ઋણાનુબંધ

આજે અચાનક સવાર માં પાર્ક માં ચાલતા ચાલતા એક જાણીતો ચહેરો જોયો .હું કઈ વિચારું એ પહેલા જ એક યુવાન ‘જય શ્રી કૃષ્ણ,માસી’ કહી ને મારી સામે ઉભો રહ્યો .મેં પણ સામે પ્રેમ થી જય શ્રી કૃષ્ણ કહ્યું .અને પૂછ્યું કે તુ ગોપાલ છે ને ?અમારી બાજુ માં રહેતો હતો .ઓહ !કેટલો નાનો હતો ત્યારે જોયો હતો પછી અમે પણ બીજે રહેવાગયા અને તુ પણ બીજે રહેવા  ચાલ્યો ગયો .કેટલા વરસે આપણે મળ્યા નહી ?ચાલ મારે ઘેર .બધા ને મળી ને નાસ્તો પાણી કરીએ પછી તુ જાજે એમ કહ્યું તો ગોપાલ બોલ્યો ના માસી હું પાછો ફરી જરૂર આવીશ તમને મળવા .અત્યારે તો મારે અર્જન્ટ કામ માટે જવાનું છે .એમ કહી તે ચાલ્યો ગયો . હું ઘેર આવી .પણ મારું મન અતીત માં પહોચી ગયું અને બધુ યાદ આવવા લાગ્યું .અમારી પાડોસ માં જ એક નાનકડો સોની અને સુખી પરિવાર રહેતો હતો .એક વૃદ્ધ માજી ,દીકરો અને વહુ .સુખે થી રહેતા હતા .અને અચાનક જાણે એમના જીવન માં એક વાવાઝોડું ફૂંકાયું અને ઘર ના સુખ ને તાણી ગયું .માજી પડી ગયા અને એમને લકવો થઇ ગયો . સાવ પથારી વશ .વહુ ના માથે સેવા ચાકરી ની જવાબદારી આવી .વહુ સુશીલ અને ગુણીયલ હતી રૂપ રૂપનો  અંબાર.ભગવાને ખોબલે ખોબલે રૂપ આપ્યું હતું .નામ મમતા .એના નામ પ્રમાણે ગુણ .સાસુ ની ખુબ સેવા ચાકરી કરી . માજી થોડા સમય માં જ પ્રભુ ને પ્યારા થઇ ગયા . મમતા ને સારા દિવસો હતા અને એક નાનેરા બાલ ગોપાલ નું ઘર માં આગમન થયું .બાળક ની કિલકારી થી ઘર ગાજી ઉઠયું. આજુ બાજુ માં બધા એને રમાડવા લઇ જતા .મારા ઘેર પણ રમવા આવતો. ધીરેધીરે  મોટો થવા લાગ્યો .એમની બરાબર બાજુ માં એક મરાઠી પરિવાર રહેતો હતો .એ પરિવાર માં  બે દીકરીઓ અને માતા પિતા હતા. પુત્ર ન  હતો . એમનુ નામ કમલા બેન .આ નાનકા ફૂલ જેવા દીકરા ને પોતાનો દીકરો જ માને ,એને રમાડે, જમાડે ,નવરાવે .સ્કુલ માટે તૈયાર કરે.મમતા ને ઘણી વાર દુઃખ થાય કે મારો દીકરો છે પણ કમલા બેન નો વધુ હેવાયો છે .મારા હાથનું નથી જમતો અને એમના ઘેર જઈ ને જમે છે. એને મારા વગર ચાલે પણ કમલા બેન વગર ન ચાલે એવી ફરિયાદ પણ મને કરતી.અમારા બેઉ વચ્ચે બેનો જેવો સંબંધ .એટલે મારી પાસે મન મોકળું કરે . હશે એમને પુત્ર નથી તેથી એ મારા દીકરા ને લાડ કરે છે. ભલે એમને  આંનદ મળે છે ને એમ વિચારી તે મન મનાવતી .પણ ભગવાન ની લીલા ને કોણ સમજી શક્યું છે ?ભગવાન જે કરે તે સારા માટે જ કરે છે . એક દિવસ સવાર માં અચાનક જોર જોર થી રડવા નો અવાજ સાંભળી અમે દોડ્યા, જોયું તો મમતા દાઝી ગઈ હતી અને કણસતી હતી. નાનો ગોપાલ પણ જોર જોર થી રડતો હતો .એકદમ ડરી ગયો હતો. મમતા ને દવાખાને દાખલ કરી પણ ચાર દિવસ માં જ તે મોત ને ભેટી. તેના પિતા પણ ભાંગી પડ્યા હતા . હવે આ નાનકડા બાળક ની જવાબદારી પિતા ઉપર આવી. પણ કમલા બેને સધિયારો આપતા કહ્યું તમે જરાય ચિંતા ના કરશો .મરતા પહેલા મમતા મને આ ગોપાલ  ને સોપી ને  ગઈ છે .હું તેને  ઉછેરીશ .મોટો કરીશ .પિતા પણ બાળક પ્રત્યે બેધ્યાન થતા ગયા .ગોપાલ ધીરે ધીરે કમલાબેન ના હાથ માં મોટો થતો ગયો .સ્કુલ પુરી થયા પછી કોલેજ માટે બીજા શહેર માં ગયો પણ કમલા બેન ને ભૂલ્યો નહી .સગી જનેતા થી વિશેષ પ્રેમ, સાર સંભાળ થી કમળાબેને મોટો કર્યો હતો .અને એય કઈ પણ સ્વાર્થ વગર .એને આંખ આગળ થી દૂર કરતા કમલાબેન નો જીવ ચાલતો નહોતો પણ એના ભવિષ્ય માટે મન સબુત કરી ને ભણવા જવા દીધો. ગોપાલ ખુબ ભણ્યો .સરસ જોબ મળી .કમળાબેને ની બન્ને દીકરીઓ પણ સાસરે હતી .હવે તેમની પણ ઉમર થઇ હતી .કાગ ડોળે ગોપાલ ના આવવા ની રાહ જોતા હતા .અને એક દિવસ એક સરસ ચમચમતી નવી નક્કોર ગાડી માં  ગોપાલ સુટ બુટ માં સજ્જ થઇ ને આવી પહોચ્યો . આવી ને સીધો કમલા બેન ના પગે પડ્યો અને પછી’ આઈ ‘ કહી ને ગળે વળગી પડ્યો. પછી અમને બધાને મળ્યો .પગે લાગી આશિર્વાદ લીધા અને માદીકરા એ સાથે ભોજન કર્યું .  પછી એ કમલા બેન ને નવા લીધેલા બંગલા માં લઇ ગયો .બસ પછી આટલાવરસો પછી એને આજે જોયો અને બધુ નજર સામે તરવરવા લાગ્યું .જૂની યાદો તાજી થઇ .અને આવો નિર્મળ પ્રેમ મન અને નયન ને ભીંજવી ગયો .

કેવો ઋણાનુંબંધ !પ્રભુ પણ કેવો ખેલ રચે છે એક મા ને લઇ લીધી તો બીજી મા ના હૈયા ના હેત નો દરવાજો પહેલે થી જ ખોલી રાખ્યો .આવી તો કેટલીય યશોદા માતા ઓ હશે જેમણે આવા માતા થી વિખુટા પડેલા સંતાનો ને નવજીવન આપ્યું હશે .કુમળા ફૂલો ને મુરઝાતા અટકાવી ને એમાં વહાલ નું  સિંચન કરી ને ખીલવ્યા હશે અને એમના જીવન ને નંદનવન બનાવ્યું હશે .

મા ની ક્યાં કોઈ નાત કે જાત હોય છે ,

મા તો બસ મા હોય છે .

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: