સુવર્ણ સંધ્યા

સુવર્ણ સંધ્યા
એણે ચાહેલો ફક્ત તડકો,
એણે ચાહેલા સમગ્ર દિવસો
ચૈત્રના આંગણામાં બળબળતા .
એના સમગ્ર જીવનમાં
સૂર્યના ચંચળ અગ્નિઝરણાં ભલે વહેતાં
મનમાં મનમાં એણે આવું જ ઈચ્છ્યું હતું .
સ્વીકારવી અઘરી લાગે એવી આ કામના
હૃદયમાં પ્રગટાવીને એ અસહ્ય સુખનું સુર્યસ્નાન
કરતો રહ્યો : આ સિવાય એણે બીજી કોઈ પ્રાર્થના
ક્યારેય કરી નહોતી . એ તડકે રંગ્યું જીવનસોનું
ધીરે ધીરે ભૂસાઈ જતાં પછી શું થયું તે સાંભળો .
એનું યૌવન વીતી ગયું . એક દિવસ સંધ્યાકાશમાં
તેજ છાયાની કલ્પના જોતાં એની આંખમાં કેવું
સપનું ઘુંટાયુ – એ તો જાણતો નથી
પણ એને એવું લાગ્યું કે
આહા, આ પણ સારું છે
કોઈક જાણે આકાશમાં ધીમે ધીમે હળવે અક્ષરે
લખી રહ્યું છે સુવર્ણ સંધ્યાનો  પત્ર,
આ પણ મજાનું છે લો ; તડકો જેમ ઉન્માદ લાવનારો
તેમ સંધ્યાની છાયા એટલી જ શાંતિ લાવનારી .

Leave a comment

%d bloggers like this: