સ્વજન કહેવાય છે કોને

સ્વજન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું,
સદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

અજાણ્યા રહીને મેં તો, મારી બરબાદી જ કીધી છે,
જતન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

નજર સામે ફક્ત મેં તો, ચમકતો ચાંદ જોયો છે,
વદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

હવો તો કોઇ દ્રષ્ટી સાથ મેળવતું નથી દ્રષ્ટી,
નયન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

હું સાચું રુપ એનું જાણવા માટે તો જાગું છું,
સ્વપ્ન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

વગર જાણ્યે દીવાના જેમ હસવાનું જ છે મારે,
રુદન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

વસંત ને પાનખર બંને મને સરખી જ લાગે છે,
સુમન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

હજી હમાણાં સુધી તો મારે પથ્થરથી પનારા છે,
રતન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

મને તો છે સમંદર જેમ મર્યાદા કિનારાની,
વહન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

વિરહને તો તમે આવો નહીં તો પણ હું જાણું છું,
મિલન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

ધરા પર પગ નથી ટકતા અને બેફામ બોલે છે,
ગગન કહેવાય છે કોને, તમે આવો તો હું જાણું…

– બરકત વિરાણી ‘બેફામ’

Leave a Reply