કાન્હાના હોઠ પર વૈશાખી વાદળ, ને આંખોમાં જામી છે ઝાકળ
જાગેલા દીવા ને થાકેલા ઢોલિયા, સુના ઝરૂખાએ ખાધી છે રાવ,
ગામ ગોકુળથી આવ્યો છે કાગળ …
ઝાંખા પડ્યા છે સો સો અરીસા, ને મોરપિચ્છ આજે ઉદાસ
સારી અટારીઓ આંસુમાં ડૂબી , વાત પહોંચી પટરાણીની પાસ …
દરિયાએ રાણીના ભંભેર્યા કાન એને કીધું કે, જાગ મારી બઈ !
ખારો હતો, ને પછી મીઠું ભભરાવ્યું ! તે પટરાણી ભૂલી ગઈ ભાન.
આજે કાગળ ને કાલે રાધા યે આવશે…
પહેલા હૈયું ને પછી કિલ્લો ખોલાવશે…
ધીરેથી ગોવિંદને ગોકુળ બોલાવશે.
રાણીનું ફાટફાટ ધુમાડે માથું…ને છાતીમાં ડુમાના બાવળ
સૌ આઘા-પાછા ને આગળ-પાછળ
“સાંભળ્યું છે ગોકુળથી સંદેશા આવ્યા છે !
“પેલી”એ તમને ગોકુળ બોલાવ્યા છે!!!”
હળવેથી પટરાણી પ્રભુને પૂછે , આંખોમાં ઉભરાતા આંસુને લૂછે.
પહેલાં ગિરિધારી એ નિસાસો નાખ્યો …
કાગળ ગોકુળનો રાણીને આપ્યો
કાગળમાં એક મુઠ્ઠી ગોકુળની માટી ને થોડું છે યમુનાનું પાણી…
કોરા કાગળમાં છે લિખિતંગ રાધા ને શબ્દો શોધે છે પટરાણી …!!!
કાન્હાના હોઠ પર વૈશાખી વાદળ ને આંખોમાં જામી છે ઝાકળ .
– કાજલ ઓઝા વૈદ્ય
Leave a Reply