ડિયર મોન્સૂન,
કેરળ-તમિલનાડુથી ગુજરાત સુધી પહોંચતાં આટલી બધી વાર?
જલ્દી આય ભાઈ, અહીંયા એસીનાં બિલો વધે છે.
રસ્તાઓ ધોવાઈ જવા માટે બેબાકળા બન્યા છે. કોન્ટ્રાક્ટરોનાં છોકરાં નવી ગાડી માટે કજિયો કરે છે, ને એના પપ્પાઓ ‘એક વરસાદ પડી જવા દે’ એવા વાયદાઓ કરે છે.
ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે, રેઇનકોટ-છત્રીઓ માર્કેટમાં ખડકાઈ ગયાં છે, પણ તારા અભાવે વકરો શરુ થવાને વાર છે.
દાળવડાં-ભજિયાં વગર લોકોની આંતરડી કકળે છે. ફેસબુક પર સેલ્ફીઓ પણ સાવ નપાણિયા થઈ ગયા છે.
ટિટોડીનાં ઈંડાંમાંથી બચ્ચા પણ આવી ગયાં ને સૂકવેલા ગોટલાના મુખવાસ પણ બની ગયા.
તારા વગર ‘અમીછાંટણાં’, ‘ધડાકાભેર’,
‘મેઘસવારી’,
‘સર્વત્ર શ્રીકાર’,
‘નવી આવક’, ‘જળબંબાકાર’,
‘સાંબેલાધાર’, ‘
ઓવરફ્લો’, ‘
ખતરાના નિશાનથી ઉપર’, ‘ઉપરવાસમાં’, ‘
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ’
, ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ’
, ‘પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો’, ‘ઠેર ઠેર ભૂવા પડ્યા’
જેવા શબ્દપ્રયોગો વિના ગુજરાતી ભાષા ઑક્સિજન લેવા માંડી છે. હજારો દેડકાઓ અને કરોડો કવિઓ પણ તારા વિના ટળવળે છે. તારા વિના ‘પલળેલાં ભીનાં બદન’નાં લેખો સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે. અમારી ભાષા મરી પરવારશે એનું તને કંઈ ભાન છે?!
એટલે ભાઈ, તને પણ વિજય માલ્યાની જેમ ભાગેડુ જાહેર કરાય એ પહેલાં આવી જા.
લિખિતંગ,
ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી.
Comments
You must log in to post a comment.