કોઇ અડધી લખેલી ગઝલમાં હતું .

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ, કમલમાં હતું !

શું હતું, ક્યાં ગયું, પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું, દરઅસલમાં હતું !

શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય કડવું ભલે,પણ અમલમાં હતું !

કોણ કે’છે મુકદર બદલતું નથી ?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !

છેક છેલ્લે સુધી અવતરણ ચિહ્નમાં
ને હવે, આંસુઓની શકલમાં હતું !

ફેર શું હોય છે, રૂપ નેં ધૂપમાં ?
બેઉ, અડધે સુધી હર મજલમાં હતું !

-ડો.મહેશ રાવલ

Leave a Reply