હસ્તરેખા વળી શું? – યામિની ગૌરાંગ વ્યાસ

પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?

ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?

નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?

મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?

જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?


Posted

in

by

Tags:

Comments

%d bloggers like this: