અને સંતાનો સાથે રહેવા છતાં તેમના થી દુર થઇ જાય છે .આ નો ઉપાય શું ?

આનો ઉપાય એ જ છે કે જીવન સંધ્યા ને ઉજાળે તેવા કાર્ય કરી સૌ નો પ્રેમ પામી શકાય . નવા ફેરફારો ને આવકારો .નવું બધું ખરાબ એવી ગ્રંથી ને દુર કરો .પરિવર્તન સંસાર નો નિયમ છે તેની સાથે  અનુકુલન સાધો ,મન માં થી પૂર્વ ગ્રહ દુર કરવા નો પ્રયત્ન કરો . તમારી આસપાસ ની વ્યક્તિ ઓ ને  સમજવા નો પ્રયત્ન દિલ થી કરો .આ સમય માફ કરવા નો હોય છે .મન ને ઉદાર બનાવો. વડીલ છો તો મોટા મન ના થઇ ને ઘર માં રહો .સંતાનો ની સમસ્યા સમજો અને અનભવ ના આધારે એમની સમસ્યા નું નિરાકરણ કરવા મા મદદ કરો .નાના બાળકો ને સારી વાર્તાઓ સંભળાવો ,એમને કૈક નવીન કાર્ય શીખવું હોય તો એમાં મદદ કરો. તમારા જુના ફોટો જુઓ અને બાળકો ને બતાવી તેની સાથે સંકળાયેલી તમારી યાદો શેર કરો . જુઓ ઘર નું વાતાવરણ એકદમ પ્રફુલ્લિત બની જશે .તમારી હાજરી સૌ કોઈ ને ગમશે .સૌ તમને ચાહતા થઇ જશે .તમને પણ આ જીવન સંધ્યા માણવા લાયક લાગશે .’બુઢા તો ઘર ના ઓટલે અથવા મંદિર માં સારા ‘એવી  માન્યતા બદલાઈ જશે પણ એના માટે તમારે પણ બદલવું પડશે ને !જુના રીત રીવાજો ને વળગી રહેવા ને બદલે જરૂરી ફેરફારો અપનાવવા પડશે .કોઈ ગરીબ ના બાળક ને ભણાવો ,કોઈ સમવયસ્ક નીસાથે તીર્થ યાત્રાએ ગમે તો જઈ શકાય .સમ વયસ્કો સાથે મળી ને કોઈ સુંદર પ્રવૃત્તિ મા સમય ગાળવાથી જીવન સંધ્યા સોનેરી બની જશે .ઘરડા ઘર ની જરૂર જ નહી પડે .સૌ સાથે હળીમળી ને રહી શકશો. શિખામણો વારેવારે આપવાથી સંભાળનાર ને હથોડા મારવા જેવું લાગતું હોય છે .એટલે કોઈ પૂછે તો જ શિખામણ આપો અને કોઈન  માને તો એનું મન માં દુખ પણન લાવો .દરેક ની વિચારવા ની રીત અલગ હોય છે .તમે તમારું કાર્ય કર્યું એનો સંતોષ રાખો .તમારા માં કોઈ હુન્નર હોય તો  કોઈ બેરોજગાર વ્યક્તિ ને તે શીખવી રોજગાર ની તક આપો .

અંત માં એટલું જરૂર કહીશ કે આ વડીલો આપણા સહુ ની વહાલી મૂડી છે ,એને વેડફી ના દેવાય . એમને પણ માન સન્માન ની ,આદર ની આપણી પાસે અપેક્ષા હોય છે અને તેઓ એના હકદાર છે .આપણે તેમના માન સન્માન જાળવવા જોઈએ .એમની પાસે જીન્દગી ના અનુભવો નું ભાથું છે જે આપવા માટે તેઓ હમેશા તૈયાર જ હોય છે ,પણ આપણ ને એની કીમત નહી અને બીજા ઢોંગીઓ ના વચન માં વિશ્વાસ રાખીએ અને આપણા હિતેચ્છુ વડીલો નો અનાદર કરીએ છીએ .પણ એ સારું નથી કા કે આપણે જેવું આપણા વડીલો સાથે વર્તન કરશું તેવું જ આપણા સંતાનો આપણી સાથે કરશે .વડીલો ને  આપણી પાસે થી બીજું જોઈએ પણ શું ? થોડો સમય એમને આપો ,એમની વાતો સાંભળો  એમની જરૂરિયાતો નું થોડું ધ્યાન રાખો . એમને ગમતું ભોજન આપો કોઈવાર એમની સાથે એક સાંજ ગાળો ક્યારેક એમની સાથે બેસી જમો .તમારા જીવન માં એમનું  અગત્ય નું સ્થાન છે એવી એમને પ્રતીતિ કરાવો  તમે હમેશા એમની સાથે જ છો એવો વિશ્વાસ આપો .આખરે તો અત્યારે આપણે જે કાંઈ છીએ તે આપણા વડીલો ના લીધે જ આ માન પાન અને મોભો મળ્યા છે .એમણે એમની તમામ ઇચ્છાઓ તમારા સુખ સગવડ માટે ત્યાગી છે ,તો હવે જયારે એમને સાથ ,પ્રેમ હુંફ આપવા નો  વારો  આવ્યો તો પીછે હઠ શા માટે ? કોઈ નેપણ નાની મદદ માટે પણ આભાર માનવાનું ના ચુકતા હોઈએ ત્યારે આપણા વડીલો તરફ દુર્લક્ષ શા માટે . જેણે આંગળી પકડી ચાલતા શીખવ્યું એને  ઠોકર શા માટે ?જેણે તમને  માન મોભો  પ્રતિષ્ઠા આપ્યા તેમના હડહડતા  અપમાન અને અનાદર શા માટે ?  આપણા બાળકો ની જીદ કે કોઈ તોફાન ઉપર ગુસ્સો ન આવે અને વડીલો ને  વિના વાંકે  તરછોડી દેવા શા માટે ? જો એમણે પણ આપણ ને તરછોડ્યા હોત તો ? આપણા માવતર ,વડીલો એ આપણ ને ઘર આપ્યું અને આપણે  તેમને ઘરડા ઘર આપ્યું?આ યોગ્ય નથી .આપણા વડીલો આપણા સરતાજ છે . એને માન ન આપો તો કાંઈ નહી પણ એમનું અપમાન ન કરો , એમને પ્રેમ ના કરો કાઈ નહી ,એમને ધિક્કારો નહી , એમને જીવન માં સુખ ન આપો તો કાઈ નહી પણ દુખ પણ ન આપો .

પૂછો તો ખરા વડીલો ને શું થાય છે ?

આંખો માંથી આંસુ કાં વહી જાય છે ?

વધુ તો શું ? જેવું કરશો તેવું પામશો ને વાવશો તેવું લણશો .આખરે આપણે પણ આ અવસ્થા  નો સામનો કરવા નો જ છે .

માળી વીણે છે ખીલ્યા ફૂલડાં ને કળીઓ કરે છે વિચાર ,

આજની ઘડી રળિયામણી ,કાલે આપણા એ હાલ .

—————માયા રાયચુરા .

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Join the Conversation

2 Comments

%d bloggers like this: