ચાર લીટીનો કાગળ થઈને – ધ્રુવ ભટ્ટ

લો…..
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા
હરૂભરૂનો ખયાલ લઈને અક્ષરમાં ઓગળતા આવ્યા.

આમ જુઓ તો લખવા જેવું કામ નથી કંઈ અને છતાં છે
જુદાં ગણો તો આપણ બેનાં નામ નથી કંઈ અને છતાં છે
નામ-કામ-કારણનો સઘળો ભાર તજીને હળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા

લખવામાં તો કાં, કેમ છો બેઠા છો ને ? પૂછવા જેવું
નથી લખ્યું તે તમે સમજજો આંખ ભરીને લૂછવા જેવું
ભર બપ્પોરે ટપાલ રસ્તે ઝરણું થઈ ખળખળવા આવ્યા
ચાર લીટીનો કાગળ થઈને અમે આપને મળવા આવ્યા.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: