મા

મા – જેનો કોઈ પર્યાય નથી.કોઈ પણ વિશેષણ જેના માટે ઓછુ પડે તે મા .કોઈ ની સાથે તેની સરખામણી ના કરી શકાય તે મા .જેના અંતર ના અમૃત ની ધારા ને માપી શકાય નહી તે મા. ભગવાન ને ય પોતાના આ સર્જન ને માણવા અવતાર લેવા ની ઈચ્છા થઇ ,એ મા ની મહાનતા ને આપણે  શું વર્ણવી શકીએ ?   ફક્ત નમ્ર પ્રયાસ જ કરી શકીએ .સંતાનો ને અમૃત પાન કરાવવા પોતે હસ્તે મોં એ ઝેર પીતી મા .સંતાનો પર પોતાનું સઘળું સુખ  ન્યોછાવર કરનારી મા .સંતાનો માટે જીવતી અને સંતાનો માટે મરતી અને સમય આવ્યે મારતી  મા . સારા સંસ્કારો નું સિંચન કરી ને જીવન બાગ ને મહેકાવતી મા .નઠારા સંતાનને લીધે દુન્યવી ટોણા અને સજા સહન કરતી મા .પોતે કાંટા સહન કરી સંતાનો ના જીવન ની રાહ મા સુખો ના ફૂલડાં વેરતી મા .જેની હાજરી માત્ર થી ઈંટ પત્થર નું મકાન રમણીય ઘર બની જાય તે મા .જેનો હાથ માથા પર ફરે અને મીઠી નીંદર માં સરી જઈએ તે મા .સંતાનો ના છણકા છાકોટા સહન કરી  ને પણ  સ્મિત કરતી મા .વગર માંગ્યે માન અપમાન ની પરવા કર્યા વગર વારે વારે સંતાનો ને શિખામણ આપતી મા .અરે બીજું તો શું ! ઝેર સમ દુખ ના બદલા માં પણ અમી નજર રાખી આશિષ આપતી મા .પણ આજે ,

મોટા ટાવરો મા રહેવા વાળા દીકરા ના ઘર માં મા માટે જગ્યા નથી .

લાખો ના દાન કરનારા મા ની સામું જોતા નથી .

છાસ વારે  મિત્રો ને પાર્ટી આપનારા અને મોટી હોટેલો માં જમનારા -જમાડનાર દીકરા ની મા ઘર મા તેમની આવવાની રાહ જોતી ભુખી બેઠી હોય છે .

સંતાનો ને આંગળી પકડી કક્કો બારાખડી શીખવાડનારી માં ને અભણ કે ગમાર કહેતા શરમાતા નથી.

કાપડ ની ફેક્ટરી હોવા છતાં મા  ના ફાટેલા કપડા તેને દેખાતા નથી .

કોઈ ના સમારંભો માં હાજરી આપી ભાષણ સાંભળવા ગમે ને માતા ના બે બોલ સાંભળવા નો સમય નથી .

પત્ની અને સંતાનો ની પાછળ આડેધડ ખર્ચ કરાય પણ મા ની દવા માટે પૈસો અને સમય નથી .

જીવતા સંતાપે અને મર્યા પછી મા ની પાછળ નાત જમાડી વાહ વાહ લુટે .

થ્રીડી ફિલ્મો જોવે પણ મા ના તૂટેલા ચશ્માં ન દેખાય .

પત્ની નો ખરાબ મૂડ દેખાય પણ મા ના ધ્રુજતા હાથ ન દેખાય .

ચાર સંતાનો ને એક મા ઉછેરે પણ ચાર સંતાનો એક મા ને ન સાચવી શકે .

અને છતાંય મૂંગે મોઢે આ બધું સહન કરી ને પણ ફરિયાદ નો એક શબ્દ પણ ન ઉચ્ચારે એ મા .

જો તમારી પાસે મા છે તો તમે દુનિયા ના સોથી વધુ ધનિક  છો .આ ધન તમારી પાસે થી જતું ના રહે તેની કાળજી લેજો .જેમ એને સાચવશો એમ એની આવરદા વધશે .

યાદ રાખજો મા ના આશિષ વિધાતા ના લેખ ને પણ બદલી શકે છે .

જો તમારે સુખી થવું હોય તો તમારા માવતર ને સુખી કરો  તમને આપોઆપ જ સુખ મળશે .

બસ મા એટલે સંસાર ના રણ માં મીઠી વીરડી .એના અમીરસ નું પાન કરજો અને એને પણ સ્નેહ આપજો .આખરે મા ને બીજું શું જોઈએ છે ? સંતાન નો જીવન બાગ હમેશા સુખો થી મઘમઘતો રહે એજ તો એની સર્વોપરી ઈચ્છા હોય છે .

આવી પ્રેમ મૂર્તિ મા ના ચરણો માં વંદન .

Leave a Reply