શું જલુ જો કોઈ ની જાહોજલાલી થાય છે – બરકત વિરાણી

શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.

ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે

વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.

ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.

જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.

કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.

છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.

મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.

એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.

જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: