મુકદ્દરના સિતારાની અસરની ઠેશ ના વાગે,
કે ધરતી પર મને આકાશ પરની ઠેશ ના વાગે…
નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને,
જગતમાં કોઇને પોતાના ઘરની ઠેશ ના વાગે…
પ્રણયનો પંથ મે લીધો છે આંખોના ઇશારા પર,
મને આ આપની ચંચળ નજરની ઠેશ ના વાગે…
ચમનમાં કંટકો વાગે તો એ મંજૂર છે અમને,
શરત છે એટલી કે પાનસરની ઠેશ ના વાગે…
ભલા એ બેય વસ્તુ એક વખતે તો બને ક્યાંથી?
તને નિરખું ને તારી રેહગુઝરની ઠેશ ના વાગે…
– બરકત વિરાણી ‘બેફામ’
You must log in to post a comment.