એવી ખુમારીથી જીવ્યા છીએ કે કોઈના પર ડીપેન્ડન્ટ રહ્યા નથી.
વેન્ટીલેટર ઉપર પણ નહિ રહી શકીએ.
શરીરમાં પાંચ જગ્યાએ નળીઓ ભરાવેલી હોય અને ખાટલા પર પાથરેલી કોઈ જૂની કરચલીઓવાળી ચાદરની જેમ પડ્યા હોઈએ, ત્યારે નહિ મારતો.
મંદિરમાં સાંજ ટાણે દીવો કર્યો હોય અને કોઈ સુગંધી પવનની એક થપાટ સાથે
એ દીવો ઠરે, એવી રીતે અમને ઠારજે.
હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે.
પાનખર આવવાની રાહ જોઈને,
ડાળી ઉપર લટકી રહેલા શ્વાસ અમારાથી નહિ જોવાય
જેમની સાથે આખી જિંદગી વિતાવી છે, એ બધા લોકોને કેવી રીતે કહી શકશું ગૂડબાય ?
તું મૃત્યુને તૈયાર થતી પત્નીઓની જેમ મોકલતો નહિ, ‘આવું છું આવું છું’ કહીને અમારે ક્યાં સુધી રાહ જોવાની ?
તું મૃત્યુને ઘરમાં રહેલા કોઈ વડીલના આશીર્વાદની જેમ મોકલજે. ખબર પણ ન પડે અને વરસી જાય.
તેં જીવતર નામની ઘાત આપી છે, તો એ ઘાતમાંથી પણ તું જ ઉગારજે
હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે.
તારે દુવાઓ નથી જોઈતી ?
જીવ બચ્યા કરતા જીવ ગયાની,!!!!
તને વધારે દુવાઓ લાગશે.
કોઈપણ જાતની નોટીસ વગર,
આમ અચાનક તારા ઘરે આવીએ,
તો સાચું કહી દે ઈશ્વર, તને ફાવશે ?
સુખની યાદીમાં નામ ન રાખે તો કાંઈ નહિ, યમરાજની યાદી વખતે તો અમને સંભારજે
હે ઈશ્વર, અમે પૂરેપૂરા જીવતા હોઈએ ને, ત્યારે જ અમને મારજે.
-ડૉ. નિમિત્ત ઓઝા
You must log in to post a comment.