કોણ તારુ,કોણ મારુ છોડ ને!

​કોણ તારું, કોણ મારું છોડ ને !

એકલા છે દોડવાનું, દોડ ને !!
જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે;

કામ લે હિંમતથી, તાળું તોડ ને !!
રોજ જે ચહેરો સતત જોવો ગમે;

અાઈના પર એજ ચહેરો ચોડ ને !!
કેટલા ભેગા થયેલા છે સ્મરણ ?

તું સમયનો સ્હેજ ગલ્લો ફોડ ને !!
લે, હવે વધસ્તંભ પર આવી ઊભા !

હોય એટલાં ખીલ્લાં તું ખોડ ને !!
ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે;

તું હ્દય સાથે હ્રદય ને જોડ ને !!
– હિમલ પંડ્યા ‘પાર્થ’

જાળવી ને ચાલવા નુંરાખવુ     અજ્ઞાત

​જાળવીને ‘ચાલવાનું’ રાખવું,

સાવ ભીતર ‘મ્હાલવાનું’ રાખવું!!
હાથ ફેલાવી કશું ના ‘માંગવું’,

બે’ક મુઠ્ઠી ‘આલવાનું’ રાખવું !!
‘થાકવા’ લાગે ચરણ જો ચાલતા,

હાથ ‘ગમતો’ ઝાલવાનું રાખવું !!
થઈ શકે ‘સરભર’ કદી ના એટલી,

ખોટ થઈને ‘સાલવાનું’ રાખવ.ું !!
‘પુષ્પ’ થઈને ‘મ્હેકવું’ ચારે તરફ,

‘વ્રુક્ષ’ માફક ‘ફાલવાનું’ રાખવું !!    
      

                    અજ્ઞાત

ચર્ચા

કરે કોઈ જીત ની ચર્ચા ,કરે કોઈ હાર ની ચર્ચા

રમત તો થઇ પૂરી બાકી રહી બેકારની ચર્ચા.
ભૂખે મરતાઓને કહી દો , જરા થોભે ને રાહ જોવે –

હજુ ચાલે છે એ પ્રશ્નો ઉપર સરકારની ચર્ચા !
હતો, જે ભાર માથા પર એ નો’તું થાક નું કારણ-

ગયા થાકી હકીકત માં કરી એ ભારની ચર્ચા.
જીવનભરની કમાણીને ગુમાવીને હું બેઠો’ તો –

તમે આવીને છેડી ત્યાં જીવનના સારની ચર્ચા.
ગરીબી જો હટી જાશે , તો નેતાઓનું શું થાશે?

પછી કરશે અહીં કોના ભલા – ઉદ્ધાર ની ચર્ચા.
વહે છે ખૂન જ્ખ્મોથી  અને એ જખ્મીઓ સામે,

અમે કરતા રહ્યા ‘કાયમ’ ફક્ત ઉપચારની ચર્ચા.
-કાયમ હઝારી

મોરબી

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય ધબકાર બાકી છે -અમૃત ઘાયલ

હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,
ભલે થઈ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.

મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.

જવાનીના પૂરા બે શ્વાસ પણ લીધા છે કયાં ‘ઘાયલ’,
હજુ કંઈ ત્યાગ બાકી છે, હજુ સ્વીકાર બાકી છે.
-અમૃત ‘ઘાયલ’

પ્રેમ ના અનુવાદ માં તું ચાલ ને વરસાદ માં – અનીલ ચાવડા

આ વરસાદીયા વાતાવરણ ની ભીનાશ સાથે આજે શ્રી અનીલ ભાઈ ચાવડા ની આ ગઝલ એફ.બી ઉપર વાંચી ને આપ સૌ સાથે શેર કરવાનું મન થઇ ગયું .આશા છે આપ સૌ ને પણ જરૂર ગમશે .

પ્રેમના અનુવાદમાં, તું ચાલને વરસાદમાં.
કોઇ પણ સંવાદમાં, તું ચાલને વરસાદમાં.

આગવી ભીનાશ લઇ ને લઇ પલળવું આગવું,
આગવા અવસાદમાં, તું ચાલને વરસાદમાં.

કોઇ પણ બંધન નહીં ને કોઇ પણ અડચણ નહીં,
માનનાં મરજાદમાં, તું ચાલને વરસાદમાં.

એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા,
વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં.

એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ
એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં.

– અનિલ ચાવડા

ભૂલ કરી બેઠા

અમે ધુમાડા ને બાથ માં ભરવા ની ભૂલ કરી બેઠા ,

સ્વૈરવિહારી, મુક્ત ગગન ના પંખી ને

પિંજર માં કેદ કરવાની ભૂલ કરી બેઠા ,

ન રહ્યું ભાન અમને પરાયા કે પોતીકા નું ,

અમે સૌ ને પોતાના માનવા ની ભૂલ કરી બેઠા,

સજા જે આપો એ મંજુર છે અમને ,

અમે રણ માં વરસવા ની ભૂલ કરી બેઠા .

– માયા રાયચુરા

ફૂલ બનીશ તો કચડાઈ જઈશ

મને મળેલો એક સરસ વોટ્સેપ મેસેજ આપ સૌ સાથે શેર કરું છું .

ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,કાંટો બનીશ તો બળી જઈશ ,

તો લાવ ને ફોરમ  જ બની જાઉં ,ચારેકોર મહેકાઈ તો જઈશ .

ઢોલક બનીશ તો પીટાઈ જઈશ ,હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ ,

તો લાવ ને સૂર જ બની જાઉં ,સૌ ના દિલ માં છવાઈ તો જઈશ .

ભૂત બનીશ તો ભૂલી જઈશ ,ભવિષ્ય બનીશ તો ભખાઈ જઈશ ,

તો ચાલ ને વર્તમાન જ બની જાઉં ,સૌ ની સાથે તો રહીશ .

દૈત્ય બનીશ તો મરાઇ જઈશ ,દેવ બનીશ તો પૂજાઈ જઈશ ,

તો લાવ ને માનવ જ બની જાઉં સૌ ની વચ્ચે તો રહીશ .

વાંસળી બનીશ તો ફૂંકાઈ જઈશ ,સુદર્શન બનીશ તો ફેંકાઇ જઈશ,

તો લાવ ને મોરપિચ્છ જ બની જાઉં ,’શ્યામ’ ના મસ્તકે તો રહીશ .

 

 

 

 

 

કહ્યું કોણે કે તારી પરવા કરું છું ?

એફ.બી ઉપર વાંચેલી સુંદર ગઝલ.

કહ્યું કોણે કે તારી પરવા કરું છું?
હું બસ તારા સુખની તમન્ના કરું છું.

તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છું,
હું જીવતરના બે છેડા સરખા કરું છું.

આ સમજણ, આ વળગણ, આ દર્પણ યા કંઇ પણ,
અકારણ–સકારણ હું તડપ્યા કરું છું.

મને પામવા તું પરીક્ષા કરે છે,
તને પામવા તારી પૂજા કરું છું.

ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું.

હવે જીતવાની મજા પણ મરી ગઇ,
તું હારે છે તેથી હું જીત્યા કરું છું.
– કિરણસિંહ ચૌહાણ

અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે

આજે એફ .બી ઉપર એક સુંદર ગઝલ શ્રી ખલીલ ધન તેજવી રચિત  વાંચી.મને બહુ ગમી એટલે આપ સૌ સાથે શેર કરું છું .આશા છે આપ સૌ ને પણ ગમશે .

અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે,
તમે ઘરે દિવો સળગાવ્યો, અમે જાતને બાળી છે.

વાર તહેવારે જિદે ચડતી ઇચ્છાઓ પંપાળી છે,
મનમાં ભિતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.

તમને જોઇ ને પલકારાની રસમ ટાળી છે આંખોએ,
જ્યારે જ્યારે નજર મળી છે ત્યારે મેં પાંપણ ઢાળી છે.

છાંયડે બેસી અસ્ત ઉદયની લિજ્જતના સમજાવ મને,
માથે આખો સૂરજ લઇ ને સાંજ બપોરે ગાળી છે.

કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.

– ખલિલ ધનતેજવી

વહાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે

આજે મને વોટ્સ અપ પર એક સુંદર ગઝલ મારી એક મિત્ર એ મોકલી છે જે આપ સૌ વાચક મિત્રો સાથે આ મસ્ત મસ્ત ગઝલ શેર કરું છું .ગઝલકાર નું નામ ?

વહાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે

લીમડા ના વૃક્ષ માં ક્યાંક ગળપણ મળી આવે

ચીંથરેહાલ નોટ નો શું ભરોસો ફાટી પણ જાય

પરચુરણ ને પ્રેમ કરતુ એ બચપણ મળી આવે

ભીતર મ ભરાઈ ને રાત દહાડો છેતરે છે તેવી

કલ્પનાઓ ને દર્શાવતું દર્પણ મળી આવે

બારેમાસ બળબળતો બપોર તો કેમ સહેવાશે

સૂરજ નેથોડો સંતાડે એવી પાંપણ મળી આવે

તૈયારી કરી છે ખુલ્લા દિલે વ્યાજ ચુકવવાની

બાંધી મુદત ની જો એકાદ થાપણ મળી આવે .