એક પ્રવાસી ની આપવીતી 

મુંબઇથી અમદાવાદ આવતી ‘શતાબ્દી એકસપ્રેસ’ એની પૂરી રવાની ઉપર દોડી રહી હતી. પ્રવાસીઓ રાત્રિ-ભોજનની પ્રતીક્ષામાં આમતેમ જોઇ રહ્યા હતા. એમાં એક અધીરા પ્રવાસીએ સામેની બર્થ ઉપર બેઠેલા એક જાજરમાન વૃદ્ધને પૂછ્યું, ‘કાકા, કેટલા વાગ્યા?’

‘બીજી વાર જો સમય પૂછીશ તો તારા બાર વગાડી દઇશ! કાંડા ઉપર ઘડિયાળ બાંધવાની ટેવ પાડતાં તારા પિતાશ્રીનું શું જાય છે?’
કાકાએ અપેક્ષા બહારનો ઉત્તર આપ્યો. પૂછનાર રાતો-પીળો થઇ ગયો. પણ કાકાની ઉમર, એમના કમિંતી વસ્ત્રો અને રૂઆબદાર વ્યકિતત્વ જોઇને એ અંજાઇ ગયો. એણે જિંદગીમાં ક્યારેય કોઇને સમય જ પૂછવાની બાધા લઇ લીધી.
થોડી વાર પછી સામે બેઠેલા બીજા પ્રવાસી એ પૂછ્યું, ‘કાકા, કયાં જાવ છો? સુરત, વડોદરા કે અમદાવાદ?’
‘જહન્નમમાં! સાથે આવવું છે? ટિકિટના પૈસા હું કાઢીશ.’ કાકાએ તોપના ગોળા જેવો જવાબ આપ્યો.
બીજી વિકેટ પડી ગઇ. ત્યાં વળી ત્રીજાને વાચા ફૂટી, ‘કાકા, તબિયત તો સારી છે ને?’
‘તું ડોકટર છે?’ કાકાનો શોર્ટ પીચ બોલ જેવો શોર્ટ ક્વેશ્ચન. પેલાનાં ડાંડિયા ગૂલ. કમ્પાર્ટમેન્ટમાં સન્નાટો! કાકાના નામનો આતંક છવાઇ ગયો.
બધાં એકબીજાની સામે જોઇને ઇશારા કરી રહ્યા: આવું કેમ? કોઇ માણસ વિના કારણે આટલો કડવો બની શકે ખરો? એ પણ આ ઉમરે? સત્તોતેર કરતાંયે વધુ ઉમરનો લાગતો પુરુષ તો લાગણી ભૂખ્યો બની જાય. એને બદલે આ માણસ કાકો મટીને કરવત કેમ બની ગયો?!!’ ટ્રેન દોડતી રહી. બીજા પ્રવાસીઓ આપસમાં વાતો કરતાં રહ્યા.આખરે પેલા કાકા પણ એમાં જોડાયા. *જીવતો માણસ છેવટે કયાં લગી જડ બનીને બેસી રહી શકે? જેના મૂળ હજી સૂકાયા નથી અને ધરતીમાંથી જીવનરસ ખેંચી રહ્યા છે એવું વૃક્ષ ભલે ને ગમે તેટલું શુષ્ક, ખખડધજ અને પર્ણવિહિન બની જાય પણ આખરે એ ભીતરની ભીનાશને કયાં સુધી છુપાવી શકે? ધીમે-ધીમે એ વૃદ્ધે પોતાની જીવન-મંજૂષાનું ઢાંકણું ઉઘાડી નાખ્યું.*
અનિરુદ્ધભાઇની ઉમર અત્યારે છોંતેર વર્ષની. પણ એક સમયે તે પચીસના હતા. ખૂબ જ સોહામણા હતા. ખંડેર જો આવું આકર્ષક હોય તો ઇમારત કેવી હશે? તેજસ્વી કારકિર્દી અને તીવ્ર બુદ્ધિમતા. સરકારી ઇન્ટરવ્યૂમાં પ્રથમ ધડાકે જ કલાસ વન કક્ષાની નોકરીમાં પસંદ થઇ ગયા. પત્નીનું નામ મંદાકિની.
એ પણ એટલી જ ખૂબસૂરત. લીલાં ઝાડને વળગેલી નમણી વેલ જેવી. ‘કાકા, તમે વાત કરો છો એ સાંભળીનેય અમને તો ઇર્ષા થઇ આવે છે.’ બાજુમાં બેઠેલી એક કોલેજિયન યુવતીએ ટહુકો પુરાવ્યો.
‘ઇર્ષા તો એ વખતે અમને જાણતાં તમામને થઇ આવતી હતી. મુંબઇના એ જમાનાના ‘એલીટ’ સમાજમાં અમારી જોડી ‘અનુ-મંદા’ના નામથી પ્રખ્યાત બની ચૂકી હતી. હું ખૂબ સારું કમાતો હતો અને મારી મંદા બહુ યોગ્ય રીતે નાણાં બચાવી જાણતી હતી. એની કરકસરનો જ એ પ્રતાપ કે પંદર વર્ષના સંસાર પછી અમે વાલકેશ્વર વિસ્તારમાં અમારી માલિકીનો એક સ્વતંત્ર બંગલો ખરીદી શક્યા.’
અનુભાઇની વાત સાંભળીને કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા પ્રવાસીઓમાંથી અડધા તો પોતાની આંગળીઓના વેઢા ગણવા માંડ્યા: આ બંગલો આજે કેટલી કમિંતનો થતો હશે? મુંબઇના સાધારણ વિસ્તારના સામાન્ય ફલેટની કમિંત પણ અત્યારે એકથી દોઢ કરોડ જેટલી થઇ જતી હોય તો વાલકેશ્વર જેવા સુખી, સંસ્કારી અને વૈભવી વિસ્તારમાં સ્વતંત્ર બંગલો એટલે શું કહેવાય?!
*મને ત્રણ જ શોખ હતા*, એક સારું ભોજન જમવાનો અને બીજો સારા કપડાં પહેરવાનો.’ અનુભાઇ બે શોખ આગળ અટકી ગયા. કમ્પાર્ટમેન્ટ કાન ઊચા કરીને સાંભળી રહ્યો હતો. છેવટે એક યુવતીની ધીરજ ખૂટી.એ પૂછી બેઠી, ‘અને ત્રીજો શોખ?’
”તારી કાકીને પ્રેમ કરવાનો!’
અનુભાઇએ એવી રોમેન્ટિક અદામાં આ વાકય ઉચ્ચાર્યું કે એ પોતે જ છોંતેરમાંથી છવ્વીસના થઇ ગયા. પેલી યુવતી વગર પરણ્યે મંદાકિની બની ગઇ. અનુભાઇ અને મંદાબહેનનાં આ ગાઢ પ્રેમના આંબા ઉપર ત્રણ-ત્રણ વરસના અંતરે ત્રણ કેરીઓ બેઠી. એક પછી એક ત્રણ દીકરીઓ જન્મી. ‘કાકા, ત્રણ-ત્રણ દીકરીઓ શા માટે પેદા થવા દીધી? દીકરાની લાલચમાં?’
એક સ્ત્રીએ ટોણો મારતી હોય એમ પૂછ્યું. ‘ના, અમારે મન દીકરો કે દીકરી વચ્ચે કોઇ ભેદભાવ ન હતો અને એ વખતે ‘બે બસ’નો જમાનો પણ ક્યાં હતો? અમે લગ્નની પહેલી રાતથી જ નક્કી કર્યું હતું કે અમારાં ત્રણ બાળકો હશે. એક મંદાને રમવા માટે, બીજું મારે રમવા માટે, અને ત્રીજું એ બેઉને રમવા માટે.’

અનુભાઇની આ ‘ત્રણ’ વાળી થિયરી ડબ્બામાં બધાંને મોજ કરાવી રહી હતી. એવી જ મોજ અનુભાઇને જીવનમાં આવી રહી હતી. ત્રણેય દીકરીઓને એમણે લાડકોડથી ઉછેરી. ખૂબ સારું ભણાવી. સુખી ઘર અને સારો વર શોધીને એક પછી એક ત્રણેયને પરણાવી દીધી.
‘બધું બરાબર ચાલી રહ્યું હતું. જિંદગીની ટ્રેન પૂરપાટવેગે દોડી રહી હતી. ત્યાં જ એને બેવડો અકસ્માત નડી ગયો.’ અનુભાઇના બોલવામાં કંપન ભળી ગયું, ‘હું અઠ્ઠાવન વરસનો થયો ત્યારે વિચાર્યું હતું કે હવે ઘરે બેસીને શાંતિથી મંદાની સાથે નિવૃત્તિભરી જિંદગી માણીશ. પણ અચાનક એ જ વરસે સાવ ટૂંકી માંદગીમાં મારી પત્નીનું અવસાન થયું.

મારી ટ્રેન પાટા પરથી ખડી પડી. હવે મને ભાન થયું કે પત્ની ગઇ તે પહેલો અકસ્માત અને નિવૃત્તિકાળ એ બીજી દુઘર્ટના.’ પ્રેમભૂખ્યો પુરુષ ક્ષણોનું ગણિત ગણતો થઇ ગયો.
ઘડિયાળના કાંટાનો મોહતાજ બની ગયો. મંદાને પ્રેમ કરવો એ એનો શોખ હતો, આદત હતી, વ્યસન હતું. એમાં હાથની સ્વાદિષ્ટ વાનગીઓ જમવી એ બીજી પ્રિય આદત હતી. પત્ની ગઇ એની સાથે જ અનુભાઇના હૃદયમાંથી જીવનરસ ઊડી ગયો.

‘અઠ્ઠાવનમા વરસે તમે વિધુર થયા. અત્યારે તમે છોંતેરના છો. એનો અર્થ એ થયો કે છેલ્લા અઢાર-અઢાર વરસથી તમે આવી રસ વગરની જિંદગી ઢસરડી રહ્યા છો. શું આ જ કારણ છે તમારી જીભ ઉપર આવી ગયેલી કડવાશનું?’ આ પ્રશ્ન પૂછનાર પ્રવાસી એ જ હતો જેણે સફરની શરૂઆતમાં જ અનુકાકાના મોંઢેથી એના પિતાશ્રી સમાણી ગાળ ખાધી હતી.
‘ના, કેરી ગમે તેટલી કહેlવાય, તોયે કડવી તો ન જ થાય! હું મધ જેવો મીઠો માણસ હતો. પોણા ભાગની જિંદગી સુધીમાં ન તો ક્યારેય ઝેર ચાખ્યું હતું, ન કાઢ્યું હતું. મંદાનાં મૃત્યુ પછી પણ દસ-બાર વરસ તો મેં ખેંચી કાઢયા. પૈસાની ખોટ ન હતી.. શરીર ખડતલ હતું. આખો દિવસ સાહિત્ય, સંગીત અને મિત્રોની સોબતમાં પસાર થઇ જતો હતો અને ગમે ત્યારે ગમે તે હોટલમાં જમી લેતો હતો. પણ છેલ્લાં બે-ત્રણ વરસથી શરીર લથડવા માંડ્યું, આંતરડા નબળા પડતાં ચાલ્યા, મિત્રો પણ એક પછી એક બિછડે સભી બારી બારીની જેમ મને એકલો છોડીને રવાના થયા. ત્યારથી મારી કમબખ્તીની શરૂઆત થઇ.’
અચાનક અહીં સુધીની વાત સાંભળ્યા પછી કો’કને યાદ આવ્યું, ‘તમારી દીકરીઓ શું કરે છે? એમાંથી કોઇ તમારી મદદે ન આવી?’
‘કેવી રીતે આવે? પરણીને સાસરે ગયેલી દીકરીઓ પોતાનો સંસાર સંભાળે કે બાપને સાચવવા દોડી આવે? *સૌથી મોટી અને સૌથી નાની દીકરીઓ તો લોકલાજે પણ મને મદદ કરવા માટે ન આવી* વચેટ દીકરી આવીને કરગરી પડી- ‘પપ્પા, તમે મારી સાથે ચાલો. હું તમને પ્રેમથી સાચવીશ.’ મેં બંગલાને તાળું માર્યું. મંદા મરતાં પહેલાં ત્રણ કિલોગ્રામ જેટલું સોનું બચાવતી ગઇ હતી. દીકરીઓને લગ્ન વખતે આપેલા દાગીના તો અલગ. મેં ત્રણ સરખા ભાગ પાડીને એક-એક કિલો સોનું ત્રણેય દીકરીઓને વહેંચી દીધું અને વચલીની સાથે ચાલ્યો ગયો.’ અનુભાઇની જિંદગી હવે ડામરની લીસ્સી સડક ઉપરથી ઉબડખાબડ રસ્તા પર ફંટાઇ રહી હતી.
એકાદ મહિનો તો સારી રીતે પસાર થઇ ગયો, પણ એક દિવસ એ જમાઇને દીકરી સાથે આવો સવાલ પૂછતાં સાંભળી ગયા, તારો બાપ હજુ કયાં સુધી જીવવાનો છે? એ ઝટ મરે તો વાલકેશ્વરનો બંગલો અને લાખો રૂપિયાની ફિકસ ડિપોઝિટ તો આપણા હાથમાં આવે!
*એ જ દિવસે અનુભાઇ દીકરીનું ઘર છોડીને પોતાના બંગલામાં પાછા આવી ગયા.* એક નોકર રાખી લીધો, મકાનની સાફ-સફાઇ માટે. એક બાઇ રાખી લીધી, રસોઇપાણી માટે. બાઇ પાંસઠ વર્ષની, દુખિયારી વિધવા હતી. સવારથી જ એ બંગલામાં આવી જતી. બંને સમદુખિયા જીવ સાથે બેસીને ચા પીતાં. પછી અનુભાઇ લાઇબ્રેરીમાં ઊપડી જતાં. બપોરે પાછા આવીને બંને જણાં ભોજન લેતાં. સાંજની રસોઇ જમાડીને પણ પેલી વૃદ્ધા એનાં ઘરે ચાલી જતી.
‘આ રીતે પણ મારી જિંદગીના અંતિમ વરસો પસાર થઇ ગયા હોત, પણ મારા જમાઇઓને પેટમાં તેલ રેડાયું. એક દિવસ એ ત્રણેય જાલિમો ભેગા થઇને મારા બંગલે આવ્યા, મારી સાથે ઝગડવા લાગ્યા – *તમને શરમ નથી આવતી આ ઉમરે ઘરમાં રખાતને ઘાલતાં? અરે, લાવવી જ હતી તો કોઇ જુવાન બાઇને લાવવી હતી ને! આ ડોશીમાં તમે શું જોઇ ગયા?’*
બસ, મારું દિલ તૂટી ગયું. પેલી બાઇને મેં રવાના કરી દીધી. *બંગલાનું તાળું મારી દીધું. વીલ તૈયાર કરાવી લીધું. હવે આખો દિવસ ને પૂરી રાત દેશભરમાં ભટકતો રહું છું. મારા ઘરે ટપાલ વાંચવા પૂરતોયે જતો નથી. હું ખુદ હવે ટપાલ બની ગયો છું. સરનામા વગરની ટપાલ. બસ, ટ્રેનમાં જમી લઉ છું. ટ્રેનમાં ઊઘી લઉ છું. ક્યારેક આવી જ કોઇક ટ્રેનમાં મરી પણ જઇશ. હું કડવો નહોતો, પણ જિંદગીના અનુભવોને મને કડવો બનાવી મૂક્યો છે.*
ટ્રેન દોડતી હતી, પણ પ્રવાસીઓના મન ક્ષુબ્ધ હતા. આખરે એક યુવાને મૌન તોડયું, ‘કાકા, માફ કરશો. એક નાજુક સવાલ પૂછું છું. તમારા વીલમાં તમે શું લખ્યું છે?’
‘મારી પાસે હજુ પણ વીસેક કરોડની સ્થાવર અને રોકડ સંપત્તિ છે. એમાંથી ફૂટી કોડીયે મારી દીકરીઓને નહીં મળે. મારો દેહ જ્યારે પડે, જ્યાં પડે, ત્યારે જે ભલો ઇન્સાન મને અગ્નિદાહ આપવાનું પુણ્યકાર્ય દાખવશે એ જ મારી તમામ સંપત્તિનો વારસદાર બનશે.’
કાકાની વાત સાંભળીને ડબ્બામાં સન્નાટો પ્રસરી ગયો. ‘

(સત્ય ઘટના)

Published by Maya Raichura

Hello, Jai Shree Krishna. I'm Maya Raichura, a housewife staying in Mumbai. I was born in Amdavad and I studied at H.A college of commerce. I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: