તારા પછીની પેઢી
મારી દિકરી, તારા કંઠમાં તું હાલરડાને વહેતા રાખજે,
એ અમૃતાધારાને તું સુકાવા ન દેતી .
તારા હૈયામાં વાર્તાઓના ખજાનાઓ તું સંઘરી રાખજે,
એ કથાઓને તું વીસરી ન જાતી .
કાલ સવારે ભોળા શિશુ તારે આંગણે રમશે
અને તારી આંખમાં તરસથી ટગર ટગર જોશે,
ત્યારે રમકડાના ઘૂઘરાના ખાલી અવાજમાં
તું એના મધુર રુદનને ઢાંકી ન દેતી,
પણ એને ઇતિહાસની એ મહાન ઘટનાઓ
ફરી જીવતી કરી આપજે જેમાં
સર્વ વિકટ સંજોગોમાં મનુષ્ય સજ્જનતાને વળગી રહે છે .
તું એ પ્રસંગો ઘુટી ઘુટીને કહેજે
જેમાં સત્યના એક નાનકડા દીવાને ટકાવવા મનુષ્ય
હજારો ઝંઝાવાતનો સામનો કરે છે અને જીતે છે .
પરિચિતો જયારે સંજોગવશાત અપરિચિત બની જાય,
ત્યારે કુદરતના રળિયામણા ખોળાનો
સાદ સાંભળતા રહીને એને લીલાછમ રહેવાનું કહેજે,
મારી દિકરી, તું સુખી થઈશ તો
તારા સંતાનોને સુખી કરી શકીશ,
માટે સુખી થવાની અને સાચા રસ્તે જવાની
તારી જીદ તું ન છોડતી .
You must log in to post a comment.