એક પ્રોમિસ ડોકટર નું  

એક પ્રોમિસ 
નામ પૂછ્યા પછી સામેથી જવાબ ન મળ્યો હોય તેવો ડૉ. રાજ પંડિત માટે કદાચ આ પહેલો જ બનાવ હતો. તેમણે પોતાની સામે પેશન્ટ ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરી ફરીથી પૂછ્યું :

‘યોર નેઈમ પ્લીઝ….’

સામે એ જ યથાવત મૌન….
ડૉ. રાજ પંડિત થોડી ક્ષણો માટે એકધારા એ યુવતી સામે તાકી રહ્યા. તે યુવતી હજુયે નીચું જોઈને બેઠી હતી. એકાએક તેના બંધ હોઠ ખૂલ્યા અને તેમાં હળવી ધ્રુજારી શરૂ થઈ. ત્યાર પછીની ક્ષણે તેમાંથી એક ડૂસકું બહાર સર્યું.

‘તમે…. તમે રડો નહીં પ્લીઝ…. હજુ તો મેં તમારા કેસની ફાઈલમાં લખવા માટે તમારું નામ જ પૂછ્યું છે. તમે જો અત્યારથી જ રડવા લાગશો તો તમારી તકલીફ વિશે હું કેમ જાણી શકીશ ? જુઓ, સાંભળો, તમે અહીં એકલાં જ આવ્યાં છો કે તમારી સાથે અન્ય કોઈ આવ્યું છે ? જો કોઈ આવ્યું હોય અને જો તે બહાર બેઠું હોય તો તેને અંદર બોલાવી લો….’ ડૉ. રાજ હજુ તો આટલું બોલ્યા ત્યાં પેલી યુવતીનાં ડૂસકાંઓનું સરોવર રુદનના સમુદ્રમાં ફેરવાઈ ગયું. તેને આમ રડતી જોઈ ડૉ. રાજે તરત જ તેની સહાયક નર્સ આશા તરફ ઈશારો કરી તેને પાણી આપવા સૂચવ્યું. આશાએ પાણીનો ગ્લાસ ભરી તે યુવતીને આપ્યો. તે યુવતીનાં હીબકાં હવે વચ્ચે વચ્ચે ભરાતા પાણીના ઘૂંટડાની સાથે સાથે ઓછા થવા માંડ્યાં. તે જોઈ ડૉ. રાજ પંડિતે થોડો નિરાંતનો શ્વાસ ખેંચ્યો. તેની સામે બેઠેલી અને મેડિકલ એપ્રેન્ટિસશિપ કરતી ડૉ. વિશ્વાએ મોં મચકોડ્યું.
ડૉ. વિશ્વા તાજેતરમાં જ ડૉક્ટર થયેલી યુવાન અને સુંદર યુવતી હતી. દાક્તરી વિજ્ઞાનના પ્રૅક્ટિકલ પાઠો શીખવા તે ડૉ. રાજ પંડિતના ક્લિનિક પર આવતી હતી. ડૉ. રાજ પંડિતનું નામ આખા પોરબંદર શહેરમાં એક શ્રેષ્ઠ ગાયનેકોલૉજિસ્ટ તરીકે પ્રખ્યાત હતું. તેઓ સ્ત્રીરોગના નિષ્ણાત ડૉક્ટર જ માત્ર નહોતા પરંતુ એક ઉમદા માનવ પણ હતા. તેમનો સતત હસતો રહેતો ચહેરો, લહેકાથી બોલવાની લઢણ અને ખાસ તો પોતાનાં સ્ત્રી-દર્દીઓની માનસિકતા સમજવામાં પારંગતતાએ તેમને માત્ર શહેરમાં જ નહીં આસપાસના વિસ્તારમાં પણ લોકપ્રિય બનાવી દીધા હતા. તેની ઉપસ્થિતિમાં સારવાર લેતી દરેક સ્ત્રી એક વાત્સલ્ય તથા હૂંફની લાગણી અનુભવતી. આમ જુઓ તો શહેરમાં સ્ત્રીરોગના નિષ્ણાત ડૉક્ટર રાજના ક્લિનિક પર દર્દીઓની લાઈન લાગતી. તેની પાછળ મુખ્ય બે કારણો હતાં. એક એ કે; તેમના મુખેથી કદી નિરાશાની વાત નીકળતી જ નહીં. આવનાર દર્દીનું અડધું દુઃખ તો તેમના ઉત્સાહ અને ઉમંગભર્યાં વાણી-વર્તન વડે જ દૂર થઈ જતું, અને બીજું કારણ એ કે; તેને માટે હંમેશાં પૈસા કરતાં પોતાના પેશન્ટની તકલીફ વધુ રહેતી. આવેલા દર્દીને ઓછામાં ઓછા ખર્ચે કેવી રીતે સ્વસ્થ કરી શકાય તે બાબતે વિચારવું, તે તેમનો જીવનમંત્ર હતો.
સામે બેઠેલી યુવતી હવે થોડી સ્વસ્થ થઈ હોય તેવું લાગ્યું એટલે ડૉ. રાજે તેની સામે જોઈને પૂછ્યું :સાથે કોઈ આવ્યું છે કે……?’

‘નહીં, એકલી જ આવી છું.’ યુવતીના ગળામાંથી નીકળેલો અવાજ એટલો ધીમો હતો કે તેને સાંભળવા ડૉ. રાજે કાન સરવા કરવા પડ્યા.

‘ઓ.કે. ડૉન્ટ વરી, અહીં મારી સાથે બે સ્ત્રીઓ છે. એક છે આશા સિસ્ટર અને બીજાં આ છે ડૉ. વિશ્વા.’ ડૉ રાજે તે યુવતી માટે વિશ્વાસનું વાતાવરણ સર્જવા તે બન્નેનો પરિચય આપ્યો, ‘હવે તારું નામ પૂછું તો રડવું નહીં આવે ને ?’ સહેજ હળવાશથી ડૉ. રાજ બોલ્યા. પેશન્ટને હંમેશાં ‘તમે’ કહીને જ સંબોધન કરાય તેવા મેડિકલ એથિક્સની ઐસીતૈસી કરી ડૉ. રાજ તેની દીકરી જેવડી યુવતીઓને હંમેશાં ‘તું’ અને ‘બેટા’ કહીને જ બોલાવતા.

પેલી યુવતીના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું : ‘ના….ના…. ડૉક્ટર… આય એમ સૉરી… પરંતુ….’

‘ઈટ્સ ઑલ રાઈટ, હવે પહેલાં તારું નામ કહે અને પછી તકલીફ કહે.’

‘મારું નામ કૃપા છે,… કૃપા જોષી.’ તેણે સહેજ ખોંખારો ખાધો અને પછી આગળ ચલાવ્યું, ‘તકલીફ એ છે કે મારા પેટમાં બે માસનો ગર્ભ છે. મેં આ પહેલાં જે ડૉક્ટરને બતાવ્યું હતું તેમણે મને કહ્યું કે પેટમાં ગર્ભનો વિકાસ ખૂબ જ ઓછો છે એટલે….’ તે સહેજ અટકીને પછી બોલી ‘….. ક્યુરેટ કરી બાળકને દૂર કરી ફરીથી પ્રેગ્નન્સી માટે ટ્રાય કરવી…..’ બોલતાં બોલતાં તેનો કંઠ ફરીથી રૂંધાયો.
ડૉ. રાજ પંડિત અને ડૉ. વિશ્વા તેની સામું જોઈ રહ્યાં.

કૃપાએ ઝડપથી પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો અને વાતનું અનુસંધાન સાધ્યું : ‘પરંતુ તે શક્ય નથી. મારા હસબન્ડ લશ્કરમાં હતા. તેઓ રજામાં ઘરે આવ્યા હતા. અમે થોડો વખત સાથે રહ્યાં પરંતુ તેમને ડ્યૂટી પર જવાનો ઈમર્જન્સી કોલ આવતાં જવાનું થયું. પચ્ચીસ દિવસ પહેલાં જમ્મુમાં કોઈ આતંકવાદીની ગોળી વાગી એટલે…..’ બોલતાં કૃપા ફરીથી રડી પડી.
ડૉ. રાજ પંડિતે ઉપરની સિલિંગ તરફ જોયું. ત્યાં કોઈ ઈશ્વર દેખાયો નહીં જે આ કૃપા ઉપર કૃપા વરસાવી શકે. ડૉ. રાજે એક ઊંડો શ્વાસ ખેંચ્યો અને પોતાની ખુરશી પરથી ઊભા થઈ અને કૃપા તરફ જોઈ એકદમ વિશ્વાસપૂર્વક બોલ્યા : ‘બસ….. આટલી અમથી જ વાત છે ? અરે… એમાં શું થઈ ગયું બેટા, હું છું ને ? તારા પેટમાં રહેલા એ નાનકડા ફૌજીને એકદમ તંદુરસ્ત બનાવી અને ડિલિવરી પછી તેને તારા હાથમાં રમતો ન કરું તો મારું નામ ડૉ. રાજ પંડિત નહીં. સમજી ?’ પછી એક ચપટી વગાડી બોલ્યા, ‘કમ ઓન, ચાલ, સામેના ટેબલ પર સૂઈ જા એટલે હું ચેકઅપ કરી લઉં. અને હા, તે પછી હું જે દવા લખી આપું તે તારે નિયમિત ખાવી પડશે હો ?’ કહી તેમણે પોતાની અંદરના ઈશ્વર સાથે એક મૂક સંવાદ શરૂ કર્યો જે કોઈ પણ કોમ્પ્લીકેટેડ કેસ હાથમાં લેતા પહેલાં તે હંમેશા કરતા : ‘હે પ્રભુ, તમે તો જાણો છો કે અમારા મેડિકલ સાયન્સની એક સીમા છે. એ જ્યાં પૂરી થાય છે ત્યાંથી તમારી સરહદ શરૂ થાય છે. આ સ્ત્રી, કે જેણે પોતાનો પતિ હજુ હમણાં જ ગુમાવ્યો છે તેની પાસે તેનું બાળક રહેવા દેજે પ્લીઝ, નહીંતર આ બિચારી જીવશે કોના ભરોસે ? મારી મર્યાદા છે, મારી દવાની મર્યાદા છે, પરંતુ તારી તો કોઈ જ મર્યાદા નથી. માટે એ દોસ્ત મને સાચો નિર્ણય લેવામાં મદદ કરજે પ્લીઝ….’તે પછી દસ મિનિટ સુધી ડૉ. વિશ્વાએ કૃપાના ગર્ભાશયનું આખું વિશ્વ તપાસ્યું. ગર્ભસ્થ બાળકની કૂંડળી માંડી જોઈ. બાળકનો વિકાસ ઓછો તો હતો જ. સામાન્ય સંજોગોમાં અગાઉના ડૉક્ટરે કરેલા નિર્ણયને મંજૂરી આપવી જ પડે, પરંતુ અહીં પરિસ્થિતિ જુદી હતી. અહીં પેટમાં જે બાળક હતું તેને વિકસિત કરવું અને બચાવવું એ અત્યંત જરૂરી હતું. હમણાં જ વિધવા બનેલી એક સ્ત્રીની જીવનભર સાથ આપનાર મૂડીને ક્યુરેટ કરી વેડફી શકાય તેમ નહોતું તો સામા પક્ષે ઓછા વિકસિત ગર્ભને પેટમાં રાખી તેને બચાવવા પ્રયત્ન કરવો એ પણ ખૂબ જ જવાબદારીવાળું કામ હતું. ડૉ. રાજે જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો. કૃપાને કહ્યું :

‘જો કૃપા, તને અગાઉ જે ડૉક્ટરે જે સલાહ આપી હતી તે સાવ ખોટી તો ન જ કહી શકાય, પરંતુ દરેક સમસ્યા તેનો ઉકેલ પોતાની સાથે લઈને આવતી હોય છે. આપણે એક ચાન્સ લેવા જઈ રહ્યા છીએ. એટલે આમાં ડૉક્ટર કે દર્દી, એટલે કે હું અને તું, એ આ કિસ્સામાં અપૂરતા ગણાઈએ. આપણે આમાં એક ત્રીજી હસ્તીને પણ સામેલ કરવી પડશે, જેને લોકો ‘ઉપરવાળો’ કહે છે. તું તેને પ્રાર્થના કર અને હું મારા તમામ અનુભવોને કામે લગાડું છું. તું આસ્થા નહીં ગુમાવતી, હું હિંમત નહીં ગુમાવું…. અને હા, તું કાલે ફરીથી આવજે. હું તને કાલે જ દવાઓ લખી આપીશ. ઓ.કે. ?’ કહીને ડૉ. રાજે કૃપાને રજા આપી.
તે આખો દિવસ ડૉ. રાજ ઓ.પી.ડી.ની સાથે પોતાના મોબાઈલ પર અમદાવાદ, મુંબઈ અને બૅંગાલુરુ જેવાં મોટા શહેરોમાં પ્રૅક્ટિસ કરતા પોતાના ગાયનેક ડૉક્ટર મિત્રો સાથે આ કેસની ચર્ચા કરી, લેટેસ્ટ સંશોધનો વિશે જાણતા રહ્યા અને અંતે તેના નિચોડ રૂપે કૃપા માટે લાઈન ઑફ ટ્રીટમેન્ટ નક્કી કરી. સામે બેઠેલી નવી નવી ડૉક્ટર થયેલી ડૉ. વિશ્વા આ બધું વિસ્ફારીત નયને જોઈ રહી હતી. ટ્રીટમેન્ટ માટે જે દવાઓ પોરબંદરમાં નહોતી તે બહારથી મંગાવી લેવા તેમણે પોતાના જાણીતા કેમિસ્ટને ફોન કર્યો અને બીજા દિવસે તે દવાઓ બાય-ફલાઈટ પોરબંદરમાં પહોંચી જાય તે માટે વગ વાપરવા પોતાના એક બિઝનેસમેન મિત્રને પણ ફોન કરી દીધો. ડૉ. વિશ્વા માટે આ બધું તદ્દ્ન આશ્ચર્યજનક હતું. તેના મેડિકલ અભ્યાસના સાડા પાંચ વર્ષના કોર્ષમાં ડૉ. રાજ અહીં જે કરી રહ્યા હતા તે ક્યાંય આવ્યું ન હતું.

‘એક પેશન્ટ માટે આટલી બધી મહેનત કેમ કરો છો સર…..?’ આખરે વિશ્વાએ પૂછી જ નાંખ્યું.

‘પેશન્ટ…..! આ બધું હું એક પેશન્ટ માટે થોડું કરી રહ્યો છું. આ બધું તો હું મારી જાત માટે કરી રહ્યો છું ડૉ વિશ્વા. ફક્ત સેલ્ફ સેટીસ્ફેકશન માટે…. ઈનફેક્ટ હું એક ઋણ ઉતારી રહ્યો છું. એક પ્રૉમિસ નિભાવી રહ્યો છું.’

‘કોનું ઋણ સર…. ? શેનું પ્રૉમિસ ?’

‘એ વાત બહુ લાંબી છે ડૉ. વિશ્વા.’ ઘડિયાળ તરફ જોતાં ડૉ. રાજે કહ્યું, ‘એ બધું હું તમને કાલે કહું તો ? અત્યારે મને થોડું મોડું થઈ રહ્યું છે. મારો પુત્ર પાર્થ આજે જ ડૉક્ટર બની બૉમ્બેથી આવ્યો છે. આજે રાત્રે અમે બધાં ‘સ્વાગત રેસ્ટોરેન્ટ’માં જમવા જવાનાં છીએ. કાલે તમે એ વાત ચોક્કસ યાદ કરાવજો. હું અવશ્ય તમને તે કહીશ…. ઈટ્સ પ્રૉમિસ.’બીજે દિવસે સવારે કૃપા ડૉકટરની ચેમ્બરમાં આવી ત્યારે તે ગઈકાલ કરતાં ઘણી જ સ્વસ્થ હતી. તેની સાથે એક વૃદ્ધ યુગલ પણ હતું.

‘ગુડ મૉર્નિંગ મિસિસ જોષી, વેલકમ…. આજે તમારી સાથે આવ્યાં છે તે તમારાં સાસુ અને સસરા હોય તેવું લાગે છે, એમ આય રાઈટ ?’

‘રાઈટ સર, પહેલા ડૉકટરની મુલાકાત વખતે પણ તેઓ મારી સાથે આવ્યાં હતાં પરંતુ ત્યાં તે ડૉક્ટરની વાત સાંભળી તેઓ ભાંગી પડ્યાં હતાં. એટલે ગઈકાલે તમને મળવા હું એકલી જ આવી હતી. મેં અહીંથી જઈને તેમને બધી જ વાત કરી એટલે આજે તેઓ તમને મળવા આવ્યાં છે.’

‘નમસ્તે.’ ડૉ. રાજે બન્નેને નમસ્કાર કરી ટૂંકમાં આખીયે વિગત સમજાવી અને છેલ્લે કહ્યું : ‘તમે ચિંતા ન કરશો. કૃપા માટે મેં એકદમ આધુનિક ટ્રીટમેન્ટ નક્કી કરી છે. જે દવા અહીં નહોતી મળતી તે પણ મુંબઈથી મંગાવી લીધી છે. આજ સવારની ફલાઈટમાં તે આવી પણ ગઈ છે.’ કહેતા કહેતા ડૉ. રાજે પોતે મંગાવેલી દવાઓ કૃપાને આપી ને કઈ રીતે લેવી તે સમજાવી સાથે પૌષ્ટિક આહાર લેવાનું પણ સૂચવ્યું.’ જતાં જતાં અહોભાવ સાથે તે દંપતીએ ફી અને દવાની રકમ વિશે પૂછ્યું ત્યારે ડૉ. રાજ બોલ્યા : ‘નહીં…. નહીં…. કાંઈ જ નહીં. દેશની સેવા કરતા શહીદ થયેલા જવાનની પત્નીની ટ્રીટમેન્ટનો કાંઈ ચાર્જ લેવાય ખરો ? બસ, તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણી આ જહેમત સફળ થાય અને તમે બન્ને દાદા-દાદી બની જાવ.’ ડૉક્ટરના એ વાક્યે તે ચેમ્બરમાં રહેલા સહુની આંખ ભીની થઈ ગઈ.
તે રાત્રે નવ વાગ્યે છેલ્લા પેશન્ટનું ચેકઅપ પૂરું થયું એટલે ડૉ. વિશ્વાએ ડૉ. રાજને તેમણે ગઈકાલે આપેલા પ્રૉમિસની યાદ અપાવી. ડૉ. રાજે વાત શરૂ કરી.

‘આજથી લગભગ બેતાલીસ વર્ષ પહેલાંની આ વાત છે. પોરબંદરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલા સોઢાણા ગામમાં એક શિક્ષક છોટાલાલ પંડિત તેનાં બે સંતાનો અને પત્ની સાથે એક નાનકડા ઘરમાં રહેતા હતા. તેમનાં બે સંતાનો પૈકી સૌથી મોટું સંતાન એટલે હું.
મને યાદ છે એ ડરામણી રાત…. તે દિવસે સવારથી જ વરસાદ પડી રહ્યો હતો. મારી માતાને ત્રીજી ડિલિવરીનું લેબર પેઈન સાંજથી શરૂ થઈ ગયું હતું. નાનકડા ગામમાં ક્વૉલિફાઈડ ડૉકટર તો ક્યાંથી હોય ! વળી, વરસતા વરસાદમાં માતાને અહીં શહેર સુધી પહોંચાડવા કોઈ વાહન પણ મળે તેમ નહોતું. રાત્રીનો અંધકાર ઘેરો બનતો જતો તેમ તેમ મારી માતાની પીડા વધતી જતી હતી. મારા પિતાજીના ખાસ મિત્ર ભગવાનજીભાઈ ગામની જે દાયણને તેડી લાવ્યા હતા તે અંદરના રૂમમાં મારી મા સાથે રહી તેની આવડત પ્રમાણે મહેનત કરી રહી હતી. હું, મારી નાનકડી બહેન, પિતાજી અને ભગવાનજીકાકા બહાર પરસાળમાં બેસી માતાનો છુટકારો ક્યારે થાય તેની રાહ જોતાં હતાં. અંદરથી આવતી મારી માતાની ચીસોનો અવાજ મને પણ રડાવી રહ્યો હતો. આખરે તે દાયણે બહાર આવી પિતાજીને કહ્યું કે આને હવે શહેરમાં લઈ જવી પડશે. પેટમાં રહેલું બાળક આડું થઈ ગયું છે. અમે સૌ ગભરાઈ ગયા. એ વખતે ભગવાનજીકાકાએ પિતાજીને ધીરજ બંધાવતાં કહ્યું કે તમે ચિંતા ન કરો. બાજુના ગામે મારા એક સંબંધીને ત્યાં પ્રસંગ છે તે નિમિત્તે પોરબંદરથી એક ડૉક્ટર પણ આવ્યા છે. હું તેમને જઈને વાત કરું છું. જો તેમના હૈયે રામ વસે અને તે આવવા તૈયાર થશે તો તેને તેડી લાવું છું. બાકી આવા વરસાદમાં બીજો કોઈ ઉપાય જ નથી.ડૉ. વિશ્વા, તમે નહીં માનો માત્ર અડધા જ કલાકમાં ભગવાનજીકાકાના રાજદૂત સ્કૂટર ઉપર બેસીને પલળતા પલળતા એક ડૉક્ટર આવ્યા અને…. અને મારી મા બચી ગઈ. તે રાત્રે ફાનસના આછા અજવાળામાં મેં તે ડૉક્ટર નહીં પરંતુ ઈશ્વરને જોયો. જેણે મને નમાયો થતાં બચાવી લીધો હતો. તેમણે જતાં જતાં મને પૂછ્યું કે તું મોટો થઈને શું બનીશ ? ત્યારે મારા મોઢામાંથી શબ્દો સર્યા…. ‘તમારા જેવો ડૉક્ટર.’ એ એક બાળકના મોઢેથી બોલાયેલા શબ્દો નહોતા ડૉ. વિશ્વા, પરંતુ મેં સમગ્ર માનવજાતને આપેલું પ્રૉમિસ હતું. બાજુના ગામે પોતાના સગાને ત્યાં પ્રસંગે આવેલા એ ડૉક્ટર પ્રસંગ છોડીને મેઘલી રાતે જે રીતે મારી માને બચાવવા ચાલી નીકળ્યા તે ઘટના મારા ચિત્તમાં એવી રીતે અંકિત થઈ ગઈ છે કે માનો આજે પણ દરેક ગર્ભવતી સ્ત્રીના ચહેરામાં મને મારી માનો ચહેરો દેખાય છે.
આપણે ગાયનેકોલૉજિસ્ટ તો એવી વ્યક્તિ છીએ ડૉ. વિશ્વા, કે જેણે, ઈશ્વરે જેનું જતનપૂર્વક સર્જન માતાના ગર્ભમાં નવ માસ સુધી કર્યું હોય તેને કાળજીપૂર્વક બહાર લાવી તે માતાના હાથમાં સોંપવાનું જ કાર્ય કરવાનું હોય છે, આપણે નસીબદાર છીએ કે ઈશ્વર પોતાના આ સર્જનકાર્યમાં આપણને ભાગીદાર બનાવે છે…. ફક્ત આપણને જ. અને એક વાત કહું ડૉ. વિશ્વા…. ? ડૉક્ટર માટે દાક્તરી એ કદાચ એક પ્રોફેશન હશે પરંતુ દર્દી માટે તો ડૉક્ટર તેનો જીવનદાતા હોય છે એ પાઠ હું વર્ષો પહેલાંની એ મેઘલી રાત્રે શીખ્યો હતો… યસ… એ જ રાત્રે.’
ડૉ. વિશ્વા ભીની આંખે, અહોભાવપૂર્વક ડૉ. રાજ પંડિતના પચ્ચાસ વર્ષીય ચહેરા પર ચમકતી આભાને જોઈ રહી… તેના કાનમાં શબ્દો ગુંજતા હતા… તુજમેં રબ દિખતા હૈ……
લેખક :હરીષ થાનકી


Posted

in

by

Comments

One response to “એક પ્રોમિસ ડોકટર નું  ”

  1. આશિષ Avatar
    આશિષ

    વાહ જોરદાર સ્ટોરી છે

Leave a Reply

%d bloggers like this: