વૃદ્ધાશ્રમ

આજે અમે એક વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી .બસ એમ જ મન થયું અને નીકળી પડ્યા એ સંતાનો થી વિખુટા પડેલા ઘરબાર વિહોણા એ વયોવૃદ્ધ માવતરો ને મળવા . સમય ૪ થી ૭ નો હતો .અમે પાંચ વાગે પહોચી ગયા અને ૨ કલાક નો સમય એ વડીલો સાથે ગાળ્યો .વૃદ્ધાશ્રમ ની વ્યવસ્થા ખુબ સારી છે. વડીલો ની નાની મોટી જરૂરિયાતો સુપેરે પુરી પાડવામાં આવે છે .એમની સારી રીતે દેખભાળ થાય છે આસપાસ નું વાતાવરણ પણ સારુ છે .ગાર્ડન,મંદિર અને સમય પસાર કરવા માટે ટીવી છે ઈતર પ્રવૃત્તિઓ પણ થાય છે એવું ત્યાના વડીલો પાસે થી જાણવા મળ્યું .આટલું બધુ હોવા છતાં એ બધા ના મુખ પર કૈક ઉદાસી હતી .એમની નજરો જાણે કોઈકપોતીકાને શોધતી હતી .જેમના સંતાનો કે પરિચિત વ્યક્તિ મળવા આવ્યા હતા તેઓ ખુશ હતા પણ જેમનું કોઈ નહોતું આવ્યું એ બધા ઉદાસ ચહેરે કોઈ આવે એની વાટ જોતા હતા .એક જાતનો ખાલીપો અનુભવતા એક મજબૂર વ્યક્તિ ની જેમ જીવન સંધ્યા ના રંગ ને અનુભવી રહ્યા હતા .એમના ધ્રુજતા શરીર એમની લાચારી ની ચાડી ખાતા હતા.અમે એક માજી ને પૂછ્યું કે કેમ તમે અહીં છો ?તમારું કોઈ નથી ?એમણે કહ્યું પતિ નથી અને દીકરીઓ પરણી ને સાસરે છે .હું એકલી છું બસ અહીં દિવસો પુરા કરું છું .બીજા માજી એ કહ્યું  ચાર દીકરાઓ છે મોટા ઘર છે પણ ઘરઘર નીએક જ કહાણી.માતાપિતા ચાર સંતાનો ને પાળી પોષી મોટા કરે પણ ચાર સંતાનો થી એક માવતર ને પાળી શકતા નથી કેવી વિધિ નીવક્રતા ?મે પૂછ્યું તમને તમારા સંતાનો મળવા તો આવતા હશે ને ?તો એ વડીલે જવાબ આપ્યો કે આવે કોઈ વાર સમય મળે તો .પછી નિસાસો નાખતા બોલ્યા કે જો મળવા આવવા જેવો પ્રેમ હોય તો અહીં મોકલે શું કામ ?અમે કોઈ જરૂરિયાત હોય તો કહો એમ કહ્યું ત્યારે એ વડીલોએ કહ્યું અહીં ઘર થી પણ વધુ સારુછે . સમયસર ચા નાસ્તો, બે ટાઈમ જમવાનું રાતે દૂધ ,બધુ મળે છે .સ્વચ્છતા પણ સારી છે. અમારે કોઈ જાત નું કામ કરવું પડતું નથી .પણ ખોટ હુંફ ની છે સંતાનો ના પ્રેમ ની છે. સમવયસ્કો સાથે રહેવા થી સમય પસાર થઇ જાય છે પણ અંતર નો ઘૂઘવાટ નથી શમતો .એમની પાસે બેસી એમની વાતો સંભાળનાર કોઈ નથી .એમના દયામણા ચહેરાપર ઘર પરિવાર થી દુર હોવાની વેદનાસ્પષ્ટ તરી આવતા હતા.  મારું મન ખિન્ન થઇ ગયું .હું વિચારતી હતી કે મોટી મોટી અને સારી સારી વાતો કરવા વાલા અને એફ બી કે વોટ્સેપ પર સારી પોસ્ટ શેર કરવાવાળા આપણે વડીલો ને ઘર પરિવાર વિહોણા કરી દીધા છે .અડધી રાતે સ્ટેટસ ચેક કરવા નો સમય હોય છે પણ માની કે પિતાની ખાંસી નથી સંભળાતી.મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવતા લોકો એ એક દિવસ ને બાદ કરતા વરસ માં ક્યારેય માવતર તરફ પાછુ વાળી ને જોતા નથી .આપણે આવા ક્યાર થી થઇ ગયા .આપણી સંસ્કૃતિ આવી તો નહોતી .આ વૃદ્ધાશ્રમો ની વધતી જતી સંખ્યા શું બતાવે છે ?જરૂર વિચારજો .જ્યાં સુધી શરીર ચાલે અને કામ કરો ત્યાં સુધી સંતાનો ને ગમે .દામ હોય ત્યાં સુધી નમતા આવે .કંઈ પાસે ના હોય ત્યારે નકામાં ગણી ને હડધૂત કરવાના અને એટલે સુધી ત્રાસ આપવાનો અને અપમાન કરવાના કે તેઓ ઘર છોડવા મજબૂર થઈજાય .કઈ સમજાતું નથી .શું થઇ ગયું છે આ સંતાનો ને કે જેમણે જીવ ની જેમ જતન કર્યું ,સમાજ માં માન મરતબો મળે એવા કાબીલ બનાવ્યા અને એમના જ માન મરતબો છીનવી લીધા .નમન ના કરો તો કંઈ નહી પણ અપમાન પણ ના કરો તોય એમને સારુ લાગશે .માબાપ હમેશા સંતાનો ની ખુશી ચાહે છે .સંતાનો ને ખુશ રાખવા એ એમના થી દુર થવા પણ તૈયાર થાય છે .દુર થી પણ સદા ખુશ રહે તું ની દુઆ જ કરતા હોય છે .ત્યાં બધા વડીલો નો સુર એકસરખો જ હતો કે અમને અહીં રાખી ને પણ જો અમારા સંતાનો સુખી રહેતા હોય તો સારુ .ભલે એમની ખુશી માં જ અમારી ખુશી છે .અમારે એમના જીવન માં આડે આવવું નથી .અમારે એમના ઉપર બોજ નથી બનવું .પોતે દુઃખ સહન કરીને પણ સંતાનો ને ખુશ રાખે એનું નામ માબાપ.

ક્યારેક એકાદ રજા ના દિવસે મોલ કે પિક્ચર કે હોટેલો માં ન જતા આવા કોઈ વૃદ્ધ વડીલ ની પાસે એક સાંજ પસાર કરશો તો તમને જીવન ની ગહનતા સમજાશે .કોઈ વડીલ ની ખબર અંતર પૂછશો ,એમની કોઈ જરૂરિયાત મા મદદ કરશો તો અંતર નો આનંદ મળશે .ધીરજ થી કોઈ વડીલ ની જીવન સફર ની કહાની સાંભળશો તો સિનેમા જોવા કરતા વધુ આનંદ મલશે . તમે આ વડીલો ને બીજું કઈ નહી પણ તમારો થોડો સમય આપશો તોય તેઓ ખુશ થઇ જાશે .વિચાર કરજો અને મન થાય તો અમલ માં મુકજો .એ વડીલો ના કરચલી વાલા બોખા ચહેરા પર સ્મિત ખીલી ઉઠશે .એમના ધ્રુજતા હાથ તમને આશિર્વાદ આપવા ઉંચા થઇ જાશે .

આ લેખ વાંચ્યા પછી કોઈ એક ના મન માં પણ આવી લાગણી કે ભાવ જાગશે અને અમલ માં મુકશે તો આ લેખ સાર્થક થશે .

 

Published by Maya Raichura

hello, Jai Shree Krishna. I'm maya raichura, a housewife. I was born in Ahmadabad and I studied at H.A college of commerce . Currently I live in Mumbai - Borivali.I like old hindi and gujarati songs, ghazals and movies. Since I was a teenager I liked reading and writing shayaris. My blog is a result of my hobby.

Leave a comment

%d bloggers like this: