સામગ્રી : ૧ કપ કઠોળ ના લાલ નાના ચણા ,૧ ક્પ આખી મેથી , ૧/૨ કિલો કાચી અથાણા ની કેરી ના ટુકડા, ખાટા અથાણા નો સંભાર ૨ કપ, તેલ જરૂર પ્રમાણે ,૧ નાની ચમચી હળદર અને ૧ મોટી ચમચી મીઠું ,કાચી વરિયાળી ૧ ચમચી .
રીત :સો પ્રથમ અથાણા ની કેરી ના ટુકડા ને સારી રીતે ધોઈ લેવા .પછી એક સ્વચ્છ કપડા થી કોરા કરી લેવા .હવે તેને એક પહોળા વાસણ માં હળદર અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી ઢાંકી રાખવું .બે રાત્રી એમજ રાખવું. દિવસ માં બે વાર સવારે અને સાંજે સારી રીતે હલાવી પાછુ ઢાંકી રાખવું .બીજા દિવસ ની રાતે ચણા અને આખી મેથી સાફ કરી સ્વચ્છ પાણી થી ધોઈ અલગ અલગ વાસણ માં પાણી નાખી પલાળવા .ત્રીજે દિવસે ચણા અને મેથી ને ૩ -૪ વાર પાણી થી ધોઈ લેવા અને સ્વચ્છ કપડા ઉપર સુકાવવા .કેરી ના કટકા ને પણ થોડું હાથ થી દબાવી પાણી કાઢી કપડા ઉપર સુકાવવા .તડકો ન હોય તો પંખા નીચે સુકવી દેવા .બરાબર કોરા થઇ જાય પછી એક મોટા વાસણ માં ચણા ,મેથી ,કેરી ના ટુકડા અને સંભાર બધુ સારી રીતે મિક્સ કરો. કાચી વરિયાળી મિક્સ કરો . હવે કાચની ધોઈ ને કોરી કરેલી સાફ બરણી માં આ અથાણું ભરો .બરણી માં તેલ નાખવા માટે થોડી જગ્યા રાખો .બીજે દિવસે એક તપેલી માં પોણો કિલો જેટલું તેલ ગરમ કરો .તેલ ને ઠંડું થવા દો .તેલ એકદમ ઠંડું થઇ જાય પછી ધીરે ધીરે અથાણા ની બરણી માં નાખો. અથાણા મા તેલ બરાબર ડૂબાડૂબ હોવું જોઈએ નહીતો અથાણું બગડી જવા સંભવ છે .કોરા કપડા થી બરણી ની આજુબાજુ ની કીનારી અંદર થી ને બહાર થી સાફ કરી લેવી .ભેજવાળી જગ્યાએ અથાણા ની બરણી ના રાખતા સુકી જગ્યા એ રાખવી .ભેજ ના લીધે અથાણા માં ફૂગ વળી જાય છે એટલે ધ્યાન રાખવું .અથાણું કાઢતી વખતે પણ સાફ ચમચો એકદમ કોરો કરી વાપરવો .તેલ ઓછુ લાગે તો ગરમ કરી ઠંડું પડે પછી પાછુ નાખવું .ઘણાં ને સંભાર વધુ ગમતો હોય તો નાખી શકે છે અને તો તેલ પણ વધુ જરૂર પડે છે .
ભાખરી, પુરી, પરોઠા કે રોટલાં, રોટલી સાથે ,ખાખરા સાથે ,દાળભાત અને ખીચડી સાથે ટેસ્ટી અથાણા ની મજા લો .
Leave a Reply