લે, આ મારી જાત ઓઢાડું તને,
સાહેબા, શી રીતે સંતાડું તને…
તું ભલે દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહિ પાડું તને…
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને…
તું નહિ સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને…
હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને…
તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને…
ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને…
ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને…
– ખલીલ ધનતેજવી