કોર્ન ભેળ

કોર્ન ભેળ :- સામગ્રી :-બાફેલા મકાઈ દાણા   ૧ કપ ,બાફેલાબટેટા ,ટામેટા અને કાંદા બારીક સમાંરેલા ત્રણે વસ્તુ મળી ને ૧ કપ ,ખારી સીંગ ફોતરા વગર ની ૧ /૪ કપ  ,ચણાનીદાળ તળેલી મસાલા વાળી  ૪ ચમચી , જાડી સેવ  ૪ ચમચી ,   સેવપુરી ની પુરી ના ટુકડા ૧/૨ કપ  સંચળ પાવડર ચપટી ,લાલ મરચું પાવડર ૧ નાની ચમચી ,લીંબુ અને ખજુર ,આંબલી ની ચટણી .

રીત :- સૌ પ્રથમ મકાઈ ના દાણા ને મીઠું નાખી બાફી લેવા .બફાઈ જાય પછી થોડીવાર તે પાણી માં જ રાખવા અને પછી  ચારણી માં નાખી કોરા કરવા .ખજુર આંબલી ને બાફી ગોળ મેળવી જીરું ,લાલ મરચું પાવડર અને સંચળ પાવડર મેળવી પલ્પ જેવી ઘાટી ચટણી તૈયાર કરવી .હવે બધી સામગ્રી મિક્સ કરો .ઉપર થી  બારીક કાપેલી કોથમીર છાંટી  લીંબુ નીચોવી ભેળ ની મઝા માણો .લીલા તીખા મરચા પણ બારીક કાપી ને નાખી શકાય .

ચાઈનીઝ વાનગી ચાઉ ચાઉ


ચાઈનીઝ  વાનગી 
ચાઉ ચાઉ


સામગ્રી 
300 ગ્રામ ફણસી
10 દાંડી સેલરીની ભાજી
200 ગ્રામ કેપ્સિકમ
300 ગ્રામ ગાજર
એક ચમચી આજીનો મોટો
એક ચમચી સોયા સોસ
સાંતળવા માટે તેલ
100 ગ્રામ નુડલ્સ
4 નંગ લીલી ડુંગળી
300 ગ્રામ કોબીજ
એક ચમચી ખાંડ
એક ચમચો કોનફલોર
સ્વાદ અનુસાર મીઠું
રીત 
એક વાસણમાં પાણી ઉકાળો . પાણી ઉકળે એટલે તેમાં એક ચમચી તેલ, મીઠું અને નુડલ્સ નાખો . નુડલ્સ બફાય એટલે નીતારી લો . પછી ઠંડા પાણીથી ધોઈ નાખો .
ફણસી, સેલરીની ભાજી લાંબી દાંડીની જેમ સમારો . કેપ્સિકમમાંથી બી કાઢી નાખો . લાંબી સળી સમારો . ગાજરની વચ્ચેનો લીલો -સફેદ ભાગ કાઢી નાખો . લાંબી સળી જેવી ચીરીઓમાં સમારો . કોબી અને લીલી ડુંગળીના પાન સાથે સમારો . લીલી ડુંગળીના ગોળ પતીકા સમારો .
એક ડીપ ફાર્યપેનમાં તેલ ગરમ કરવા મૂકો . તેમાં બધું જ શાક, મીઠું અને આજીનો મોટો નાખો . તાપ તેજ રાખવો . શાક ચડી જાય એટલે તેમાં ખાંડ, સોયા સોસ અને બાફેલા નુડલ્સ નાંખો .
કોનફલોરને થોડા પાણીમાં મિક્સ કરી પેસ્ટ બનાવો . આ પેસ્ટને પણ નાખો . હવે બધું ધીમા હાથે હલાવો . ઘટ્ટ થાય ત્યાં સુધી તાપ પર મૂકો . ગરમ – ગરમ  પીરસો . આ વાનગી પર ચીલી  સોસ અને ચીલી વિનેગર નાખીને પીરસવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે .

ચાઈનીઝ કોર્ન પકોડા

ચાઈનીઝ કોર્ન પકોડા  (5 થી 6 વ્યકિત )
(1) 500 ગ્રામ મકાઈ
(2) 1/2 કપ દૂધ
(3) 1 ટેબલ સ્પૂન કોર્નફલોર
(4) 1/2 ટી સ્પૂન મરીનો ભૂકો
(5) 1 ટી સ્પૂન સોયાસોસ
(6) 1 ટી સ્પૂન ચીલીસોસ
(7) 50 ગ્રામ ડુંગળી (1 નંગ )
(8) 50 ગ્રામ કેપ્સીસમ (1 નંગ )
(9) 1/4 કપ મેંદો
(10) સેન્ડવીચ બ્રેડ
(11) તેલ પ્રમાણસર
(12) મીઠું  પ્રમાણસર
રીત
(1) મકાઈના દાણા કાઢીને બાફી લેવા . ઠડા દૂધમાં કોર્નફલોર ઓંગાળી વાઈટ  સોસ બનાવવો .
(2) તેમાં મકાઈના દાણા, મીઠું, મરીનો ભૂકો, સોયાસોસ, ચીલીસોસ, ડુંગળી (ઝીણી સમારેલી) અને કેપ્સીસમ (નાનાં   સમારેલા) ઉમેરવા .
(3) મેંદામાં મીઠું અને પાણી નાખી ખીરું તૈયાર કરવું .
(4) બ્રેડની કિનારી કાઢી ચોરસ ટુકડા કરવા . બ્રેડ ઉપર માવો મૂકી, માવાવાળી બાજુ ખીરામાં બોળીને તળવા .
(5) જો માવો ઢીલો લાગે તો માવા ઉપર રવો કે ટોસ્ટનો  ભૂકો પાથરવો . પછી ખીરામાં બોળીને તળવા .

મગ નું ભૂસું

સામગ્રી :- ઉગાડેલા મગ –  ૨  કપ , તળવા માટે તેલ , મીઠું સ્વાદ મુજબ , મરચું પાવડર ૧ ટી સ્પુન, ચાટ મસાલો ૧ ટી સ્પુન ,બારીક સેવ ૧/૪ કપ ,કાજુ ના ટુકડા ૧ ચમચી , કીસમીસ ૧ ચમચી .

રીત :- ઉગાડેલા મગ ને એક પેન માં તેલ ગરમ કરી  થોડા થોડા નાખી કરકરા  તળી લો . કાજુ અને કીસમીસ પણ તળી લો .હવે તેમાં મરચું પાવડર ,મીઠું , ચાટ મસાલો  નાખો .બારીક  સેવ  નાખી મિક્સ કરો .એક એર ટાઈટ ડબ્બા માં ભરી લો . ટેસ્ટી નાસ્તો તૈયાર છે ચા ની સાથે અથવા આ ભુસા માં બારીક કાપેલા કાંદા ,કોથમીર ,લીંબુ નો રસ નાખી તીખી મીઠી ચટણી નાખી પણ ખાઈ શકાય .

સ્વાદ પ્રમાણે મસાલા નું પ્રમાણ વધુ કે ઓછુ કરવું .

બાજરી ના લોટ ના સકરપારા

સામગ્રી : ૧ કપ બાજરી નો લોટ , ૧/૨  કપ ઘઉં અથવા જુવાર નો લોટ , ૨-૩ ચમચી દહીં , ૧/૪ ચમચી સફેદ તલ , મીઠું સ્વાદ મુજબ ,લાલ મરચું પાવડર -૧ ચમચી , હળદર પાવડર ૧/૪ ચમચી ,૨-૩ ચમચી તેલ મોણ માટે ,ચપટી અજમો ,તળવા માટે તેલ અને મેથી ની ભાજી ૧/૨ કપ .

રીત : સૌ પ્રથમ મેથી ની ભાજી ને સારી રીતે સાફ કરી સ્વચ્છ પાણી થી ધોઈ ઝીણી સમારો . એક થાળી માં બન્ને લોટ ચાળી લો . બન્ને લોટ બરાબર મિક્સ કરો . પછી તેમાં બધા મસાલા ,અજમો ,દહીં , મેથી ની ભાજી નાખો .તેલ નું મોણ નાખો . હવે સારી રીતે બધુ મિક્સ કરી  જરૂર પૂરતું પાણી લઇ પરોઠા ના જેવો લોટ બાંધો . મોટો લુઓ લઇ લોટ લઇ મોટો રોટલો વણો અને ચાકુ થી અથવા કટર થી  ચોરસ કાપી લો અથવા મનગમતા શેપ માં કાપી લો . હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને સકરપારા તળી લો . કરકરા અને સ્વાદિષ્ટ સકરપારા તૈયાર અને પાછા પોષ્ટિક તો ખરા જ .નાસ્તા માં ગરમ ગરમ ચા અને સકરપારા નો સ્વાદ માણી  જોજો અને કેવા ટેસ્ટી લાગે છે તે મને જરૂર જણાવજો હોં !  જોકે મારા ઘર માં તો અવારનવાર નાસ્તા માં આ વાનગી બને જ છે તો પણ મને આપ સૌ નો અભિપ્રાય જાણવાની ઈચ્છા છે.

ઇન્સ્ટન્ટ રેસીપી -બ્રેડ પીઝા

આ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ઘર માંથી મળી આવતી વસ્તુ નો ઉપયોગ કરાતો હોઈ  સહેલી થી બનાવી શકાય છે .આજકાલ દરેક ના ઘર માં આ બધી વસ્તુઓ ફ્રીઝ માં હોય જ છે . અને નાના મોટા બધા ને ભાવે તેવી છે .

સામગ્રી :- ગોળ કાપેલી બ્રેડ ની  સ્લાઇસ , ટામેટા ની ગ્રેવી અથવા સોસ , બારી કાપેલા ડુંગળી ,ટામેટા અને કેપ્સીકમ  જરૂર મુજબ ,ચીઝ ટેસ્ટ મુજબ .

રીત :- બ્રેડ ને ગોળાકાર માં કાપી લો .તેની ઉપર ટામેટા ની ગ્રેવી અથવા સોસ લગાડો .તેની ઉપર બારીક કાપેલા ડુંગળી ,ટામેટા અને કેપ્સીકમ મુકો .તેની ઉપર  ખમણેલી  ચીઝ નો થર કરો .હવે એક નોનસ્ટીક પેન માં થોડું બટર લગાડી  બ્રેડ ને શેકવા માટે ગેસ ઉપર મુકો .ચીઝ ઓગળે ત્યાં સુધી મીડીયમ તાપે શેકાવા દો .ચીઝ ઓગળે અને બ્રેડ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી એક સર્વિંગ પ્લેટ માં બધા બ્રેડ પીઝા ગોઠવી દો . સલાડ થી પ્લેટ સજાવો .મોકટેલ અથવા કોલ્ડ્રીંક સાથે સર્વ કરો .

નોધ : તમને મનગમતા બીજા શાક પણ ટોપિંગ માટે લઇ શકાય જેમ કે બટેટા , કોર્ન ,કોબી વગેરે .

ચેવડો

બાળકો નું વેકેશન શરુ થઇ ગયું અને મમ્મી ઓ નું કામ પણ વધી ગયું .બાળકો ઘર માં હોય એટલે કાઈ ને કાંઈ ખાવા પીવા ની માંગણી કરે .રોજ શું આપવું અને તે પણ હેલ્ધી અને નવીન .તો એમાટે ચાલો આજે એક ખુબ સરળ અને છતાંય ટેસ્ટી અને પોષ્ટિક વાનગી ની રીત બતાવું છું .

ખાખરા – પાપડ નો ચેવડો

સામગ્રી : – ૬ – ૮  ખાખરા , ૩ – ૪ પાપડ ,૨ ચમચી  શિંગદાણા, ૨ ચમચી દાળિયા ,મીઠું ,મરચું પાવડર, હળદર પાવડર ,તેલ -૨ ચમચી , રાઈ – ૧/૪ ચમચી ,મીઠા લીમડા નાપાન ૩-૪ , હિંગ ચપટી ,બુરું ખાંડ,

રીત :-  સૌ પ્રથમ પાપડ ને શેકી લો .ખાખરા નો ભૂકો કરી લો .પાપડ નો પણ ભૂકો કરી લો .હાથે થી જ કરી શકશો . હવે એક પેન માં તેલ લઇ રાઈ નાખો .રાઈ ફૂટે પછી હિંગ અને મીઠા લીમડા ના પાન અને સિંગદાણા નાખો થોડીવાર સિંગદાણા ને સાંતળો .બરાબર લાલ થાય એટલે એમાં ખાખરા પાપડ નો ભૂકો નાખો . બધા મસાલા કરો .સ્વાદ મુજબ મીઠું નાખો .દાળિયા પણ નાખો .

ગમે તો કાજુ કીસમીસ પણ નાખી શકાય .

સ્વાદિષ્ટ ચેવડો તૈયાર .ચા દૂધ કે કોફી ની સાથે નાસ્તા માં પણ ખાઈ શકાય .

જો  આની ભેળબનાવવી હોય તો વઘાર કર્યા વગર ની બીજી સામગ્રી નાખી તેમાં બાફી ને બારીક કાપેલા બટાકા ના ટુકડા ,ઝીણી કાપેલી ડુંગળી અને સેવ નાખી ટોમેટો કેચપ કે તીખી મીઠી ચટણી નાખી અલગ ભેળ ની મઝા  માણી શકાય .

છે ને ઇઝી અનેઝટપટ તૈયાર થતી ટેસ્ટી વાનગી .તો આજે જ બનાવી ને ખાઈ ને કહો કે કેવી લાગી આ વાનગી . કાલે પાછી બીજી આવી જ સરળ વાનગી બતાવીશ .

કાચી કેરી નું શાક

સામગ્રી :- ૧ કપ કાચી કેરી ના ટુકડા , તેલ ૨-૩ ચમચી , રાઈ ૧/૪ ચમચી ,જીરું ૧/૪ ચમચી , તજ ૧ ટુકડો , લવિંગ ૨ નંગ , તમાલ પત્ર ૨-૩ પત્તા ,આખા સુકા લાલ મરચા ૨-૩ , હિંગચપટી,મીઠું સ્વાદ મુજબ , લાલ મરચું પાવડર ૨ ચમચી , હળદર પાવડર ૧/૨ ચમચી, ધાણાજીરું પાવડર ૧ ચમચી , ખાંડ અથવા ગોળ સ્વાદ મુજબ . કોથમીર સજાવટ માટે .

રીત :- સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ તેના ટુકડા કરો . આ ટુકડા ને ગરમ પાણી માં ૩-૪ મીનીટ ઉકળવા દો. નરમ થાય એટલે ચારણી માં નીતારી લો . હવે એક પેન માં તેલ લો .તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો , રાઈ તતડી જાય પછી જીરું નાખો .હવે તેમાં હિંગ ,આખા સુકા લાલ મરચા ,તજ લવિંગ, તમાલ પત્ર નાખો . બધું બરાબર મિક્સ થાય એટલે એમાં કેરી ના ટુકડા , હળદર,મરચું પાવડર, ધાણાજીરું , મીઠું, ખાંડ અથવા ગોળ નાખો જરૂર લાગે તો થોડું પાણી નાખો. બરાબર મિક્સ કરો.કોથમીર નાખી સજાવો .રોટલી, પૂરી ,પરોઠા ,થેપલા સાથે સરસ લાગે છે .

કાચી કેરી ની ચટની

સામગ્રી :- ૧ મીડીયમ સાઈઝ ની કાચી કેરી , સ્વાદ મુજબ મીઠું , શેકેલું જીરું ૧ નાની ચમચી ,ખાંડ અથવા ગોળ સ્વાદ મુજબ , લાલ મરચું પાવડર ૨ ચમચી , ફૂદીનો ૮-૧૦ પાન ,કોથમીર ૨-૩ ચમચી .

રીત :- સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ નાના ટુકડા કરો ,તેમાં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરો ,હવે મિક્સીમાં પીસી લો .ટેસ્ટી ચટણી તૈયાર. ઢોકળા ,મુઠીયા , પકોડા .પૂરી .પરાઠા સાથે મજા માણો .

લાલ મરચું પાવડર ને બદલે લીલા આદુ મરચા પણ વાપરી શકાય .૧ નાનો ટુકડો આદુ અને ૩-૪ લીલા મરચા .કોઈ ને લસણ ડુંગળી ગમે તો તે પણ સ્વાદ મુજબ નાખી શકાય .

ભૈડકું

સામગ્રી :- ૨ કપ ચોખા ,૧/૨ કપ બાજરી ,૧/૨ કપ જુવાર ,૧/૨ કપ મગ ની દાળ પીળી , ૧/૨ કપ મઠ.

ઉપર ની બધી સામગ્રી ભેગી કરી ઢોકળા ના લોટ જેવું કરકરું દળવું .

૨ કપ લોટ , ૧/૨ ચમચી અજમો ,મીઠું સ્વાદ મુજબ ,ઘી ૧ ચમચી , ૧/૪ ચમચી હિંગ ,૧ ચમચી વાટેલા આદુ મરચા, ૬ કપ ખાટી છાસ .

રીત :-એક કડાઈ માં લોટ ને કોરો શેકવો .નીચે ઉતારી છાસ અને બધો મસાલો નાખી હલાવવું .ગાંઠા ન પડવા જોઈએ .ધીમા તાપે ચડવા દેવું . સાધારણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરો . ઘી નાખી ગરમ ગરમ ખાવા નું સારું લાગે છે .સાથે પાપડ હોય તો મજા આવી જાય .

બીજી રીત :-

લોટ ને શેકી ફક્ત અજમો ,મીઠું અને પાણી નાખી ચડવા દઈ સાધારણ ઘટ્ટ થાય એટલે આંચ ઉપરથી ઉતારી દૂધ સાથે ખાવા ની પણ મજા આવે છે  ઘી પણ નાખી શકાય .(માપ ઉપરપ્રમાણે જ પાણી નું લેવું) .

પચવા માં હલકી અને પોષ્ટિક વાનગી છે .