આવી જા 2020

આવી જા 2020
દરવાજો ખુલ્લો જ છે
અંદર આવ..
પણ જરા થોભી જા
બારસાખ નજીક રાખેલાં
પગલુછણીયે તારો
*અહમ્* ખંખેરતો આવજે..
મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે
ત્યાં *નારાજગી* વીંટાળી આવજે..
તુલસીનાં ક્યારે
મનની *અતૃપ્તિ* ચઢાવી
આવજે..
પોતાની *વ્યસ્તતા* ને બહાર ખીંટીએ ટાંગી આવજે..
પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે..
ને
બહાર રમતાં બાળકો
પાસેથી થોડું *નટખટપણું*
માંગી લાવજે..
પેલાં ગુલાબનાં છોડ પર *હાસ્ય* ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે..
લાવ, પોતાની *મૂંઝવણો* મને પકડાવી દે
તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં..
જોને તારાં માટે
સાંજ બિછાવી દીધી છે અને
સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે
આકાશે લાલીમા છાંટી છે..
પ્રેમ ને વિશ્વાસનાં ઘીમાં તાપે ચાક ચઢાવી છે
*ઘુંટડે-ઘુંટડે માણજે..*
*સાંભળને..વેલકમ 2020*

Watch “gujaare je shirey taare jagat no nath -ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે- Poem by Balashankar” on YouTube

ગેપ રહી ગયો

ડોકટરે કહ્યું કે ” હવે બહુ નીચા ના નમશો નહિતર તકલીફ ઊભી થાશે કેમ કે હવે તમારી કરોડરજ્જૂ માં ગેપ આવી ગયો છે તો વધુ નીચા નમવાની શક્યતા ઓછી થઈ ગઈ છે !!!
આ સાંભળી ને હસવું અને રડવું એક સાથે આવી ગયું…
જીવન માં પહેલી વાર કોઈ એ કહ્યું કે નીચા ના નમતા !!!
કેમ કે આ શબ્દ તો બાળપણ થી જ ઘર ના વડીલો અને સમાજ ના મોઢે સાંભળતી આવી છું !!!
” નમી ને રહેવું ” ” સ્ત્રી ને નમી ને રહે તો જ સબંધ, ગૃહસ્થી અને પ્રેમ ટકી રહે છે ”
બસ આવું સાંભળી ને નીચી નમતી જ રહી… નમતી જ રહી…અને ભૂલી ગઈ કે એની પણ એક કરોડરજ્જૂ છે અને આજ સુધી ઘર માં થી કે સમાજ માંથી કોઈ ના બોલ્યું પણ એ કરોડરજ્જૂ બોલી કે…
” હવે ના નમતી ”
હું વિચારતી રહી કે સતત નમવા થી કરોડરજ્જૂ માં ગેપ રહી ગયો એ દેખાણુ પણ આજ સુધી સતત નમતા રહેવાથી બાળપણ થી આજ સુધી બીજે ક્યાં ક્યાં ગેપ રહી ગયા એ કેમ ના દેખાણુ ?
અસ્તિત્વ માં ગેપ રહી ગયો, અંતરાત્મા માં ગેપ રહી ગયો, નાનપણ થી જોયેલા દરેક સપના માં ગેપ રહી ગયો, એ બધા ગેપ કોઈ ને કેમ ના દેખાણા ?????
– ઘર ને ઘર બનાવવા વાળી દરેક સ્ત્રી ને અર્પણ – ??

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,

બેફામ”સાહેબ ની એક સુંદર રચના…

શમણાઓ વિહોણી રાત નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત નથી ગમતી મને…

આપણી સામે અલગ ને લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત નથી ગમતી મને..

અમુલ્ય જીવનની ક્ષણોને કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત નથી ગમતી મને…

પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને…

જેમને મળીને કંઈ પણ શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત નથી ગમતી મને…

જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને…

– *બેફામ*

Watch “Shivaji Nu Halardu – Halarda with Lyrics | Lalitya Munshaw | Jhaverchand Meghani |” on YouTube

આ દિલની વાત વારે વારે કહું છું !

વિત્યા એટલા વિતાવવાના નથી !!

સદીની ધારે થી કહું છું ,
50 ની ઉમર ના ઓવારે થી કહું છું….

જીવવાની પડી છે મજા ,
એવું હું અનુભવના આધારે કહું છું…

ખુબ દીધું છે ઉપરવાળા એ ,
પડી છે મૌજ, એના સરવાળે કહું છું…

સૌ સપના સાકાર ના પણ થાય ,
પણ, જે થયા તેના સથવારે કહું છું…

ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું,
અભાવો સૌ મૂકી પરભારે કહું છું !

વીત્યા તેટલા વીતાવના નથી ,
જે બાકી છે તેના અણસારે કહું છું!

ખુલ્લા મને હસતો રહ્યો છું ,
મળ્યો જે આનંદ એના ફૂવારે કહું છું…

દોસ્ત મળ્યા – સ્વજન પણ મળ્યા,
વીત્યું મજેથી એમના સથવારે કહું છું..

રહે સૌ આનંદમાં મારા થકી,
બસ,એટલા અમથા વિચારે કહું છું…

અધૂરો છું અને ટૂંકી છે સમજ,
એટલે તો શબ્દોના સહારે કહું છું!

ફાળો છે જેનો મારા ઘડતરમાં,
તે સૌના ભરપૂર આભારે કહું છું…

ક્યાંક લાગ્યું હોય જો દુઃખ મારાથી,
તો,માફીની વાત જુદા પ્રકારે કહું છું !

શીદને મન ટૂંકું કરવું ભલા ?
એટલી વાત આ મઝધારે કહું છું !

“સૌ” નો આભાર માનું તેટલો ઓછો,
એટલું જ આગવા અધિકારે કહું છું !

આમ જ વીત્યા કરે દિવસો સૌ ,
આ દિલની વાત વારે વારે કહું છું !
શુભ સંધ્યા..??

મા બહુ ખોટું બોલે છે.

મા બહુ ખોટું બોલે છે.

સવારે જલદી ઉઠાડવા માટે છ વાગ્યા હોય તો કહે છે કે સાત વાગ્યા.

રાત્રે નહાવા ન જાઉં તો કહે છે, ગંદા શરીરે સૂવાથી ખરાબ સપનાં આવે છે.

તપેલીમાં શાક ઓછું હોય તો કહે છે, તું લઇ લે.મને ભૂખ નથી.

મા બહુ ખોટું બોલે છે.

મને મોડું થાય તો જાગ્યા કરે છે ને ઠપકો આપું તો કહે છે, એ તો મને ઊંઘ આવતી ન હતી.

મા બહુ ખોટું બોલે છે

. હું ન હોઉં ત્યારે મને ભાવતું કંઈ તેનાથી બનતું નથી. કહે છે, આજકાલ બજારમાં એ મળતું નથી.

બેચાર રોટલી આપું છું કહી એ મને મોટું ટિફિન પકડાવે છે.
કંઈ નથી મૂકતી કહી મારી બેગમાં મને ભાવતાં અથાણાંની બોટલ છાનીમાની મૂકી દે છે.

મા બહુ ખોટું બોલે છે.

ત્રણ કલાક થિયેટરમાં મારાથી બેસાતું નથી. બહારના તેલમસાલા મને સદતાં નથી.
આટલી સાડીઓ તો પડી છે કહી પોતાનો ખર્ચ ટાળે છે.

મને સારું છે કહી ઓશિકામાં મોં છૂપાવી ખાંસી લે છે.

મા બહુ ખોટું બોલે છે.

મારી ખામીઓને બધાથી છૂપાવી લે છે. મારી પ્રાપ્તિને વધારીને વર્ણવે છે. કહે છે, મારા જેવું સુંદર ને બુદ્ધિશાળી કોઈ નથી.

મારા માટે વ્રત ઉપવાસ કર્યા કરે છે પણ કહે છે કે એ તો હું ભગવાન માટે કરું છું.

મારી દુનિયામાં હું તેને ભૂલી જાઉં તો મીઠું હસી લે છે.

મા બહુ ખોટું બોલે છે.

ભારત ના વીર શહિદ જવાનો ને શત શત નમન સહ શ્રધ્ધાંજલી ??

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમ્રુત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-લપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજા અહનિરશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,

ચાલ કરું હું રોષ ખોટ્ટો, તું ખોટ્ટી કરજે રીસ,
કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ;

તારે ગાલે શરમનાં પડે શેરડા, સ્મિત તારું લજ્જાળુ,
હજીય તીખા તીર નૈનનાં, મારી ભીતર પાડે ભગદાળૂ;

એજ હજી હું મીણનો માધવ, ને નામ તારું માચિસ;
કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ;

હૃદય ભલેને સ્ટ્રોંગ નથી, કે દુ:ખે ઢીંચણના સાંધા,
કાબૂ બ્હાર હો કોલેસ્ટ્રોલ કે બ્લડપ્રેશરના હો વાંધા;

એટલી મીઠ્ઠી વાતો કરીએ, થાય કાનને ડાયાબિટીસ,
કોણ કહે છે અડતાલીસ થયા, વરસ થયા છે વીસ;

ટીપટોપ થઈ હું બ્હાર નીકળું,
ને તારોય ડ્રેસ હો ફાઈન,
આતુરતાથી રાહ જોઈએ, ક્યારે આવે વેલેન્ટાઈન્સ?

ચાલ, ભરબજારે નફ્ફટ થઈને કરીએ ફ્લાઈંગ કિસ;
કોણ કહે છે અડતાલીસ થયાં, વરસ થયાં છે વીસ.

લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

*જગદીશ દેલઇ કદી સરનાસાઈ નું સુંદર કાવ્ય….*

*લઇ કદી સરનામું મંદિરનું હવે મારે ભટકવું નથી,*

*જાણીલો, પ્રસાદ સિવાય ત્યાં કઈ જ મળતું નથી.*

*અમસ્તી થાય છે ભીડ પ્રભુ, તારા નામથી આ કતારમાં,*

*થાય કસોટી તારી,*
*એ પગથીયું કદી ચઢવું નથી.*

*હશે મન સાફ, તો*
*અંતરમાં બિરાજે છે તું આપોઆપ,*

*દીધું છે…ને દેશે જ,*
*ભલામણ જેવું કંઈજ કરવું નથી.*

*હજી માણસ જ સમજ્યો છે ક્યાં ,*
*માણસની ભાષા?*
*તારામાં લીન થાઉં,*
*એથી વિશેષ માણસ બનવું નથી..*
??????

%d bloggers like this: