*‘બે જણને જોઈએ કેટલું?’*
દિકરી ને જમાઇ લઈ ગયા
અને
દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો
આપણે બે જ રહ્યા.
એક છાપું,એક દૂધની થેલી ને
રોજ એક માટલું પાણી,
બઉ થ્યું.
ચા-ખાંડના ડબ્બા,
કોફીની ડબ્બી પણ
માંડ ખાલી થાય.
‘કોલગેટ’ દોઢ મહિનો ચાલે ને
મહિનો ચાલે એંશી ગ્રામ
લક્સની એક ગોટી.
સો ગ્રામ શેમ્પુ તો કાઢ્યું ન ખૂટે.
જમવામાં શાક હોય તો
દાળ વિના ચાલે
ને ફક્ત દાળ હોય
તોય ભયોભયો!
ખીચડી એટલે
બત્રીસ પકવાન ને
છાશ હોય પછી જોઈએ શું!
‘સો ફ્લાવર, ત્રણસો દૂધી,
અઢીસો બટાકા,
ચાર પણી ભાજી,
આદુ-લીંબુ-ધાણા’
થ્યું અઠવાડિયાનું શાક.
ત્રણ મણ ઘઉં વરસ દિ’ ચાલે ને
પાચ કિલો ચોખા
નાખ-નાખ થાય!
ન કોઈ ખાસ મળવા આવે
પછી મુખવાસનું શું કામ!
નાની તપેલી, નાની વાડકી,
નાની બે થાળી, આમ
આઠ-દસ વાસણો માંડ વપરાય
તે એક ‘વિમ’ બે દોઢ મહિને
માંડ ઘસાય.
વળી રોજ ધોવામાં હોય
ચાર કપડાં
તે કિલો ‘નિરમા’
મહિને કાઢ્યો ન ખૂટે!
કોપરેલની એક શીશી
એક મહિનો ચાલે ને
પફ-પાવડર તો
ગ્યાં ક્યારના ભૂલાઈ…?
પણ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય,
આપો એટલાં ઓછા.
ઠસોઠસ હસાહસી ને ‘હોહા’ તો
લાવ લાવ થાય.
એટલે જ પ્રેમ અને સ્નેહ લઈને
બધાં
બે-ત્રણ વરસે ઊડીને આવે.
‘ઝટ્ટ આવશું, જરૂર આવશું’
કહી જાય.
તે પલકારામાં બે જણ
પાછાં હતાં એવાં થઇ જાય.
પછી પાછી
ઈ જ રટણ પડઘાય,
‘બે જણને જોઈએ કેટલું?’
દિકરીને જમાઇ લઈ ગયા
અને દિકરાને વહુ લઈ ગઈ.
અંતે તો આપણે બે જ રહ્યા.
???
આજનુ સનાતન સત્ય. …
ઘર ઘરની કહાણી. ..
Comments
You must log in to post a comment.