લાડીલી ‘ક્ષમા’ નું રાયચુરા પરિવાર માં ભાવભર્યું સ્વાગત.

લાખેણી લાડી , લક્ષ્મી સ્વરૂપા આવ ,

લટકાતી મટકાતી  ,કુમકુમ પગલે આવ ,

મલકાતે મુખડે , રુમઝુમ પગલે આવ ,

સ્વાગત છે તારું ,અમારા  ઘર પરિવાર માં ,

ફૂલડે વધાવું ને મોતીડે વધાવું ,મંગલ ગીતડા ગાઉ ,

સ્નેહ ની સરવાણીઓ ફૂટે ,તારું મુખડું દેખી ,

અંતર થી આશિષ વરસે ,

સદા સુખી રહે વહુ દીકરા ની જોડી,

અવિરત વરસતી રહે કાના અને ક્ષમા ઉપર

માયા  ની મમતા અને  સુધીર નો સ્નેહ

શિક્ષક

શિક્ષક બને જો જ્ઞાનરક્ષક ,તો કોઈ ને ના કરડે અજ્ઞાન રૂપી તક્ષક .

શિક્ષક વહાવે જ્ઞાન ની સરિતા , એ જ છે આજ ની સર્વોપરિતા .

શિક્ષક સીંચે સંસ્કાર શિશુ માં , વહાવે અક્ષર જ્ઞાન ની ધારા .

સાચો શિક્ષક ના લોભાય કદી પ્રલોભનો માં ,

એ તો  પંકાય  મહાન ગુરુજનો માં .

માયા રાયચુરા

ભઈલા નો જન્મ દિવસ

મારા વહાલા ભઈલાગૌરાંગ કાંતિલાલ ઠકકર  ને જન્મ દિન ની શુભ કામનાઓ સાથે આ મારી  કવિતા ભેટ .

ભઈલો મારો લાડકવાયો ,દેવ નો દીધેલ છે ,

દીર્ઘાયુ થાજે ને ખુશ રહેજે સદાય એવી આષિશ બેની ની છે .

કેટલાય વ્રત ને જપ તપ કીધા બેનીએ ,

ત્યારે દીઠું તવ મુખડું ,

સાકર મુખ માં મૂકી તારા કરાવું મુખડું મીઠું  .

આજે તારો જન્મ દિવસ છે કેમ કરી હું ભૂલું ,

સુખ મારા ભેટ આપું તુજને  ,વહાલા ભઈલુ .

યાદ આવે મને બાળપણ ની વાતો ,

તોફાન તારા ઝાઝા ને મને ખીજવે બહુ ,

મમ્મી ની સોડ માં  છુપાઈ જતો જયારે હું મારવા જઉં,

તું  રિસાતો ને હું મનાવતી ,ગળે વળગાડી ને ચૂમી લઇ ,

તું માની જતો ને હસી પડતો ચોકલેટ મારી લઇ .

આજે બધુ યાદ આવે ને આંખડી ભીંજાઈ જાય ,

દુર છે બેની તારી પણ ,તું છે એના હૈયા માંય .

તારા જન્મ દિન ની શુભ કામનાઓ માયા ના હૈયે થી વરસી જાય .

માયા રાયચુરા .

ફાગ

ફાગણ ના ફાગ ને વસંત ના રાગ ,

તન મન તપાવે હોળી ની આગ .

ફાગણ ફોર્યો ને આંબો મહોર્યો ,

ને ખીલ્યો કેસુડો , ગુલમહોર.

રંગ રસિયા સાથે રંગે રમી ને,

પ્રેમ રંગ માં ભીંજાશું તરબોળ .

મનડા નો મોર નાચે ,ઉઠે અનેક તરંગ ,

મન ભરી રંગે રમશું પીયુ ની સંગ .

લજામણી ના ફૂલ

અડશો ના ,અમે કોમળ ,કોમળ ,

ચુંટશો ના અમે કોમળ કોમળ ,

અડશો તો અમે બીડાઈ જાશું ,

ચુંટશો તો અમે કરમાઈ જાશું ,

કારણકે અમે તો લજામણી ના ફૂલ .

મારશો ના અમે કોમળ , કોમળ ,

વઢશો ના અમે કોમળ કોમળ ,

પીડશો તો  અમે રડી પડશું ,

કારણકે અમે તમ જીવન બાગ ના ફૂલ

માયા રાયચુરા .

મહેલ

મહેલ મોટા ને મન જેના સાંકડા રે , કોઈ જાશો ના એવા ને આંગણે રે

અંદર મેલા ને બહાર ઉજળા રે , નામ મોટા ને કાળા જેના કામ  રે …કોઈ જાશો

જમ જેવા મહેમાન જેને લાગતા રે , જેની વાણી માં નહી આદરમાન  રે ….કોઈ જાશો

અમે ડાહ્યા ને બીજા મૂરખા રે ,હોય અંતર માં એવા અભિમાન રે ……કોઈ જાશો

હોય લક્ષ્મી નો મદ જેની આંખ માં રે , જેની વાણી માં હોય તિરસ્કાર રે  ……કોઈ જાશો

સ્વાર્થ સુધી ની જેની પ્રીતડી રે , સરે સ્વાર્થ અને કાઢે ઘર બહાર રે …..કોઈ જાશો

કદી સારા કર્મો ન થાય જે હાથ થી રે , જેની તિજોરી માં ગરીબો ની હાય રે ..કોઈ જાશો

ગુણી જનો નો સંગ જેને ના ગમે રે ,દુર્જન ના સંગે ખુશ થાય રે …કોઈ જાશો ના

 

મૃત્યુ

( માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે )

માનવ જયારે મૃત્યુ કેરા પંજા માં સપડાય છે ,ત્યારે  વાત બધી સમજાય છે ,

મોંઘુ તન અંત વેળાએ જયારે અટકી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે .

એ સમય ની વાત શું કહેવી ,કુદરત લાગે કોર્ટ જેવી ,

ખડે પગે ત્યાં જવાબ દેતા જીવડો આ અટવાય છે , ત્યારે વાત બધી સમજાય છે .

જોતાં જોતાં કાયા પલટાશે ,દુઃખ તણા ડુંગર ખડકાશે ,

વખત વીત્યાપછી ડહાપણ કેરો દરિયો ડહોળાઈ જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે .

કરેલા કર્મો સિવાય અન્ય  કાંઈ ન સાથે આવશે ,

મારા તારા ની પંચાત માં ,જીવન ફોગટ માં  વહી જાય છે ,ત્યારે વાત બધી સમજાય છે.

 

નૈયા

નૈયા ઝુકાવી મે તો , જો જે ડૂબી જાય ના ,

ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના  .

સ્વાર્થ નું સંગીત ચારે કોર વાગે ,

કોઈ નથી ,કોઈ નું આ દુનિયા માં આજે ,

તન નો તંબુરો જો જે બેસુરો થાય ના .  ઝાંખો ઝાંખો

પાપ અને પુણ્ય ના ભેદ રે ભૂંસાતા ,

રાગ અને દ્વૈષ આજે ઘટઘટ માં ઘુંટાતા ,

જો જે આ જીવતર માં ઝેર પ્રસરાય ના . ઝાંખો ઝાંખો

શ્રદ્ધા ના દીવડા ને જલતો જ રાખજે ,

નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પુરજે ,

મન ના મંદિરીયામાં ,જો જે અંધારું થાય ના . ઝાંખો ઝાંખો

 

માવડી

માવડી રે માવડી , ગુમાવી વહાલ ની વેલડી ,

કોણ લેશે હવે અમારી ભાળ ,માવડી .

મલકતું મુખડું દુઃખ અમારા હરતું ,

તારા ખોળાની ખોટ ના પુરાય , માવડી .

વહાલ વેરતી આંખડી , મીઠી તારી ગોઠડી ,

બેટા સાંભળવા કાન અધીરા થાય , માવડી .

રીસાઈ ગઈ તું શાને માડી ,ભૂલ કાંઈ થઇ છે મારી ,

મારી ભૂલ ને તું માફ કર ,માવડી .

આત્મા તારો માવડી જ્યા ગયો હશે ,

શ્રીજીબાવા લેશે સંભાળ .માવડી

શબ્દો ની શ્રદ્ધાંજલિ તારા ચરણે ધરી ,

આશિષ દેજે અપાર .માવડી

પૂ.બા ના ચરણો મા વંદન સહીત જય શ્રી કૃષ્ણ .

માયા રાયચુરા .

નુતન વર્ષ ની અભિલાષા

સહુ ને નમન મારા નુતન વરસ ના ,

નુતન વરસ ના ને હૈયા ના હરખ ના …………….સહુ ને

નુતન વરસ ના આ નવલા પ્રભાતે ,

હળીમળી રહું હું તો સહુ ની સંગાથે ,

સૌથી સંબંધ રહે નિસ્વાર્થ ના …………………………..સહુ ને

સહુ ની સંગાથે રહું ફૂલ ની સુવાસે ,

કંટક ના બનું કદી કોઈ ની રાહ માં ,

પ્રેરણાં ના પિયુષ વહેંચું સૌ ની સાથ માં …………………સહુ ને

પહેલું નમન મારા માતપિતા ને ,

બીજું નમન મારા હરી ગુરુ વૈષ્ણવ ને ,

તમ સૌ નો પ્રેમ રાખું સદાયે હ્ર્દય  માં ………………..સહુ ને