*એટલે પિયર પારકું લાગે છે*
હવે એ મોડા ઉઠવા માટે
ઠપકો આપતી નથી.
ડાઇનિંગ ટૅબલ પર મને
બોલાવવાના બદલે
હું જ્યાં બેઠી હોઉં ત્યાં
નાસ્તો આવી જાય છે.
નાની હતી ત્યારે જબરદસ્તી
કરીને રીંગણાં-કારેલાં
ખવડાવતી મારી મા
હવે મને ભાવતું શાક
જ બને એવી કાળજી
લેતી થઈ ગઈ છે.
મારા અસ્તવ્યસ્ત ચોપડા
માટે કાયમનો કકળાટ કરતી
એ હવે આખા રૂમમાં
વેરવિખેર સામાન જોઇને
અંદર ને અંદર જાણે
પોરસાતી રહે છે…
નાનીનાની વસ્તુ માટે
ભાવતાલ કરનારી
ને વ્યાજબી ભાવે ન મળે
તો એ વસ્તુ જતી કરનારી
મમ્મી હવે કોઇપણ રકઝક
કર્યા વગર મારા માટે જાણે
કે આખી બજાર ઉપાડી
લાવે છે..
હું જાગું એ પહેલા દુઃખતા
ગોઠણ પર શેક કરી લે છે,
ને પછી આખો દિવસ પગ
વાળીને બેસતી નથી..
મારા નીકળવાના દિવસે
આખા ઘરમાં ફરી વળે છે,
ને કેટલુંય મારા થેલામાં
ઠલવાતું જાય છે..
નવો કાંસકો,
મુખવાસની ડબ્બી,
પાપાને ગિફ્ટમાં મળેલ
બોલપેન…
સોમનાથનું નમન,
મહાલક્ષ્મી નું કંકુ
અને
રાંદલમાની રક્ષાપોટલી
પણ…,
છેલ્લે…
હું વામકુક્ષી કરવા
આડી પડું ત્યારે
૭૦ની ઉમ્મરેય એ
રસોડામાં જાય છે,
ને ખુદના હાથે બનાવેલા
થેપલાં ને સુખડી
મારા થેલામાં સહુથી ઉપર
મુકાય છે…
નથી આપતી તો બસ…,
*એની સેવા કરવાનો*
*મોકો*,
*આ ઉંમરે એને પડતી*
*તકલીફોની યાદી*,
અને
*સહન કરવી પડતી*
*એકલતા…!*
*Love you mummy*
????