નુતન વર્ષ

નવા  વરસ માં નથી નવું કાંઈ , બધુ પુરાણુંભાસે  છે ,

એજ સ્વાર્થ ને એ જ ભોગ માં , નવું નવું શું લાગે છે ?

એ જ દિવસ ને એ જ રાત છે , સૂર્ય ઉગે છે એનો એ ,

એ જ  જગ ની જુઠી જંજાળો , નવું વરસ હું માનું  શેં ?

કાળ ગણિત માં નવું જુનું ના , બધું એક નું એક દીસે ,

દિશાહીન જીવન પ્રવાહ માં ,નવું  વળી શું કહેવાશે ?

નવા વરસ માં નવા નિશ્ચયો , નવા નિર્ણયો લેવાશે ,

નવું ધ્યેય  લઇ આગળ વધશો , તો નવું વર્ષ  કહેવાશે .

નવા પ્રાણ પુરાય જીવન માં ,નવો વેગ જીવન પામે ,

નવા ઉમંગો ઉભરાય દીલ માં , તો નવું વર્ષ કહેવાશે .

નવું જુનું કૈ  નથી સમય માં , નવું જુનું આપણાં મન માં ,

નવયુવાન થઇ જીવું મન થી હું , તો નવું વર્ષ કહેવાશે .

બાલીશતા ગઈ બાલ્યકાળ ની ,વૃદ્ધ નીરાશા ના સ્પર્શે ,

સત્કાર્યો થી મહેકે જીવન જો ,નવું વર્ષ તો કહેવાશે .

 

 

 

 

દિવાળી

દીવાળી  આવી ,

શું શું લાવી ?

રંગબેરંગી  દીવડા લાવી ,મઘમઘતી મીઠાઈઓ  લાવી ,

ભાત ભાત ની રંગોળી લાવી ,ફ્ટફ્ટ ફટાકડા લાવી ,

ઝગમગતી  રોશની લાવી , વિવિધ ભેટ સોગાદ લાવી ,

આનંદ અને ઉલ્લાસની છોળો લાવી , ખુશીઓ ની ઝોળી ભરી લાવી ,

નવા વર્ષ ના વધામણાં લાવી , શુભેચ્છાઓ ના સંદેશા લાવી ,

હરખપદુડી દીવાળી આવી .

માયા રાયચુરા .

તું આપે એટલું જ લઉં

તું આપે એટલું જ લઉં ,કદી ઝાઝું કે થોડું ના કહું .

મોંઘા મળે પણ મોતી ખવાય નહી ,ખાય સહુ બાજરો ને ઘઉં ,

મિલ ના માલિક તાકા પહેરે નહી ,પહેરે સવાગજ સહુ .

તું આપે એટલું જ લઉં .

દરિયા ના પાણી થી તરસ છીપે નહી ,

નાનાઝરણાં ની મધુર જલ ધારા થી તરસ છીપાવે સહુ ,

તું આપે એટલું જ લઉં .

તારી સમૃદ્ધી ના ભંડાર મારે નથી કામના ,

હું તો મારા દીલ ને સમૃદ્ધ બનાવું ,

તારો બની રહું સદાય, તને પણ હું મારો બનાવું .

માતાપિતા

માતાપિતા ની અમૃત છાયા , એના જગ માં મૂલ નથી ,

સેવા કરતા સંતાન થાકે ,એના જેવીભૂલ નથી ,

અડસઠ તીર્થ ઘર આંગણીયે , તીરથ જવા ની જરૂર નથી ,

માતાપિતા ની સેવા આગળ ગંગા જમુના ના મૂલ નથી .

મા તે મા બીજા વગડા ના વા .

મા   એટલે  મધપૂડો .  એનું વહાલ  પણ  મીઠું  અને  માર  પણ  મીઠો.  મીઠી  નીંદર  નું   સરનામું  એટલે  મા ની ગોદ .મા ની  ગોદ  એટલે  ઠંડી માં હીટર  અને  ગરમી માં એર કુલર .  એનો  પ્રેમ  રૂપી વરસાદ  તો  બારે માસ ભીંજવે .  મા એટલે શિક્ષણ ની  મોબાઈલ  યુનિવર્સીટી .એ એક સાચી  દોસ્ત  પણ હોય છે  સંતાન માટે.બરફ  થી ય  શીતલ એનો સ્પર્શ .અને ફૂલ થી ય કોમલ  એનું હ્રદય . સદા માફી  આપવા માટે તૈયાર .સહનશીલતા  નું બીજું  નામ  એટલે મા . મા  એટલે  સુખો  નું  સરનામું અને  ખુશીયો નો ખજાનો. આજે   મધર્સ  ડે  ના દિવસે મમ્મી   તમને  સાદર  સમર્પણ .તમે  એવી  જગ્યા  એ  છો કે   ત્યાં  કોઈ  ટપાલી  પત્ર પહોંચાડતો   નથી . તમને  ખુબ જ  યાદ  કરું  છું . મારા  હ્રદય  માં તમારી  સંઘરેલી  મીઠી  યાદો ને  વાગોળ્યા  કરું છું.   આઈ મિસ  યુ   મમ્મી .કાં કે

‘જનની  ની જોડ  સખી નહી  જડે  રે  લોલ .’

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

કવિ બોટાદકર .