માઁ મારી ડૉક્ટર હતી..
પડી જતી હું જ્યારે
એ ભોંયે આટતી કરી,
મને જટ મટાડી દેતી
માઁ મારી ડૉક્ટર હતી
વાગ્યા પર હમેશા એ
જાદુઈ ફૂંક મારી દેતી
પળભરમાં મટાડી દેતી
માઁ મારી ડૉક્ટર હતી
ઊંઘ જ્યારે ના આવે
માથે હાથ ફેરવી દેતી
સહેજમાં સુવાડી દેતી
માઁ મારી ડૉક્ટર હતી
ખાવામાં જો નખરાં કરતી
બાવો લઇ જશે કહી
પટ કરી ખવડાવી દેતી
માઁ મારી ડૉક્ટર હતી
લાખ દુઃખ વેદના છુપાવુ
મોઢું મારુ વાંચી લેતી
વગર કહ્યે સમજી જતી
માઁ મારી ડૉક્ટર હતી
મિત્રો સાથે ઝઘડી આવતી
ખાસ દોસ્તી તોડી આવતી
ચૂપચાપ બાથમાં ભરી લેતી
માઁ મારી ડૉક્ટર હતી
ખોટા રસ્તે કદીક ચડી જાતી
ખૂબ લડતી, ખૂબ મારતી,
છેક છેલ્લે એ રડી પડતી
આંસુથી મને સુધારી દેતી
માઁ મારી ડૉક્ટર હતી
પ્રેમમાં હૃદય તોડી બેસતી
બસ હું ગુપચુપ રહેતી
એ આવી પાસે ચૂમી લેતી
વગર ઓપરેશને દિલ સાંધી દેતી
માઁ મારી ડૉક્ટર હતી..
You must log in to post a comment.