ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહી -બાળગીત

આજે વિશ્વ ચકલી દિવસ ના દિવસે ચલો સાથે મળીને એક મજા નું બાળગીત સાંભળીએ અને બાળપણ ના એ દિવસો યાદ કરી ને ખુશ થઈએ.

ધમધમક ધમ ધમ ધમ સાંબેલું

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…
જનમ જનમથી વહુને માથે ભાંગેલું…
સાંબેલું…

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી જેઠાણી
સાંબેલું..

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

જેવી ફૂટે ધાણી, એવી મારી દેરાણી
જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ ને સસરો એમાં ચાડિયો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો
સાંબેલું…

ધમ ધમક ધમ ધમ ધમ… સાંબેલું…
અલક મલકનું અલબેલું… સાંબેલું…

ઝાંઝર અલક મલક થી આવ્યું રે – સુન્દરમ

હમણાં નવરાત્રી ચાલે છે ત્યારે બધાજ મન મુકીને નાચવા માટે થનગનતા હોય છે .અને એમાં મને હિમાલી વ્યાસ ના મધુર કંઠે ગવાએલી શ્રી સુન્દરમ  ની આ સુંદર રચના કે જેણે લોકો ના હૃદય માં અડીંગો જમાવ્યો છે અને હમેશા ફરી ફરી ને ગણગણવું ગમે એવું આ ગીત જેને લોકગીત પણ કહી શકાય એ યાદ આવ્યું અને આપ સૌ સાથે શેર કરવાનું મન થયું .તો ચલો સાથે મળી ને સાંભળીએ અને જો પગ થીરકવા માંડે તો થોડું નાચી પણ લઈએ .ગમશે ને !

વાવડી ના પાણી ભરવા ગ્યા’તા

વાવડી ના પાણી ભરવા ગ્યા’તા

હો રાજ રે! વાવડી ના પાણી ભરવા ગ્યા’તા

મને કેર કાંટો વાગ્યો .

હો રાજ રે! વડોદરા ના વૈદડા તેડાવો !

મારા કાંટડીયાકઢાવો! મને પાટડિયા બંધાવો !

મને કેર કાંટો વાગ્યો .

હો રાજ રે !ધોરાજી ના ઢોલિયા મંગાવો !

મહી પાથરણા પથરાવો !આડા પડદલડા બંધાવો !

મને કેર કાંટો વાગ્યો

હો રાજ રે ! ઘર માંથીરાંધણીયા ને કાઢો !

મારી ધુમાડે આંખ્યું દુખે !

મને કેર કાંટો વાગ્યો !

હો રાજ રે !ઓસરિયે થી ખારણીયાને કાઢો !

મારા ધબકે ખંભા દુખે !

મને કેર કાંટો વાગ્યો !

હો રાજ રે !આંગણીયેથી ગાવલડી ને કાઢો !

એના વલોણા ને સોતી!

મને કેર કાંટો વાગ્યો !

હો રાજ રે ! સસરાજી ને ચોવટ કરવા મેલો !

મને ઘૂંઘટડા કઢાવે !

મને કેર કાંટો વાગ્યો !

હો રાજ રે ! નણદડી ને સાસરિયે વળાવો !

એના છોરુડાને સોતી !

મને કેર કાંટો વાગ્યો !

હો રાજ રે !ફળિયા માંથી પડોશણ ને કાઢો !

એના રેંટિયા ને સોતી !

મને કેર કાંટો વાગ્યો .

ગોરમા ગોરમા રે

હમણાં ગોરો એટલે  મોળાકત નું વ્રત ચાલે છે .અષાઢ માસ ની સુદ એકાદશી થી ગુરુ પૂર્ણિમા સુધી આ વ્રત કરવા નું હોય છે .નાની બાળાઓ આ વ્રત કરે છે અને અષાઢ સુદ તેરસ થીઅષાઢ વદ બીજ સુધી   જયાપાર્વતી વ્રત કરવા નું હોય છે.આ બન્ને વ્રત માં મોળું જમવાનું હોય છે. નાની મોટી છોકરીઓ ને વ્રત કરતા અને ગોરો પુજતા જોઈ મને પણ મારા બાળપણ ના દિવસો યાદ આવી ગયા અને સાથે એક મસ્ત મજા નું લોકગીત જે ગોરમા ની પૂજા કર્યા પછી ગાતા હોય છે . આપ સૌ માંથી ઘણાએ વ્રત કર્યું જ હશે એટલે જાણતા જ હશો . ચાલો જૂની યાદો ને મમળાવી લઈએ .

ગોરમા ગોરમા રે ,પૂજું તમને પ્રેમે ,

ગોરમા ગોરમા રે ,માંગું તમ થી એટલું ,

ગોરમા ગોરમા રે,ખાવા  દેજો જાર બાજરો ,

ગોરમા ગોરમા રે, કાંઠા તે ઘઉં ની રોટલી ,

ગોરમા ગોરમા રે, સસરા દેજો સવાદિયા ,

ગોરમા ગોરમા રે, સાસુ દેજો ભૂખાળવા ,

ગોરમા ગોરમા રે ,દેરાણી જેઠાની ના જોડલા ,

ગોરમા ગોરમા રે ,નણદી સાહેલડી જેવી ,

ગોરમા ગોરમા રે, દિયર દેજો રંગીલો  ,

ગોરમા ગોરમા રે ,કંથ દેજો કહ્યાગરો ,

ગોરમા ગોરમા રે, પુત્ર દેજો પુરુષોત્તમ ,

ગોરમા ગોરમા રે ,રૂમઝુમતી વહુ મારે આંગણે ,

ગોરમા ગોરમા રે ,દીકરી દેજો ઘાટલડી ,

ગોરમા ગોરમા રે ,છેલ છબીલો જમાઈ ,

ગોરમા ગોરમા રે આટલું દિયો તો બસ છે .

હજુ એક બીજું ગીત પણ છે પણ મને બેજ કડી યાદ છે .

ગોરમા નો વર કેસરિયો ને નદીએ ના’વા જાય રે ગોરમા

?

આગળ યાદ નથી આપ સૌ માં થી કોઈ ને આવડતું હોય તો મને જરૂર ઈમૈલ થી મોકલો હું આપ ની આભારી થઈશ .

 

 

એક ઝાડ માથે ઝુમખડું

એક ઝાડ માથે ઝુમખડું
ઝુમખડે રાતા ફૂલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક સરોવર પાળે આંબલિયો
આંબલિયે ઝૂલતી ડાળ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક આંબા ડાળે કોયલડી
એનો મીઠો મીઠો સાદ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક નરને માથે પાઘલડી
પાઘડીયે ફૂમતા લાલ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

એક ભાલે કંકુ ચાંદલિયો
એના રાતા રાતા તેજ રે,
ભમ્મર રે રંગ ડોલરિયો..

તને જાતા જોઈ – મનહર ઉધાસ

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

લગ્ન ગીત

સમજુ બેની સાસરે જાઓ ,જઈ ને કુળ દીપાવજો બેની .

સાસુ સસરા ની સેવા કરજો,દીકરી થઇ ને રહેજો બેની ,

જેઠ જેઠાણી ને માન દેજો આમન્યા માં રહેજો બેની ……………સમજુ બેની ……….

દિયર તમારો નાનો વીરો ,ઝાઝા લાડ લડાવજો બેની ,

નણંદ તમારી  સાહેલી સરખી ,હળી મળી રહેજો બેની ……………સમજુ બેની ……….

પતિ તમારો જીવન સાથી ,સુખ દુઃખ માં સાથે રહેજો બેની ,

માતા ની આ શિખામણ ઉરે ધરજો ,સદા આનંદ માં રહેજો બેની …સમજુ બેની ……..

 

નવી તે વહુ ના હાથ માં રૂમાલ – અવિનાશ વ્યાસ

માલા રે માલ, લહેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો

કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

માલા રે માલ, લેરણીયું લાલ,
ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

લગ્ન ગીત

હવે લગ્નગાળો  શરુ થાશે .લગ્ન ગીતો ની રમઝટ બોલશે .તો ચાલો આપણે પણ એક સુંદર લગ્નગીત ને માણીએ .

તમે રહેજો …..ભાઈ માન માં ,અમે આવશું તમારી જાન માં ,

અમે જાન  માં કરશું જલસા , અમે ગાશું મંગલ ગીતડા .

આ દાદા તમારા દાદી તમારા હેતે થી તમને પરણાવશે ,

આ અદા તમારા ,ભાભુ તમારા હેતે કુટુંબ તેડાવશે ……..તમે રહેજો …..ભાઈ માન માં

આ પિતા તમારા માતા તમારા હોંશે હોંશે તમને પરણાવશે ,

આ કાકા તમારા કાકી તમારા લીલાતોરણીયા બંધાવશે ……તમે રહેજો ….ભાઈ માન માં

આ મામા તમારા મામી તમારા મોંઘામામેરા લઇ આવશે ,

આ  માસી તમારા ફૈબા તમારા હોંશે થી પસલી ભરાવશે …….તમે રહેજો …….ભાઈ માન માં

આ વીરા તમારા ભાભી તમારા હોંશે થી જાન જોડાવશે,

આ બેની તમારા ફૂલડે વધાવી ઓવારણાં લેશે …..તમે રહેજો …..ભાઈ માન માં ,

અમે આવશું તમારી જાન માં ,

અમે જાન માં કરશું જલસા ,અમે ગાશું મંગલ ગીતડા .