કન્યા વિદાય નું ગીત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

પૈંડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.

સમી સાંજનો ઢોલ ઢબૂકતો….

જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી


Posted

in

by

Tags:

Comments

Leave a Reply