પાતળી પરમાર

માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું રે દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

માડી એના બચકામાં કોરી એક બાંધણી રે
માડી એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે

મારે એના બચકામાં કોરી એક ટીલડી રે
માડી એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: