અધીરો છે ઈશ્વર

gazal sent by sunita lodhia

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,

તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે.


નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,

અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.

કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,

ન ગમતા એક એવા પાંદડાને ઢાંકવા માટે.

સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,

ફક્ત ખાબોચિયાં છે આ બધા તો ખારવા માટે.

કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,

બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

-અનિલ ચાવડા

Leave a Reply