વૃદ્ધાશ્રમ

આજે અમે એક વૃદ્ધાશ્રમ ની મુલાકાત લીધી .બસ એમ જ મન થયું અને નીકળી પડ્યા એ સંતાનો થી વિખુટા પડેલા ઘરબાર વિહોણા એ વયોવૃદ્ધ માવતરો ને મળવા . સમય ૪ થી ૭ નો હતો .અમે પાંચ વાગે પહોચી ગયા અને ૨ કલાક નો સમય એ વડીલો સાથે ગાળ્યો .વૃદ્ધાશ્રમ ની વ્યવસ્થા ખુબ સારી છે. વડીલો ની નાની મોટી જરૂરિયાતો સુપેરે પુરી પાડવામાં આવે છે .એમની સારી રીતે દેખભાળ થાય છે આસપાસ નું વાતાવરણ પણ સારુ છે .ગાર્ડન,મંદિર અને સમય પસાર કરવા માટે ટીવી છે ઈતર પ્રવૃત્તિઓ પણ થાય છે એવું ત્યાના વડીલો પાસે થી જાણવા મળ્યું .આટલું બધુ હોવા છતાં એ બધા ના મુખ પર કૈક ઉદાસી હતી .એમની નજરો જાણે કોઈકપોતીકાને શોધતી હતી .જેમના સંતાનો કે પરિચિત વ્યક્તિ મળવા આવ્યા હતા તેઓ ખુશ હતા પણ જેમનું કોઈ નહોતું આવ્યું એ બધા ઉદાસ ચહેરે કોઈ આવે એની વાટ જોતા હતા .એક જાતનો ખાલીપો અનુભવતા એક મજબૂર વ્યક્તિ ની જેમ જીવન સંધ્યા ના રંગ ને અનુભવી રહ્યા હતા .એમના ધ્રુજતા શરીર એમની લાચારી ની ચાડી ખાતા હતા.અમે એક માજી ને પૂછ્યું કે કેમ તમે અહીં છો ?તમારું કોઈ નથી ?એમણે કહ્યું પતિ નથી અને દીકરીઓ પરણી ને સાસરે છે .હું એકલી છું બસ અહીં દિવસો પુરા કરું છું .બીજા માજી એ કહ્યું  ચાર દીકરાઓ છે મોટા ઘર છે પણ ઘરઘર નીએક જ કહાણી.માતાપિતા ચાર સંતાનો ને પાળી પોષી મોટા કરે પણ ચાર સંતાનો થી એક માવતર ને પાળી શકતા નથી કેવી વિધિ નીવક્રતા ?મે પૂછ્યું તમને તમારા સંતાનો મળવા તો આવતા હશે ને ?તો એ વડીલે જવાબ આપ્યો કે આવે કોઈ વાર સમય મળે તો .પછી નિસાસો નાખતા બોલ્યા કે જો મળવા આવવા જેવો પ્રેમ હોય તો અહીં મોકલે શું કામ ?અમે કોઈ જરૂરિયાત હોય તો કહો એમ કહ્યું ત્યારે એ વડીલોએ કહ્યું અહીં ઘર થી પણ વધુ સારુછે . સમયસર ચા નાસ્તો, બે ટાઈમ જમવાનું રાતે દૂધ ,બધુ મળે છે .સ્વચ્છતા પણ સારી છે. અમારે કોઈ જાત નું કામ કરવું પડતું નથી .પણ ખોટ હુંફ ની છે સંતાનો ના પ્રેમ ની છે. સમવયસ્કો સાથે રહેવા થી સમય પસાર થઇ જાય છે પણ અંતર નો ઘૂઘવાટ નથી શમતો .એમની પાસે બેસી એમની વાતો સંભાળનાર કોઈ નથી .એમના દયામણા ચહેરાપર ઘર પરિવાર થી દુર હોવાની વેદનાસ્પષ્ટ તરી આવતા હતા.  મારું મન ખિન્ન થઇ ગયું .હું વિચારતી હતી કે મોટી મોટી અને સારી સારી વાતો કરવા વાલા અને એફ બી કે વોટ્સેપ પર સારી પોસ્ટ શેર કરવાવાળા આપણે વડીલો ને ઘર પરિવાર વિહોણા કરી દીધા છે .અડધી રાતે સ્ટેટસ ચેક કરવા નો સમય હોય છે પણ માની કે પિતાની ખાંસી નથી સંભળાતી.મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવતા લોકો એ એક દિવસ ને બાદ કરતા વરસ માં ક્યારેય માવતર તરફ પાછુ વાળી ને જોતા નથી .આપણે આવા ક્યાર થી થઇ ગયા .આપણી સંસ્કૃતિ આવી તો નહોતી .આ વૃદ્ધાશ્રમો ની વધતી જતી સંખ્યા શું બતાવે છે ?જરૂર વિચારજો .જ્યાં સુધી શરીર ચાલે અને કામ કરો ત્યાં સુધી સંતાનો ને ગમે .દામ હોય ત્યાં સુધી નમતા આવે .કંઈ પાસે ના હોય ત્યારે નકામાં ગણી ને હડધૂત કરવાના અને એટલે સુધી ત્રાસ આપવાનો અને અપમાન કરવાના કે તેઓ ઘર છોડવા મજબૂર થઈજાય .કઈ સમજાતું નથી .શું થઇ ગયું છે આ સંતાનો ને કે જેમણે જીવ ની જેમ જતન કર્યું ,સમાજ માં માન મરતબો મળે એવા કાબીલ બનાવ્યા અને એમના જ માન મરતબો છીનવી લીધા .નમન ના કરો તો કંઈ નહી પણ અપમાન પણ ના કરો તોય એમને સારુ લાગશે .માબાપ હમેશા સંતાનો ની ખુશી ચાહે છે .સંતાનો ને ખુશ રાખવા એ એમના થી દુર થવા પણ તૈયાર થાય છે .દુર થી પણ સદા ખુશ રહે તું ની દુઆ જ કરતા હોય છે .ત્યાં બધા વડીલો નો સુર એકસરખો જ હતો કે અમને અહીં રાખી ને પણ જો અમારા સંતાનો સુખી રહેતા હોય તો સારુ .ભલે એમની ખુશી માં જ અમારી ખુશી છે .અમારે એમના જીવન માં આડે આવવું નથી .અમારે એમના ઉપર બોજ નથી બનવું .પોતે દુઃખ સહન કરીને પણ સંતાનો ને ખુશ રાખે એનું નામ માબાપ.

ક્યારેક એકાદ રજા ના દિવસે મોલ કે પિક્ચર કે હોટેલો માં ન જતા આવા કોઈ વૃદ્ધ વડીલ ની પાસે એક સાંજ પસાર કરશો તો તમને જીવન ની ગહનતા સમજાશે .કોઈ વડીલ ની ખબર અંતર પૂછશો ,એમની કોઈ જરૂરિયાત મા મદદ કરશો તો અંતર નો આનંદ મળશે .ધીરજ થી કોઈ વડીલ ની જીવન સફર ની કહાની સાંભળશો તો સિનેમા જોવા કરતા વધુ આનંદ મલશે . તમે આ વડીલો ને બીજું કઈ નહી પણ તમારો થોડો સમય આપશો તોય તેઓ ખુશ થઇ જાશે .વિચાર કરજો અને મન થાય તો અમલ માં મુકજો .એ વડીલો ના કરચલી વાલા બોખા ચહેરા પર સ્મિત ખીલી ઉઠશે .એમના ધ્રુજતા હાથ તમને આશિર્વાદ આપવા ઉંચા થઇ જાશે .

આ લેખ વાંચ્યા પછી કોઈ એક ના મન માં પણ આવી લાગણી કે ભાવ જાગશે અને અમલ માં મુકશે તો આ લેખ સાર્થક થશે .

 

નસીબ

નસીબ –

જે માણસો ની ખુબ જ જરૂર હોય છે ,તેઓ ભાગ્યે જ મળે છે .

જેની કોઈ જ જરૂર હોતી નથી તેમનો સંગાથ છૂટવો મુશ્કેલ હોય છે .

જેમની પાસે જવાનું ખુબ ગમે છે તેમની પાસે જઈ શકાતું નથી .

જેમની પાસે જવાનું મન પણ થતું નથી ત્યાં જાવું જ પડે છે .

જયારે જીવન જીવવું ગમતું નથી ત્યારે કાળ પૂર્ણ થતો નથી .

જીવન માં શરૂઆત માં જેમાં અર્થહીનતા લાગે છે ,તેમાં જ  ખુબ ગહન અર્થ રહેલો હોય છે .

આવું આયુષ્ય ના અંત માં સમજાય છે .

જયારે જીવન નો સાચો અર્થ સમજાય છે સમય પૂર્ણ થઇ ગયો હોય છે .

આનું નામ જ નસીબ .ગમે તેટલી સાવધાની રાખીએ તો પણ ત્યાં કોઈ નું જ ચાલતું નથી .

જ્યાં તે લઇ જાય ત્યાં જાવું જ પડે છે .

પ્રારબ્ધ અને પુરુષાર્થ વડે સહન શક્તિ ,સુઝ અને સંવેદના પ્રાપ્ત થાય એવી આજ ના દશેરા ના દિવસે શુભકામના .

શું તમે તમારા પોતાના મિત્ર છો ?

મિત્રતા દિવસ ના અવસર ઉપર આપણે આપણા મિત્રો ને યાદ કરતા હોઈએ છે એસએમએસ,શુભેચ્છા શાયરી મોકલતા હોઈએ છે .અને ખુશ થતા હોઈએ છે .મિત્રો ભેગા મળી પાર્ટી મનાવતા હોય છે .બધુ સારું જ છે ના નથી પણ શું તમે તમારા પોતાના મિત્ર છો ?શું ક્યારેય એ વિચાર કર્યો છે ?  કોઈ ને દોસ્ત કે દુશ્મન માનવા ને બદલે આપણે આપણા જ દુશ્મન કે દોસ્ત હોઈ શકીએ .બરાબર ને !પ્રભુ એ આપણ ને જે તન મન ધન આપ્યા છે એનો જ સદુપયોગ કે દુરુપયોગ કરી ને આપણે આપણા દોસ્ત કે દુશ્મન બની શકીએ .પહેલા તો તન ની જ વાત કરું તો કેટલો અત્યાચાર કરીએ છીએ આપણે પોતાના શરીર ઉપર ?ન કરવા ના કેટલાય કામ કરીએ અને પછી ડોક્ટર પાસે દોડીએ .માન, મરતબો , રીત રીવાજ ,ધન પ્રાપ્તિ માટે કૈ કેટલીય દોડાદોડી ને ભાગાભાગી .રાતે સુવું ને સવારે વહેલા ઉઠી દૈનીક કાર્યો કરવા એનાથી ઉલટા કાર્યો કરીએ .રાતે મોડા સુધી જાગવું ,ફરવું, ટીવી જોવું અને સવારે મોડા ઉઠી દિનચર્યા બગડવી અને પછી એકબીજા ઉપર દોષારોપણ કરી ઘર નું ,કે ઓફીસ નું વાતાવરણ તંગ કરવું આખો દિવસ કામ પુરા ન થવા ને લીધે ટેન્સન માં રહેવું .બીજું બહાર નું જે તે ખાવું .ઘર ની રસોઈ કે હેલ્ધી ખોરાક જમવાને બદલે બહાર નો વાસી ,તીખો તમતમતો ખોરાક ખાવો .દૂધ લસ્સી નારિયેલ પાણી કે છાસ ,લીંબુ શરબત વગેરે પીવાને બદલે ઠંડા પીણા પીવા .આ બધુ કરી ને તમે એજ સાબિત કરો છો કે તમે જ તમારા દુશ્મન છો .અને ડોક્ટર ના મહેમાન .

જે પોતાનો મિત્ર ના બની શકે એ બીજા નો મિત્ર શું બનવાનો ?જે પોતાની જાત સાથે મૈત્રી ના નિભાવે એ બીજાની સાથે શું દોસ્તી નિભાવશે?પોતે જ ખોટા રસ્તે દોડતી વ્યક્તિ મિત્ર ને સાચી રાહ શું બતાવશે ? વિચારવા જેવું છે ને ?

હવે મન ની વાત કરું તો જેનું તન તંદુરસ્ત નથી તેનું મન કેવું હોય અને જો સારું મન હોય ,સારા વિચારો હોય તોય દુર્બલ તન સારા કર્મો કરવા માટે સાથ ક્યાંથી આપશે? તન અને મન તો સિક્કા ની બે બાજુ જેવા છે .તન અને મન બેઉ સારા ના હોય એવી વ્યક્તિ નો કોણ ભરોસો કોણ કરે ?અને એ વ્યક્તિ મિત્રતા કેવી રીતે નિભાવે અને શું સાચી સલાહ આપે .પછી તો આવ ભાઈ હરખા ને આપણે બેઉ સરખા જેવો  જ ઘાટ થાય .જો પાયો જ નબળો હોય તો ઈમારત ક્યાંથી મજબુત થાય ? ક્યારેક તો એવું બને કે વૈભવશાળી દોસ્તો ને લીધે ગેરમાર્ગે  દોરાઈને ભટકી જવાય અને પાછા ફરીએ ત્યારે બહુ મોડું થઇ ગયું હોય .

દુશ્મન ના કરે દોસ્ત ને વો કામ કિયા હૈ ,ઉમ્ર ભરકા ગમ હમે ઇનામ દિયા હૈ .

હવે તમે જ નક્કી કરો કે તમે પહેલા તો તમારા પોતાના મિત્ર છો ? તમે તમારા તન મન અને ધન નો સદુપયોગ કરો છો ? જો ના તો તમે બીજા કોઈ ના પણ સારા મિત્ર ના હોઈ શકો કારણ જે પોતાનું ભલું ના કરે એ બીજા નું શું ભલું કરશે ?રાહ ભૂલેલો પોતે દોસ્ત ને શું સાચી રાહ બતાવશે કે મદદ કરશે ?જેને પોતાની જાત ઉપર ભરોસો નથી ,પોતાના ઉપર પ્રેમ નથી એ બીજા ને શું પ્રેમ કરશે ?   મિત્ર તો એ કે જે પોતાના રાહ ભૂલેલા મિત્ર ને સાચી દિશા દેખાડે અને એની દશા સુધારે .

કૈ વાંધો નહી હવે જગ્યા ત્યાંથી સવાર એ ન્યાએ તમારા પોતાના મિત્ર બનવાનું પહેલા શરુ કરી દો .તન મન પ્રસન્ન રહે એવા કાર્યો કરો .આંધળું અનુકરણ છોડી સાચી વાટ પકડી લો  .તન અને મન બને તંદુરસ્ત રહે એવો પ્રયત્ન કરો .અને તમારી જાત ને પ્રથમ પ્રેમ કરો ,એની સાથે દોસ્તી કરો .તન મન એકમેક ને સાથ આપશે અને તમે જ તમારા સાચા મિત્ર બની જશો .પ્રસન્ન રહેવાની ગુરુ ચાવી જડી જાય પછી દોસ્ત કોઈ ના હોય તો ય તમે એકલતા નહી અનુભવો કારણકે તમે જ તમારા દોસ્ત ને તમે જ તમારા દુશ્મન .

આપ સો વહાલા વાચક મિત્રો ને મિત્રતા દિવસ મુબારક .

– માયા રાયચુરા

હા ! હું ગુજરાતી છું .

હા ! હું ગુજરાતી છું .

ગુજરાતી એટલે બળ બુદ્ધિ અને ચાતુર્ય નો ત્રિવેણી સંગમ .ગુણ ની સાથે જોમ અને જોશ નું બીજું નામ એટલે ગુજ્જુ .ઈંટ નો જવાબ પથ્થર થી આપે એ ગુજરાતી .હમેશા કૈક નવું કરવા ની પહેલ કરે એ ગુજરાતી .કચ્છના રણ માં બળબળતી ગરમી માં જતા કોઈ પણ એકવાર વિચારે એના બદલે એની કળા કારીગરી ને જોવા વિદેશી સહેલાણીઓ પણ ખુશી ખુશી જાય એવી રીતે આકર્ષણ ઉભું કર્યું .અને ટુરીઝમ સ્પોટ બનાવી દીધું .બોલો આ ગુજ્જુ સિવાય કોણ કરે ?અને દુનિયા ના કોઈ પણ ખૂણા માં જાય  પણ પોતાની સંસ્કૃતિ ને ના ભૂલે અરે ભૂલે શું ? જ્યાં જાય ત્યાં એક ગુજરાત બનાવી દે એ ગુજરાતી .ગુજરાત અને ગુજરાતી વચ્ચે એક ચુંબકીય ભાવનાત્મક આકર્ષણ છે.દુનિયા ના કોઈ પણ ખૂણે જાય ગુજરાતી કયારેય એના ગુજરાત થી અલગ રહી શકતો નથી અને એટલે જ કહેવાય છે કે ગુજરાતી એટલે હરતું ફરતું ગુજરાત.એના વાણી અને વર્તન માં ગુજરાત ની સંસ્કૃતિ ઝલકે છે . દિલ નો દિલાવર અને મોજીલો,જિંદગી ને જલસાથી જીવવાવાળો ગુજરાતી. મળવા જેવો માણસ એટલે ગુજરાતી અને એક વાર મળ્યા પછી એને ક્યારેય ના ભુલાય એ ગુજરાતી . ગુજરાતી ને પોતાની એક આગવી સંસ્કૃતિ છે . પોતાની રહેણીકરણી,ભોજન પ્રથા, વેશભૂષા ની વિશેષતા છે વિવિધતા છે પણ અને છતાંય એકતા છે ભાઈચારો છે .ગુજરાતી શાંતિ પ્રિય હોય છે પણ જો કોઈ એને છંછેડે તો ભલભલા ના છક્કા છોડાવી દે .છપ્પન ની છાતી ધરાવતો ગુજરાતી તલવાર ની ધાર થી કે વાર થી ડરતો નથી .એતો સરદાર વલ્લભભાઈ પટેલ નો વારસ છે .નીડરતા થી દુશ્મનો નો સામનો કરે છે .ગુજરાતીઓ મોટેભાગે વેપાર ધંધો કરનારી પ્રજા છે .એની કોઠા સુઝ ગજબ ની હોય છે .રમુજ માં કહું તો સિંધી પાસેથી માલ લે મારવાડી ને વેચે અને કમિશન પોતે રાખે .પોતાનો ફાયદો ગમે ત્યાંથી શોધી કાઢે .એ એના લોહી માં જ છે .પોતાની આવડત અને કાબેલિયત ના આધારે નામ દામ અને કામ મેળવવા માં માહેર હોય છે .જો ચંદ્ર ઉપર માનવ વસવાટ શક્ય બનશે તો ત્યાં સૌથી પહેલી દુકાન કરવા વળો ગુજરાતી જ હશે .અને હવે તો નવું વર્ઝન ગુજરાતીઓ નું આવી રહ્યું છે ન્યુ જનરેશન .આ નવા જનરેશન માં તો જૂની કાબેલિયત અને નવી ટેકનોલોજી નો સમન્વય છે .આ નવું જનરેશન ભલે પિત્ઝા પસ્તા કે ચાઈનીઝ ખાય,ભલે મોલ માં ખરીદી કરે  ભલે નવા જમાના ને અનુરૂપ વસ્ત્રો પરિધાન કરે પણ એ આજેય ઘર માં દાદા દાદી ને માન આપે છે ,એમની વાતો પ્રેમ થી સંભાળે છે અને આજેય ઘર માં મા ને બા ને પિતા ને બાપુજી કહેતા અચકાતા નથી .એક ખાસિયત છે ગુજ્જુઓ ની કે કોઈ પણ વાનગી ને પોતાના ટેસ્ટ પ્રમાણે બદલી નાખે .ઉદાહરણ આપું તો ચાઈનીઝ વાનગી માં સાકર નાખી પોતાને ભાવે તેવું બનાવી લીધું .મદ્રાસી વાનગી ના સંભાર માં ગોળ નાખવા માં આવતો નથી પણ ગુજ્જુઓ ને મીઠી દાળ ભાવે એટલે એમાંય ગોળ નાખી બધા ને એ ખાતા કરી દીધા . આજે દરેક હોટેલો માં આવો જ સંભાર મળે છે .અને કેમ ના થાય ?ગુજ્જુઓ ના લીધે જ તો આ બધી હોટેલો  ચાલે છે .જો કોઈ હોટેલવાળા ને પોતાનો ધંધો બંધ કરવો હોય તો બીજું કૈ કરવાની જરૂર ન  પડે ફક્ત ગુજ્જુઓ ને હોટેલ માં આવવાની મનાઈ કરી દે .અથવા તો ગુજ્જુઓ ને ના પસંદ પડે એવો ટેસ્ટ રાખે .બસ હોટેલ બંધ કરવાની ઘડીઓ ગણાવા માંડે .મોલ માં જઈ ગુજ્જુ ખરીદી કરે એ સાચું પણ મોલ માં પોતાની કળા કારીગીરી વાળો માલ પણ વેચવાનું શરુ કરી દે .ભાવ ની રકઝક કરવી અને ડીસ્કાઉન્ટ મેળવવા નો જન્મ સિદ્ધ અધિકાર ભોગવે . નવું જનરેશન ડિસ્કોથેક માં જાય પણ સાથે નવરાત્રી માં પણ એટલાજ ઉમંગ થી પારંપરિક વસ્ત્રો સાથે મન ભરી ને રાસ ગરબા રમે .ગુજ્જુ મોમ રોટલાં કે ભાખરી ઉપર સોસ કે ચટણી લગાડી પોષ્ટિક પિત્ઝા પોતાના બાળકો ને જમાડે છે અને બાળકો પણ હોશે હોંશે ખાય .અરે અમદાવાદ માં તો ચીઝ ઢેબરા મળે છે .બોલો છે ને નવીન વાનગી અને એની દુકાન ધમધોકાર ચાલે છે .

અને આપણું બોલવાનું ય પાક્કું ગુજરાતી . ગુજ્જુ મોમ અંગ્રેજી બોલવા નો પ્રયત્ન કરે પણ એમાં આખા વાક્ય માં એક શબ્દ જ અંગ્રેજી આવે .પાર્ટી માં ડાન્સ ને રાસ ગરબા માં ફેરવી નાખે .અને આપણે ટેકનોલોજી ના સમય માં પણ એવા પાક્કા કે ઈમેલ કરીને ય પાછા ફોન કરી ને કહીએ કે ઇમેલ કર્યો છે .પાછળ થી કહે નહી કે ઈમેલ નથી મળ્યો .પરદેશ માં જઈ ને પોતાની ફેવરીટ ચીજ પરદેશીઓ ને પણ ખાતા કરી દે અને ત્યાં પોતાનો ધંધો શરુ કરી  દે .અરે નાનકડી વસાહત પણ ઉભી કરી દે અને પોતા ની વજુદ બરકરાર રાખે .અને આન બાન અને શાન થી જીવે અને પોતાની માતૃભુમી નું ગૌરવ વધારે .

ટુક માં ગુજરાતી એટલે બસ ગુજરાતી .મો મા મીઠાશ અને મગજ માં નરમાશ એટલે ગુજરાતી .

ગર્વ છે હું ગુજ્જુ છું .  

જય જય ગરવી ગુજરાત .

માયા રાયચુરા .

પર્યાવરણ જાળવો આપણા સ્વાર્થ માટે .

આજે  પર્યાવરણ દિવસ છે .પર્યાવરણ બચાવો ની ઘણી બુમો પાડી ,ઘણું બધુ લખાયું .પણ કોઈ ફર્ક પડ્યો નહી ઉલટુંવધારે ને વધારે પર્યાવરણ ની સ્થિતિ બગડવા માડી છે .પ્રકૃતિ ના તત્વો તો હમેશા મર્યાદા માં જ રહે છે .સુર્ય ચંદ્ર એના સમયે જ ઉગે છે , સાગર પણ કદી મર્યાદા  તોડતો નથી. ઋતુઓ પણ સમય પ્રમાણે પરિવર્તન કરે છે .એક માનવી જ એવો છે જે કુદરત ની મર્યાદા તોડે છે.પ્રકૃતિ ના તત્વો ક્યારેક રૌદ્ર  સ્વરૂપ દેખાડી માનવી ને ચેતવે છે પણ માનવી ની આ ચેતવણી તરફ આંખ આડા કાન કરવાની આદત જ તેને પારાવાર મુશ્કેલી માં મુકશે .માનવી ને ખબર નથી કે તે જે ડાળ ઉપર બેઠો છે એજ ડાળ ને કાપી રહ્યો છે .ચાલો આજે આપણે સો સાથે મળી પર્યાવરણ બચાવવા ના કાર્યો કરીએ .દરેક પોતાની રહેણાક વિસ્તાર માં વૃક્ષો રોપે .ઉર્જા બચાવીએ .પાણી બચાવીએ .નદી નાળા સાફ રહે તેવો પ્રયત્ન કરીએ .તેમાં ગંદકી ના ઠાલવીએ.જ્યાં ત્યાં થૂંકી ને ગંદકી ના કરીએ .રોગચાળો ઓછો ફેલાશે .દરેક વ્યક્તિ પોતાનું ઘર આંગણ સાફ સુથરું રાખી શકે .આખી દુનિયા ને સાફ સુથરી ના કરી શકીએ .નાના આપણા પ્રયત્નો થી  પર્યાવરણ બચાવવા ની કોશિશ જરૂર કરી શકીએ . આપણા પગ માં જુતા પહેરાય કંટકો થી બચવા ,રસ્તા ઉપર જાજમ ના બિછાવાય .અંધારું દુર કરવા પોતાના ઘર માં દીવો પ્રગટાવાય .અમ ઘેર ઘેર દીવા પ્રગટે તો અંધારું ક્યાંય છૂમંતર થઇ જાય .

અદના આદમી કેવી રીતે થવાય ? અદના કામ કરીને સ્તો .નાના પણ નક્કર પગલા દ્વારા જ કાંઈ કરી શકાય .ગુજરાત માં તો હવે નવા દરેક ઘરો માં વરસાદ ના પાણી નો સંગ્રહ કરવા નું શરુ થઇ ગયું છે .ક્યાંક વૃક્ષો કાપતા નજરે પડે તો તેને સમજાવો ના માને તો સંબધિત ખાતા માં ફરિયાદ કરો.પાણી નો ઉપયોગ બેફામ ના કરો  .જો પાણી તેનું પાણી બતાવીદેશે તો આપણું પાણી (અભિમાન ) જરૂર ઉતરી જાશે .ગાડી ચલાવતા હોર્ન વગાડી ઘોઘાટ ના વધારો .જરૂર હોય તો જ ગાડી નો ઉપયોગ કરો .વગર કારણે વીજળી નો વ્યય ના કરો .આબધુ આપણે આપણા માટે જ કરીએ છીએ .કોઈ ઉપર ઉપકાર નથી કરતા .આપણા જ ઘર નું લાઈટ બિલ ઓછુ આવશે . આપણી આવતી પેઢી માટે ઉર્જા  બચશે .પર્યાવરણ બચશે તો આપણે પણ બચીશું નહીતો કુદરત ની લપડાક સહન કરવા તૈયાર રહેવાનું .બરાબર ને ! બાવળ વાવી ને આંબા ની આશા તો ન જ રખાય ને ! હું તો એક ગૃહિણી છું એટલે આબધુ કરુ જ છું.  તમે ?

કોઈ સારા કાર્ય માટે  મુહૂર્ત જોવાની જરૂર નથી .જુઓ પેલો ફૂલ છોડ ની લારીવાળો બેઠો છે તમારી પ્રતીક્ષા માં .જાઓ અને જલ્દી સરસ મજા નો રોપ લાવી વાવી દો તમારા આંગણા માં .હમણાં હવે વરસાદ નજીક છે ત્યારે સુંદર શા ફૂલ ખીલી ઉઠશે અને એની મહેક થી તમને તરબતર કરીદેશે .જુઓ તમારા ઘર માં લાઇટ પંખા વિના કારણે જ્યાં કોઈ નથી ત્યાં પણચાલુ છે ઉઠો ને એ બંધ કરો નહીતો વીજળી નું બિલ વધી જાશે .અને કામ વગર બધી સ્વીચો પણ શું કામ ચાલુ રાખવી એને પણ બંધ કરીદો .પાણી નો નળ સરખી રીતે બંધ કરો ને શું કામ વેડફો છો ?અને હા સાંજ ના સમયે ઘર ની આજુબાજુ પાણી નો છંટકાવ કરી ધરતી ને પણ ટાઢી કરો .ઘર માં પણ ઠંડી હવા ની લહેરો આવશે .અને ધરતી મા ના આશિષ મળશે એ નફા માં .બરાબર ને !આપણો તો સ્વભાવ જ એવો ને કે નફો ન મળે તો કોઈ કામ ન કરવું .આપણા સ્વાર્થ માટે આપણે આપણી જ ઘોર ખોદીએ છીએ ને ?તો હવે આપણે આપણા સ્વાર્થ ની દશા અને દિશા બન્ને બદલી નાખીએ અને પર્યાવરણ જાળવવા માં આપણા સૌ ના સ્વાર્થ નો વિચાર કરી એક નવી પહેલ કરીએ .

ચાલો મે તો મારું કામ કર્યું હવે તમારા સૌ નો વારો .આબધુ આપણા નફા માટે છે એમ વિચારી શરુ કરી દો આજ થી નફો મેળવવા ના આ નાના કાર્યો પણ નફો મોટો .તમારા આ કાર્યો બીજા ને પણ પ્રેરણા આપશે .અને …………….

સાથી હાથ બઢાના, એક અકેલા થાક જાયેગા ,મીલ કર  બોજ ઉઠાના .સાથી હાથ બઢાના .

મકરસંક્રાંતિ

મકરસંક્રાંતિ
આજથી ચાર પાંચ દાયકા પહેલા જયારે સમાજ હજુ એકસૂત્રે બંધાયેલ હતો ત્યારે નવા વર્ષના દિવસે કે અન્ય તહેવારોએ જુના વેરઝેર ભૂલી જે એકબીજાનો હાથ ઝીલી, મિત્રતા કે સંબંધોની નવી શરૂઆત કરવામાં ગૌરવ અનુભવી સમાજ એને પ્રોત્સાહિત પણ કરતો. આવા  ઉત્સવો સબંધ ના સેતુને પુનઃનિર્મિત કરવામાં અગ્રેસર રહેતા.
આ બધાં  તહેવારોમાં મકરસંક્રાંતિ તહેવાર અલગ જ ભાત પડે છે. આપણા લગભગ બધા જ તહેવારો ઉત્સવો ચંદ્રની ગતિ અને સ્થિતિ પર આધારિત હોવાથી દર વરસે એ જ તિથીએ આવતા હોએ અંગ્રેજી મહિના પ્રમાણે અલગ અલગ તારીખે આવે  છે.  પરંતુ મકરસંક્રાંતિ નો તહેવાર સૂર્યની ગતિ સ્થિતિ પ્રમાણે ઉજવાતો હોવાથી દર વર્ષે ૧૪મી જાન્યુઆરીએ આવે છે.
આકાશમાં રંગબેરંગી મિજાજથી વિહાર કરતાં પતંગ પણ જાણે કોઈ સંદેશ આપી જાય છે. સંબંધોની ડોર  તુટતાં  જ લડખડી જશે થનગનતું અસ્તિત્વ ! અને બની જશે  `કપાયો છે .. લપેટ .. લપેટ …’ ની ચીચયારીઓંના હાસ્યનો આથમતો પ્રતિઘોષ !
તો વળી આ ઉત્સવ ઋતુસંક્રાંતિ ની વિષમતાને સહ્ય બનાવવા તલ ગોળનો સહારો અને લીલાં શાકભાજીની તાજગીને આનંદમાં વાણી લે છે. તેથી જ તો ઉત્સવના આ રંગીન મિજાજમાં એકરસ થઈ ગયો દાનધર્મ અને પુજાપાઠ નો  મહિમા.

ગીતા જયંતી

કાલે ગીતા જયંતી હતી .મને સ્વામી  વિવેકાનંદ ની એક વાત યાદ આવી ગઈ જે આપ સૌ સાથે શેર કરું છું .

એકવાર સ્વામી વિવેકાનંદ પરદેશ માં એક ધર્મસભા નુ આયોજન થયું હતું ત્યાં ગયા હતા .ત્યાં અલગ અલગ ધર્મ ના અનુયાયીઓ ભેગા થયા હતા .એક જગ્યાએ પુસ્તકો એક ની ઉપર એક એમ થપ્પી માં રાખેલા હતા .આપણું ધર્મ પુસ્તક ‘ગીતા’ પણ ત્યાં હતું .એક વ્યક્તિ એ મશ્કરી ના ભાવ થી સ્વામીજી  ને કીધું કે જોયું ,તમારું ધર્મ પુસ્તક તો છેક નીચે દબાઈ ગયું .સ્વામીજી એ  ઉભા થઇ સહેજ મલકાતા સહજતા થી આપણા ‘ગીતાજી ‘જે સૌથી નીચે રાખેલ હતા તેને ખસેડી લીધા અને ઉપર ના બધા પુસ્તકો નીચે પડીગયા .સ્વામીજી એ બતાવ્યું કે ‘ગીતાજી  ‘ તો પાયો છે . બધા સ્વામીજી ની તરફ સન્માન થી જોઈ રહ્યા અને જેણે ટીખળ કર્યું હતું તે વ્યક્તિ ત્યાંથી પલાયન થઈ ગઈ .

‘ગીતાજી’ માં જીવન ની દરેક સમસ્યા નુ સમાધાન છે .સુખી જીવન ની જડીબુટ્ટી છે ‘ગીતાજી ‘.

બાળદિન

આજે અમે એક સંબંધી ના ઘેર ગયા હતા .એમનો દીકરો રમતો હતો .થોડીવાર પછી એ ઉભો થયો તૈયાર થઇ ને સ્કુલ બેગ લીધી એ એટલી વજનદાર હતી કે તે નાનો બાળક  એ ઉપાડી શકતો નહોતો .થોડા પ્રયત્નો કર્યા પછી તેણે એ બેગ ને એની બહેન ની મદદ થી ખભા ઉપર લટકાવી ત્યારે  એ બાળક આગળ થી નમી ગયો હતો .હું જોઈ રહી પૂછતા જાણ્યું કે એ બાળક ટ્યુશન માં જઈ રહ્યો હતો મને વિચાર આવ્યો જો ૧ કલાક ટ્યુશન માં આટલી વજનદાર બેગ ઉપાડવી પડે તો ૫ -૬ કલાક સ્કુલ માટે કેટલું વજન વેંઢારવું પડે ?શું આ જ બચપન છે ? કેવી દયા જનક સ્થિતિ છે બાળકો ની ?શું આ બાળકો કયારેય એમનું બચપન પાછું માંગશે ?આપણે આજેય બચપન માં કરેલી મઝાઓ ને યાદ કરીએ છીએ .આપણું બાળપણ આપણે પાછુ મળે તો કેવું સારું એમ વિચારીએ છીએ .આપણા મિત્રો સાથે આપણી યાદો ને મમળાવી આનંદ માણીએ છીએ .શું આજ ના બાળકો ને એમનું બાળપણ યાદ કરવું ગમશે ?જરાય નહી કા કે એમાં નકરી સ્કુલ , ટ્યુશન , હોમવર્ક ની જ યાદો હશે .   એનાથી જ થાકી જાય પછી ટીવી જોઈ ને સુઈ જાય . દોસ્તો સાથે ખુલ્લી હવા માં રમવું ,એતો સ્વપ્ન સમાન જ થઇ ગયું છે .તો બીજી બાજુ ગરીબ લોકો ના બાળકો ને મજુરી કરવી પડે .શાળા માં ભણતા બાળકો ને જોઈ એમને  પણ ભણવા નુ મન થાય પણ પૈસા ના અભાવે રમવાની ભણવાની ઉમર માં કામ મજુરી કરવું પડે .એમને  પણ સારું ખાવું પીવું ,મોજ  મઝા ગમે પણ એમને પણ એ ના મળે .ટુંક માં અમીર કે ગરીબ કોઈ બાળકો એમના બાળપણ ને યાદ નહી કરે .કંટાળાજનક યાદો ને કોણ મમળાવે ?  ઉપર થી સમાજ માં તિરસ્કાર ,લાચારી ,શોષણ નો સામનો કરવો પડે .જો કોઈ ખરાબ વ્યક્તિ નો સંગ થઇ ગયો તો આખું જીવન બરબાદ થઇ જાય . કોઈ ગેંગ માં ફસાઈ જાય તો ન કરવા ના કામો એમની પાસે કરાવવા માં આવે .કેવી દયા જનક સ્થિતિ છે નહી ? કોઈ વાર સાંભળવા માં આવે કે કચરા પેટી માં થી બાળક મળ્યું ત્યારે અરેરાટી થઇ જાય કે ઈશ્વર નુ સ્વરૂપ ગણાતા બાળક  ની આ દશા ?કેટલાય દંપતિઓ સંતાન વગર ટળવળે છે જયારે કેટલાય બાળકો નોધારા હોય છે .એમને  જીવન ની સાચી દિશા કોણ બતાવશે ?કોણ એમનો હાથ પકડી એમના જીવન ના રાહબર બનશે ?ભાગ્યેજ કોઈ ને એમોકો મળે કે કોઈ એમનો હાથ પકડી એમની દશા અને દિશા બન્ને સુધારે .આપણે થોડી ઉદારતા દાખવીએ અને ઉંચી સમજ કેળવીએ તો જરૂર કોઈ નુ જીવન અજવાળી શકીએ .નિસંતાન દંપતિઓ કોઈ અનાથ બાળક ને દત્તક લે તો એ એક ઉમદા કાર્ય છે. કોઈ નુ જીવન સુધારી શકતા હોઈએ તો એનાથી બીજું રૂડું શું ?  બન્ને ના જીવન સુખો થી ઉભરાઈ જાય. બેઉ ને એકબીજા નો પ્રેમ અને સહારો મળે .જીવન ઉપવન બને . કઈ નહી તો કોઈ ગરીબ ના બાળક ને શિક્ષણ નો ખર્ચો આપીએ  .અરે કઈ નહી તો એને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરીએ અને બનતી મદદ કરીએ તો ય ઘણું .  ઘણી વાર એવું બનતું હોય છે કે માબાપ પણ જતું કરતા હોય છે .નથી  ભણવુંતો કાંઈ નહી કામે લાગીજા .મે એક શાકવાળા ને થોડા સમય પહેલા પૂછેલું કે આ તમારા દીકરા ને ભણાવતા કેમ નથી ?કેમ આટલી નાની ઉમર માં શાક વેચવા બેસાડી દીધો ?ત્યારે એણે કહ્યું બેન હું તો મોકલું છું પણ એને ભણવું નથી એ શાળા એ થી પાછો જ આવી જાય છે એટલે ધંધે લગાડી દીધો .કેટલું સહજતા થી સ્વીકારી લીધું કે ન ભણે તો ચાલે .બસ આછે આજની બાળકો ની સ્થિતિ  .ગમે તે હોય પણ આજેય હું તો એમ કહું કે ,

ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો
મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો
મોટર બંગલા લઇલો મારા, લઇલો વૈભવ પાછો
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો .

મહાત્મા ગાંધીજી

ગાંધીજી વિશે ઘણું  છે . મેં જે લખ્યું છે, તેમાં કશું નવું નથી . તો પછી ફરી બાપુ વિશે લખવાનો શો અર્થ ? આજે  સમાજમાં આર્થિક, સામાજિક, નૈતિક વિગેરે અનેક વિધ કટોકટી સર્જાઈ છે . તેનો ઉપાય ગાંધીજીના  વિચારોમાં છે .
આઝાદી  મળ્યા પછી  ભારતની  પ્રજા બાપુને ભૂલવા માંડી . લોકોએ અંગત સ્વાર્થ  બાપુના  નામનો ઉપયોગ  કરવા માંડ્યો . હવે બાપુના  નામની પણ  લોકોને જરૂર નથી  રહી . પ્રથમ ગોડસેએ બાપુને મારી નાખ્યા અને તે પછી સમગ્ર ભારતની પ્રજાએ બાપુને મારી નાખ્યા .
મારું નમ્ર મંતવ્ય છે કે તેનાથી નુકસાન આપણને થયું છે . તેમને જીવતા રાખવામાં રાખવામાં આપણું શ્રેય છે અને પ્રેય પણ છે . મેકેલોએ કારકુનો  પેદા  કરવા માટે કેળવણીનો ઢાંચો ભારતમાં શરુ  કરેલો . ગાંધીજી સમજી ગયેલા કે આ તો  પેદા કરવાની કેળવણી છે . તેના ઉપાય  રૂપે તેમણે `  પાયાની કેળવણી ‘ નો વિચાર આપે કેળવણી શરુ કરી . આજની  બેકારીના મૂળમાં આ કેળવણી છે .
ગાંધીજીએ સાફ શબ્દોમાં કહ્યું  હતું : ` ગંજાવર પાયે ઉત્પાદન કરવાની ઘેલછા જ જગતની કટોકટી માટે જવાબદાર છે .’ તેમણે આ કારણે  રેટિયાનો પ્રચાર કરેલો . રેટિયો એ રોજી રોટીનું અમોઘ શસ્ત્ર હતું . તેનાથીકરોડો ગામડાં પોષાતા . આજે ગામડાં તૂટવા માંડ્યા છે .  શહેરો અતિ વસ્તીથી પીડાય છે .  ઘણું બધું   કહી શકાય પણ અત્રે અસ્થાને છે .
જે વાત ઉપદેશોમાં મોટાં  મોટાં પુસ્તકો નથી સમજાવી શકતા, તે નાનું દષ્ટાંત  સચોટ અસર કરે છે .  ગાંધીજી કહેતા હતા કે મારું જીવન જ મારો સંદેશ છે .

અકથ્ય ધીરજ

કોઈ વિદ્વાન જીજ્ઞાસુએ એક શિક્ષકને પ્રશ્ન કર્યો : ` વિદ્યાર્થીઓંને એકની એક વાત વીસ વખત કહેતાં તમને કંટાળો નથી આવતો ? ‘
શિક્ષકે શાંત ચિતે ઉતર આપ્યો : ` ઓંગણીસ વખત કહેલું નકામું ન જાય એટલે વીસમી વખત કહું છું !’
આ વિષયના સંદર્ભમાં કાકાસાહેબ કાલેલકર કહે છે કે,
`કેળવણી એક લડત છે .’
શિક્ષકોનો પક્ષ હારી બેસશે તો જગતની સંસ્કૃતિ નામશેષ થઈ જશે .’
`એક રસ્તો છે :
ફરી ફરી સમજાવો .
ફરી ફરી જાગૃત કરો .
અકથ્ય ધીરજ  ધરો !’