પ્રસ્તુત છે ‘વરસાદ’ વિશેનું એ શહેરી ગીત …
મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ
વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ
ખેતરમાં, કોતરમાં, વનમાં ને વગડામાં ટાણે-અટાણે તું આવે તે ચાલે,
પૂછીને આવવાનું રાખજે આ શહેરમાં “આઠ ને ચાલીસે આવું હું કાલે?”
લોકો છે કોરા; ભીંજાવવાના નહિ…
મેઘ તારે….
નોકરીઓ માંડમાંડ સાચવીયે છિયે એમાં છત્રીઓ કેમ કરી સાચવવી ?
પેલ્લા વરસાદનો છાંટો વાગે તો એની ખુશી કે તકલીફો દાખવવી ?
ભીતરનાં પારખા કરાવવાના નહિ…
મેઘ તારે….
એ પણ છે ખોટું કે જૂના સ્મરણ બધાં વરસી પડે છે તારી સાથે,
પીગળવા માંડે છે થીજેલી લાગણીઓ, કામ નથી પકડાતું હાથે
યંત્રોને માનવી બનાવવાના નહિ…
મેઘ તારે વાદળ લઇ આવવાના નહિ
વૃક્ષોને વાઢીને ઉગેલા શહેરો પર છાંટા નક્કામા વરસાવવાના નહિ
શહેરી
You must log in to post a comment.