હા ! હું ગુજરાતી છું .

હા ! હું ગુજરાતી છું .

ગુજરાતી એટલે બળ બુદ્ધિ અને ચાતુર્ય નો ત્રિવેણી સંગમ .ગુણ ની સાથે જોમ અને જોશ નું બીજું નામ એટલે ગુજ્જુ .ઈંટ નો જવાબ પથ્થર થી આપે એ ગુજરાતી .હમેશા કૈક નવું કરવા ની પહેલ કરે એ ગુજરાતી .કચ્છના રણ માં બળબળતી ગરમી માં જતા કોઈ પણ એકવાર વિચારે એના બદલે એની કળા કારીગરી ને જોવા વિદેશી સહેલાણીઓ પણ ખુશી ખુશી જાય એવી રીતે આકર્ષણ ઉભું કર્યું .અને ટુરીઝમ સ્પોટ બનાવી દીધું .બોલો આ ગુજ્જુ સિવાય કોણ કરે ?અને દુનિયા ના કોઈ પણ ખૂણા માં જાય  પણ પોતાની સંસ્કૃતિ ને ના ભૂલે અરે ભૂલે શું ? જ્યાં જાય ત્યાં એક ગુજરાત બનાવી દે એ ગુજરાતી .ગુજરાત અને ગુજરાતી વચ્ચે એક ચુંબકીય ભાવનાત્મક આકર્ષણ છે.દુનિયા ના કોઈ પણ ખૂણે જાય ગુજરાતી કયારેય એના ગુજરાત થી અલગ રહી શકતો નથી અને એટલે જ કહેવાય છે કે ગુજરાતી એટલે હરતું ફરતું ગુજરાત.એના વાણી અને વર્તન માં ગુજરાત ની સંસ્કૃતિ ઝલકે છે . દિલ નો દિલાવર અને મોજીલો,જિંદગી ને જલસાથી જીવવાવાળો ગુજરાતી. મળવા જેવો માણસ એટલે ગુજરાતી અને એક વાર મળ્યા પછી એને ક્યારેય ના ભુલાય એ ગુજરાતી . ગુજરાતી ને પોતાની એક આગવી સંસ્કૃતિ છે . પોતાની રહેણીકરણી,ભોજન પ્રથા, વેશભૂષા ની વિશેષતા છે વિવિધતા છે પણ અને છતાંય એકતા છે ભાઈચારો છે .ગુજરાતી શાંતિ પ્રિય હોય છે પણ જો કોઈ એને છંછેડે તો ભલભલા ના છક્કા છોડાવી દે .છપ્પન ની છાતી ધરાવતો ગુજરાતી તલવાર ની ધાર થી કે વાર થી ડરતો નથી .એતો સરદાર વલ્લભભાઈ પટેલ નો વારસ છે .નીડરતા થી દુશ્મનો નો સામનો કરે છે .ગુજરાતીઓ મોટેભાગે વેપાર ધંધો કરનારી પ્રજા છે .એની કોઠા સુઝ ગજબ ની હોય છે .રમુજ માં કહું તો સિંધી પાસેથી માલ લે મારવાડી ને વેચે અને કમિશન પોતે રાખે .પોતાનો ફાયદો ગમે ત્યાંથી શોધી કાઢે .એ એના લોહી માં જ છે .પોતાની આવડત અને કાબેલિયત ના આધારે નામ દામ અને કામ મેળવવા માં માહેર હોય છે .જો ચંદ્ર ઉપર માનવ વસવાટ શક્ય બનશે તો ત્યાં સૌથી પહેલી દુકાન કરવા વળો ગુજરાતી જ હશે .અને હવે તો નવું વર્ઝન ગુજરાતીઓ નું આવી રહ્યું છે ન્યુ જનરેશન .આ નવા જનરેશન માં તો જૂની કાબેલિયત અને નવી ટેકનોલોજી નો સમન્વય છે .આ નવું જનરેશન ભલે પિત્ઝા પસ્તા કે ચાઈનીઝ ખાય,ભલે મોલ માં ખરીદી કરે  ભલે નવા જમાના ને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરે પણ એ આજેય ઘર માં દાદા દાદી ને માન આપે છે ,એમની વાતો પ્રેમ થી સંભાળે છે અને આજેય ઘર માં મા ને બા ને પિતા ને બાપુજી કહેતા અચકાતા નથી .એક ખાસિયત છે ગુજ્જુઓ ની કે કોઈ પણ વાનગી ને પોતાના ટેસ્ટ પ્રમાણે બદલી નાખે .ઉદાહરણ આપું તો ચાઈનીઝ વાનગી માં સાકર નાખી પોતાને ભાવે તેવું બનાવી લીધું .મદ્રાસી વાનગી ના સંભાર માં ગોળ નાખવા માં આવતો નથી પણ ગુજ્જુઓ ને મીઠી દાળ ભાવે એટલે એમાંય ગોળ નાખી બધા ને એ ખાતા કરી દીધા . આજે દરેક હોટેલો માં આવો જ સંભાર મળે છે .અને કેમ ના થાય ?ગુજ્જુઓ ના લીધે જ તો આ બધી હોટેલો  ચાલે છે .જો કોઈ હોટેલવાળા ને પોતાનો ધંધો બંધ કરવો હોય તો બીજું કૈ કરવાની જરૂર ન  પડે ફક્ત ગુજ્જુઓ ને હોટેલ માં આવવાની મનાઈ કરી દે .અથવા તો ગુજ્જુઓ ને ના પસંદ પડે એવો ટેસ્ટ રાખે .બસ હોટેલ બંધ કરવાની ઘડીઓ ગણાવા માંડે .મોલ માં જઈ ગુજ્જુ ખરીદી કરે એ સાચું પણ મોલ માં પોતાની કળા કારીગીરી વાળો માલ પણ વેચવાનું શરુ કરી દે .ભાવ ની રકઝક કરવી અને ડીસ્કાઉન્ટ મેળવવા નો જન્મ સિદ્ધ અધિકાર ભોગવે . નવું જનરેશન ડિસ્કોથેક માં જાય પણ સાથે નવરાત્રી માં પણ એટલાજ ઉમંગ થી પારંપરિક વસ્ત્રો સાથે મન ભરી ને રાસ ગરબા રમે .ગુજ્જુ મોમ રોટલાં કે ભાખરી ઉપર સોસ કે ચટણી લગાડી પોષ્ટિક પિત્ઝા પોતાના બાળકો ને જમાડે છે અને બાળકો પણ હોશે હોંશે ખાય .અરે અમદાવાદ માં તો ચીઝ ઢેબરા મળે છે .બોલો છે ને નવીન વાનગી અને એની દુકાન ધમધોકાર ચાલે છે .

અને આપણું બોલવાનું ય પાક્કું ગુજરાતી . ગુજ્જુ મોમ અંગ્રેજી બોલવા નો પ્રયત્ન કરે પણ એમાં આખા વાક્ય માં એક શબ્દ જ અંગ્રેજી આવે .પાર્ટી માં ડાન્સ ને રાસ ગરબા માં ફેરવી નાખે .અને આપણે ટેકનોલોજી ના સમય માં પણ એવા પાક્કા કે ઈમેલ કરીને ય પાછા ફોન કરી ને કહીએ કે ઇમેલ કર્યો છે .પાછળ થી કહે નહી કે ઈમેલ નથી મળ્યો .પરદેશ માં જઈ ને પોતાની ફેવરીટ ચીજ પરદેશીઓ ને પણ ખાતા કરી દે અને ત્યાં પોતાનો ધંધો શરુ કરી  દે .અરે નાનકડી વસાહત પણ ઉભી કરી દે અને પોતા ની વજુદ બરકરાર રાખે .અને આન બાન અને શાન થી જીવે અને પોતાની માતૃભુમી નું ગૌરવ વધારે .

ટુક માં ગુજરાતી એટલે બસ ગુજરાતી .મો મા મીઠાશ અને મગજ માં નરમાશ એટલે ગુજરાતી .

ગર્વ છે હું ગુજ્જુ છું .  

જય જય ગરવી ગુજરાત .

માયા રાયચુરા .


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

%d bloggers like this: