રોટલાવાળા બાપા (પૂ શ્રી રસિકબાપા )

અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી .એ ઉક્તિ ને યથાર્થ કરતા અમારા વહાલા બાપુજી શ્રી રોટલા વાળા બાપાપૂ શ્રી રસિકબાપા આજે ૮૪ વર્ષ ની ઉમરે પણ વિવિધ ક્ષેત્રે સેવા કરતા રહે છે .  પોરબંદર માં ગરીબ કામદાર વસાહત માં ઝુંપડા માં  રહેતા લોકો ના બાળકો  ની દશા અને એમનું જીવન જોઈ બાપા નું દિલ દ્રવી ઉઠયું .કોઈ ને ના સુઝ્યું એવું કામ એમણે અંતકરણ  ની પ્રેરણા થી શરુ કર્યું .આ ગરીબ બાળકો ને અક્ષર જ્ઞાન આપવા માટે તેમણે કમર કસી અને અથાગ પ્રયત્નો બાદ શાળા શરુ કરી  આજે તેમાં સો બાળકો શિક્ષણ મેળવે છે .તેમને યુનીફોર્મ , પુસ્તકો ,દફતર જેવી જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવા માં આવે છે . સેવા ભાવી લોકો નો સાથ સહકાર પણ મળતો  રહે છે .સવારે દૂધ અને પોષ્ટિક નાસ્તો પણ આપવા માં આવે છે અને બપોરે જમવા ની પણ સગવડ બાળકો માટે કરેલ છે . થોડા સમય માં તો આ બાળકો ના વાણી વર્તન અને દશા બધુ જ બદલાઈ ગયું છે .મારી નજરો એ એની પ્રતીતિ કરેલ છે .નીચે તસ્વીર માં બાપુજી ની સાથે શાળા ના બાળકો નો ફોટો છે . કિલ્લોલ કરતા બાળકોને  જોઈને  અને કવિતાઓ બોલતા આ નાના  ભૂલકાઓ વહાલા લાગે એવા છે . એમના માતા પિતા હવે નિશ્ચિંત મનથી કામ પર જાય છે મન માં એક સંતોષ લઇ ને કે હવે અમારા બાળકો રસ્તે રખડશે નહી અને ભણી ગણી એ એમનું જીવન સુંદર બનાવશે .બાપુજી ને આ સત્કાર્ય માટે  અમારા વારંવાર   વંદન .બાપુજી ના પગલે ચાલવા ની ઈચ્છા ધરાવતી એમની પુત્ર વધુ અને દીકરા ને પ્રભુ શક્તિ આપે એવા આશીર્વાદ બાપુજી પાસે ઇચ્છતી  એમની દીકરી જેવી પુત્ર વધુ માયા  ના જય શ્રી કૃષ્ણ .

image

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- ગોપીનાથ પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સસરા પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
——- માંડવરાય પૂજવાને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા સાસુ પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
વાંકાનેરમાં —— પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા જેઠ પામ્યા રે

કો’ને લાડી, એવડા તે શા તપ કીધા રે
પાલીતાણે આદીશ્વર પૂજવા ને ગ્યા’તા રે
તેને તપે, આવા રૂડા કંથ પામ્યા રે

કરકર કંકણ ને વચ્ચે ચૂડી રે
લાડા પાસે, લાડી દીસે છે રૂડી રે

લગ્નગીત

નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા ભરી સભાના રાજા
એવા વરરાજાના દાદા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી ફૂલડિયાંની વાડી
એવી વરરાજાની માડી
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા અતલસના તાકા
એવા વરરાજાના કાકા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા હાર કેરા હીરા
એવા વરરાજાના વીરા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવી મેહુલિયાની હેલી
એવી વરરાજાની બેની
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

જેવા સરવર પાળે આંબા
એવા વરકન્યાના મામા
નાણાંવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે

હંસલા હાલો રે હવે – મનુભાઈ ગઢવી

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે .
આ તો ઝાંઝવાના પાણી ,
આશા જુઠી રે બંધાણી ……મોતીડા નહી રે મળે .

ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો ,
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો ,

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે ………..હંસલા હાલો ને હવે .

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે ,
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે ,

કાયા ભલે રે બળે ,
માટી માટીને મળે ,
પ્રીતડી નહીં રે બળે ………..હંસલા હાલો ને હવે .

 

 

 

વહુ એ વગોવ્યા મોટા ખોરડા

ગામમાં સાસરિયું ને ગામમાં પિયરયું રે લોલ
કહેજો દીકરી સખદખની વાત જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

હરખના દાડા તો માતા વહી ગયા રે લોલ
દખનાં ઉગ્યાં છે ઝીણા ઝાડ જો
કવળાં સાસરિયામાં જીવવું રે લોલ

પછવાડે ઊભેલ નણંદ સાંભળે રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

નણંદીએ જઈ સાસુને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સાસુએ જઈ સસરાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સસરાએ જઈ જેઠને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

જેઠે જઈ પરણ્યાને સંભળાવિયું રે લોલ
વહુ કરે છે આપણા ઘરની વાત જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પરણ્યે જઈને તેજી ઘોડો હાંકિયો રે લોલ
જઈ ઝૂકાડ્યો ગાંધીડાને હાટ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

અધશેર અમલ તોળાવિયાં રે લોલ
પાશેર તોળાવ્યો સોમલખાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના વાટકડે અમલ ઘોળિયાં રે લોલ
પી જાઓ ગોરાંદે નકર હું પી જાઉં જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ
ઘરચોળાની તાણી એણે સોડ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આટકાટનાં લાકડાં મંગાવિયા રે લોલ
ખોખરી હાંડીમાં લીધી આગ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

પહેલો વિસામો ઘરને આંગણે રે લોલ
બીજો વિસામો ઝાંપા બહાર જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

ત્રીજો વિસામો ગાયોને ગોંદરે રે લોલ
ચોથો વિસામો સમશાન જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

સોના સરીખી વહુની ચેહ બળે રે લોલ
રૂપલા સરીખી વહુની રાખ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

બાળી ઝાળીને ઘરે આવિયાં રે લોલ
હવે માડી મંદીરિયે મોકળાશ જો
વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ

આ ભવનો ઓશિયાળો હું થયો રે લોલ
હવે માડી દેજો દોટાદોટ જો
આ સહુનો ઓશિયાળો હું થયો રે લોલ

લગ્ન ગીત

મોટા માંડવડા રોપાવો , ઝીણી છાજલીએ છવરાવો મારા રાજ .

માંડવડે માણેક થંભરોપાવો મારા રાજ .

બેન ના દાદા ને તેડાવો , બેન ના ભાઈ ને તેડાવો ,

માંડવડો મોતીડે શણગારો મારા રાજ .

હોંશે કુંવરી પરણાવો મારા રાજ .

બેન ની માતા ને તેડાવો ,તેડાવો મારા રાજ ,

હોંશે કુંવરી પરણાવો મારા રાજ ,

માણેક થંભ મોતીડે વધાવો  મારા રાજ .

બેન ના વીરા ને તેડાવો ,તેડાવો મારા રાજ ,

હરખે બેની ને પરણાવો મારા રાજ ,

માંડવડે સાજનિયા તેડાવો મારા રાજ.

બેન ની બેની ને તેડાવો , તેડાવો મારા રાજ ,

હરખે માંડવડો વધાવો મારા રાજ ,

હોંશે બેની ને પરણાવો મારા રાજ .

લગ્ન ગીત

ઢોલ ઢમક્યા ને વર વહુ ના હાથ મળ્યા ,

વાજા વાગ્યા ને વર વહુ ના હાથ મળ્યા ,

જેમ શીવ પાર્વતી ના હાથ મળ્યા ,તેમ વર કન્યા ના હાથ મળ્યા .

જેમ નદી ને સાગર મળ્યા , તેમ વર ને કન્યા ના હાથ મળ્યા .

જેમ દૂધ માં સાકાર જાય ભળી , તેમ વર કન્યા ની જોડી મળી .

જેમ ફૂલ માં હોય સુવાસ ઘણી , તેમ વર કન્યા ની શોભા ઘણી .

જેમ શોભે છે લહેરો સાગર માં ,તેમ શોભે છે વર કન્યા માહ્યરા માં .

જેમ શોભે છે સારસ બેલડી , તેમ શોભે છે વર વહુ ની જોડી .

જેમ બ્રહ્મા સાવિત્રી ની શોભે જોડી , તેમ અખંડ રહો તમ બેઉ ની જોડી .

 

પાતળી પરમાર

માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણીડા ભરીને હમણાં આવશે

માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું રે દળીને હમણાં આવશે

માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

દીકરા, હેઠો રે બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે

માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં’તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી માં, મોલ્યુંમાં દીવડો શગ બળે રે…

માડી એના બચકામાં કોરી એક બાંધણી રે
માડી એની બાંધણી દેખીને બાવો હું તો થાઉં રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે

મારે એના બચકામાં કોરી એક ટીલડી રે
માડી એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારણ માં, મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે
હેજી મોલ્યુંમાં આંબો મોર મોરિયો રે

દીકરી ને માં ની શિખામણ

સમજુ બેની જાય સાસરે , વચન માડી નું ધ્યાન માં ધરી .

શ્વસુર પક્ષ માં લાજ થી રહી ,કસુર કામ માં કીજીએ નહી .

પર ઘેર વધુ બેસવું નહી ,ઘર તણી કથની કહેવી નહી .

દિયર જેઠ શું થોડું બોલવું ,અદબ માં રહી નિત્ય ચાલવું .

હઠ કરી કાંઈ માંગવું નહી ,રૂસણું રાખીને દુભાવું નહી .

વડીલ વૃદ્ધ ની સેવા કરી , પ્રભુ ની પામવી પ્રીતિ .

સમજુ બેની જાય સાસરે , વચન માડી નું ધ્યાન માં ધરી .

કોઈ કોઈ નું નથી રે

કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ નું નથી રે ,

નાહક મરે છે બધા મથી મથી ને ….કોઈ કોઈ નું નથી રે

મન ને સમજાવે  છે બધા છે મારા ,

જાણી લે જીવડા કોઈ નથી તારા ,

સ્વાર્થ વીના પ્રીતિ કોઈ કરતુ નથી રે ….કોઈ કોઈ નું નથી રે

આ મારો પુત્ર ને આ મારો બાપ છે ,

આ મારી પત્ની ને આ મારી માત છે ,

પણ મૂઆં ની સંગાથે કોઈ જાતું નથી રે ….કોઈ કોઈ નું નથી રે

કંઈક ગયા ને વળી કંઈક જવાના ,

કાયમ નથી કોઈ અહીંયા રહેવાના ,

પણ ગયા એના કોઈ સમાચાર નથી રે ……કોઈ કોઈ નું નથી રે

માં ના ઉદર માં રહી જન્મ તો લીધો ,

ખોળો ખુંદી ખુંદી લાડ પણ લીધાં ,

પણ પરણ્યા પછી માં નાસામું જોતો  નથી રે …કોઈ કોઈ નું નથી રે