ઓ મા ઓ મમ્મી ઓ મારી મોમ તું કયાં છે ? તને ખબર છે ને કે તું મને જગાડે નહી ત્યાં સુધી હું જાગું જ નહી . મારા માથે તારો હાથ ફરે પછી જ મારી નીંદર ઉડે .બેટા ઉઠ ને હવે એમ કહીને પાછી પોતાનાં કામે વળગે . થોડીવાર રહી ફરી મીઠો ટહુકો કરે અને મારી સવાર પડે . આખો દિવસ ઘર માં બધાનું ધ્યાન રાખે સદાય હસતો ચહેરો . પપ્પા ગુસ્સે થાય ત્યારે સંતાઈ જવાની જગા એટલે માં ની ગોદ.મોટા થયા તોય માં ની ગોદ માં માથું મુકીને સુઇએ એટલે કૈક અલગ જ શીતળતા અનુભવાય અને એની રસોઈ માં જે મીઠાશ હોય કે મને એના સિવાય કોઈ ના હાથ ની રસોઈ ન ભાવે . વળી ક્યારેય કૈ પણ સમસ્યા હોય એનું સમાધાન કરે .સવાર થી રાત સુધી બધા ની દેખભાળ કરે. પણ પોતાની તકલીફ કોઈ ને ન જણાવે.કોઈ વાર એ કૈ સલાહ આપે તો એનું ગુસ્સા માં અપમાન પણ કરીએ . એને દુઃખ લાગે પણ કૈ બોલે નહી .ઘણી વાર એની ક્ચ ક્ચ અમને ગમે નહી તો કહીએ “તમે ક્ચ ક્ચ ના કરો ,શાંતિ રાખોને , અમને સમજ પડે છે હવે અમે મોટા છીએ .”પણ આજે મને લાગે છે કે એને દુઃખ લાગ્યું છે . એ થાકી ગઈ લાગે છે એટલે સુતી છે પણ એ મારો અવાજ સાંભળી ને ઉઠી કેમ નહી ? શું મારાથી રીસાઈ ગઈ છે ?
ઓ મમ્મી ઉઠ ને હવે કયાં સુધી સુઇશ ?મારાથી કૈ ભૂલ થઇ હોય તો મને સજા કર મને માર, મને ખીજા પણ આમ મારાથી નારાજ ના થા તને ખબર જ છે કે તું નહી પીરસે તો હું નહી જમું . મમ્મી ઉઠ ને મને બહુ ભુખ લાગી છે .હવે જલ્દી કર મને તારા વીના ગમતું નથી તારી રાહ જોઉં છું.
Leave a Reply