સંવાદ

માનવ  – ભગવાન  મને કરોડપતિ બનાવી દો .

ભગવાન – વત્સ તું તો કરોડપતિ જ છે ને .

માનવ – શું પ્રભુ ? મારી પાસે લાખ રૂપિયા નથી ને તમે કરોડપતિ કહો  છો ?

ભગવાન – વિચારી ને ગણતરી કરી જો ,તારા બધા અંગો અમુલ્ય  છે પણ કીમત મૂકી જો .

હ્ર્દય ,ફેફસા , જ્ઞાનતંત્ર ,જઠર , હાથ પગ , આંખો ,કાન નાક એની કીમત કેટલી ગણાય ?

માનવ – એમાં શું ,એ તો તમે બીજા પ્રાણીઓ ને પણ આપ્યા છે .

ભગવાન – તું ભૂલે છે ,હાથી કે ડાયનોસોર કરતાંય મોટું મગજ તને આપ્યું છે ,વળી  લાગણી પ્રેમ બુદ્ધી એપણ બીજા કરતા તારી પાસે વધારે છે એનો તું ખુબ ઉપયોગ કરી સારું જીવન જીવી શકે છે .આનાથી વધુ શું જોઈએ ?

માનવ – એ  તો બધું ઠીક છે ,

ભગવાન – તો તારે જે  ન જોઈએ  તે પાછુ આપી દે .એના બદલામાં  એના તને રોકડા રૂપિયા મળશે .

માનવ – આ લાગણી , રાત ની ઊંઘ આ હ્રદય  બધું પાછું લો .

ભગવાન – તથાસ્તુ . આના બદલામાં તનેએટલા રૂપિયા મળશે .પણ એ રૂપિયા થી તું સુખી નહી શકે કા કે એને અનુભવી શકાય એ અંગો તો તે પરત કર્યા છે .એનાથી તને અનિંદ્રા , બ્લડપ્રેશર ,ડાયાબીટીશ , મંદબુદ્ધિ , લકવા જેવા રોગો  જરૂર મળશે .

હવે તમે વિચારી જો જો કે તમારે શું પાછુ આપવું છે ? કે પછી ભગવાને જે આપ્યું છે તેને ખુશી થી માણવું છે ? વીચારો  વીચારો  નિરાંતે વીચારો .

 

દીવાળી

દીવાળી ના તહેવાર માં ધ્યાન માં રાખવા જેવી બાબતો :

દીવાળી ના ઉત્સાહ માં આપણે એવા મશગુલ બની જઈએ છીએ કે નાની બેદરકારી કે ભૂલ ના કારણે તહેવાર નો મૂડ  બગડી જાય છે .આપણે સારીરીતે આપણો આ તહેવાર ઉજવવો હોય તો થોડું ધ્યાન રાખવું આવશ્યક છે . બહેનો ઘર ની સાફ સફાઈ કરતી વખતે કાંઈ તોડફોડ ના થાય તેનું ધ્યાન રાખે . સ્ટુલ ઉપર ચડી કામ કરતી વખતે પડી ના જવાય તેનું ધ્યાન રાખવું . મો ઉપર પાતળું કપડું બાંધી સાફ સફાઈ કરવી જેથી એલર્જી ની તકલીફ ના થાય . દરેક સભ્ય ની હેલ્થ સારી રહે માટે બને ત્યાં સુધી ઘર માં જ મીઠાઈ ,ફરસાણ બનાવવા જોઈએ .શક્ય હોય તો બહાર ની મીઠાઈ ખાવાનું ટાળો કા કે માવાની મીઠાઈ જલ્દી બગડી જાય છે ,વળી તેમાં ફૂડ કલર ,એસન્સ વાપરેલા હોય છે જે હેલ્થ ને નુકસાન કરે છે .ઘર માં લાઈટીંગ ના તોરણો લગાવવા માં પણ  ધ્યાન રાખવું બલ્બ ,વાયરિંગ .વગેરે ચેક કર્યા બાદ જ લાઈટીંગ તોરણો લગાવવા .દીવા પ્રગટાવતી વખતે પણ સાડી ના છેડા નું , દુપટ્ટા નું ધ્યાન રાખવું .ઘર માં નાના બાળકો દીવા ને અડે નહી તેવી રીતે રાખવા .ફટાકડા ફોડતી વખતે બાળકો ની સાથે ઘર ની કોઈ વડીલ વ્યક્તિ એ સાથે રહેવું ,બાળકો ને જાતજાત ના અખતરા કરવા ગમે છે  પણ ફટાકડા ફોડતી વખતે કોઈ અખતરા કે અટકચાળા ન કરવા દેવા . બાળકો તો અણસમજુ હોઈ તોફાન કરે પણ નાની એવી ભૂલ કાયમ ની મુશ્કેલી બની ન જાય તેનું ધ્યાન રાખો . ઘણી વાર રોકેટ  કોઈ ના ઘર માં જઈ ને ફૂટે છે અને આનંદ નો દિવસ શોક માં ફેરવાઈ જાય છે માટે એવા ફટાકડા ખુલ્લા મેદાન માં ફોડો . બને ત્યાં સુધી ધ્વનિપ્રદુષણ  ફેલાવે એવા ફટાકડા ફોડવાનું ટાળો . આપણા ઘર ની આજુ બાજુ કોઈ બીમાર વ્યક્તિ હોય ,તો એમને તકલીફ ના થાય તેનું ધ્યાન રાખો .

અને છેલ્લે બહુ અગત્ય ની વાત કે દીવાળી ઉજવો પણ આપણું પર્યાવરણ સચવાય એમ ઉજવો અને હા આપણાં ગરીબ ભાઈ બહેનો  , અનાથ બાલકો કે પછી નિરાધાર વડીલો ને ના ભૂલતા હોં .એમને પણ મીઠાઈ ,ફટાકડા , કપડા આપી ખુશ કરો .કા કે કોઈ ની મદદ કરી ને મન અતિ પ્રસન્ન થાય છે અને તહેવાર નો આનંદ બેવડાઈ જાય છે .તો આવો સૌ સાથે મળી ને નિર્વિઘ્ને દીવાળી ઉજવીએ .આપ સૌ ને દીવાળી ની શુભ કામના .

પ્રકુતિ ની વ્યથા

અરે થોભો , જરા સાંભળો , આ શું કરો છો ?અરે મારી વાત કેમ કોઈ સાંભળતું નથી? હવે હું શું કરું ? કોને કહું મારી પીડા ?આ લોકો ગાંડા થયા છે ,કોઈ  સમજતા જ નથી. પોતાનાં સ્વાર્થ માટે મને પીડી રહ્યા છે . મારા જળ ને ગંદુ કરી રહ્યા છે . મને માતા કહે છે અને મારા જલ માં ગટરો ની ગંદકી ઠાલવે છે . મારા જળ માં ફેક્ટરીઓ નું ઝેરી રસાયણ છોડી મને પ્રદુષિત કરી રહ્યા છે .કહે છે માત અને મારે છે લાત . મારા જળ ના આધારે રહેલા મારા જળના જીવો તરફડી ને મરી જાય છે . મારો સદુપયોગ કરવા ના બદલે મને નાથવા ના પ્રયત્ન કરે છે . પણ એ સમજતા નથી કે આમ કરી ને એ લોકો પોતાનાં જ પગ ઉપર કુહાડી મારી રહ્યા છે . યાત્રાળુઓ આવી ને મને વંદન તો કરે છે પણ કચરો પણ મારા માં નાખે છે .શું કોઈ બાળક પોતાની માં સાથે આવું કરે ? અને કરે તો માં સહન કરે ? પાણી અને વાણી નો દુરુપયોગ ના કરો એમ બધા કહે છે .પણ અમલ કરે છે ? આ દુષ્ટતા ના કારણે મારા જળ સુકાવા માંડ્યા છે . મારું જળ મલીન બની ગયું છે  પીવા લાયક  તો રહ્યું જ નથી .મારું જળ જે અમૃત સમાન ગણાતું એ આજે પશુ ઓ ને કામ નું નથી .મને પણ ગુસ્સો આવે છે અને એટલે જ હું મારું રુદ્ર સ્વરૂપ બતાવી ચેતવું છું .મારા તટ પર ઉભેલા આ વૃક્ષો પણ ડરે છે આ માનવી થી ,થર થર કંપે છે કે જાણે હમણા જ કોઈ આવી ને મને કાપી નાખશે . એપોકારી ને કહે છે  હું તમારો મિત્ર છું , મને કાપો નહી પણ બધા જાણે નદી, ધરતી, વૃક્ષો ના દુશ્મન બની ગયા છે .કોઈ સમજતું જ નથી ને હું બુમો પાડી ને  પોકારું છું મને બચાવો,કોઈ મારી મદદ કરો .તમે મને બચાવો હું તમને બચાવીશ . હવે મારી સહન શક્તિ  પુરી થઇ ગઈ છે  . પછી કેતા નહી કે અમને ખબર નોતી . જો નહી સમજો , નહી સુધરો તો પરિણામ માટે તૈયાર રેજો .અમે તમારી જિંદગી નું અવિભાજ્ય અંગ છે . અમારી કાળજી લેવી તમારી ફરજ છે . નવી પેઢી ને ખુશહાલ જીવન અને પ્રકૃતિ ની સુંદરતા  મળે એવું જો ઇચ્છતા હોય તો આજ થી જ અમાનવીય કૃત્યો છોડી દો . વધુ વૃક્ષો વાવો અને પાણી  નો સંગ્રહ કરો . પ્રકૃતિ એનું રુદ્ર સ્વરૂપ બતાવે એ પહેલાજ તમે એનું જતન કરો .જળ ને મલીન કરવાનું છોડો .બિચારા મૂંગા જીવો ના નિસાસા શાને લોછો ? એમને પણ આ ધરતી પર જીવવા નો હક છે  .પાંદડા અને પાણી જેનો ખોરાક છે એ કેમ બગાડો છો? હજુ સમય છે સમજી જાવ . નહી તો આવતી પેઢી  આ દુશકૃત્ય માટે તમને  ગુને ગાર માનશે અને તમારી પાસે એનો જવાબ નહી હોય . કદાચ એવું પણ બને કે પ્રદુષિત પર્યાવરણ ને કારણે દરેક ઘર માં રોગીષ્ટ અથવા ખોડ વાળું બાળક જન્મે . મારું કામ હતું તમને સમજાવાનું  .હવે તમારે વિચારવાનું.

પ્રકૃતિ માં નું સ્વરૂપ  છે . માં ના પ્રેમ નો આનંદ લેવાય ,માં ને બરબાદ ના કરાય .

હે !રામ કૃષ્ણ તમારી ગંગા જમુના મેલી થઈ ગઈ ,આ માનવી ની કુબુદ્ધિ ને લીધે .

આમ કહીપ્રકૃતિ એ પોંતા ની હૈયાવરાળ ઠાલવી.પોતાની વ્યથા વર્ણવી .કા કે એને હજુ માનવી માં થોડો વિશ્વાસ છે .

શિક્ષક દિન

શિક્ષક દિન

ખુબ સાદી અને  સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક . જે જીવન  ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન  ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક .શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી ,વિદ્યાર્થી  ના જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે . વિદ્યાર્થી  ની કાર્ય ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવન ની દિશા નક્કી કરવા મા મદદ કરે છે . સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે  ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી  કે  ખરાબ છબી ઉપસતી હોય છે .દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . શું આ ઉજવણી થી કાંઈ સિદ્ધ થાય છે ? આજે પણ નાના ગામડાઓ માં છોકરીઓ ને કહેવા માં આવે છે ,’તારે ભણી ને શું કામ છે , ઘરકામ શીખ .’ આટલા વરસો ની શિક્ષક દિન ની ઉજવણી  થાવા છતાં નાના ગામડા નું જનમાનસ કેમ બદલાયું નથી ? કારણ સૌ જાણે જ છે પણ ઉપાય માં કોઈ ને રસ નથી . શિક્ષણ સંસ્થા માં બાળકો ની સલામતી જોખમ માં હોય છે , અત્યાચાર ,બળાત્કાર ના કિસ્સાઓ  બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માં મહત્વ નો ભાગ ભજવે છે . તો શહેરો માં મોંઘુદાટ  શિક્ષણ  , અંગ્રેજી ઉચ્ચ શિક્ષણ ની ઘેલછા , આંધળું  અનુકરણ શિક્ષણ ને વિકૃત બનાવે છે . આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ?શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે .પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ  અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો ને નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે ,તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે .

 

બ્રહ્મકમળ

કુદરત ની કરામત :- ફક્ત રાતે થોડા કલાકો માટે જ ખીલતું પુષ્પ પણ આસપાસ ના વાતાવરણ ને સુગંધ થી મઘમઘાવી  દે .પોતાનાં અસ્તિત્વ નો પમરાટ પસરાવી  દેતું  અને મને ખુબ જ ગમતું આ પુષ્પ .

બ્રહ્મ કમળ

દોસ્તી

મારી દોસ્તી અનોખી ને મારા દોસ્ત પણ અનોખા ,

કહેવાય સહુ વૃક્ષ પણ ફલ ફૂલ પાન બધાના નોખા નોખા ,

દરેક ના ખીલવા ના અંદાજ નોખા નોખા ,

પણ આપે સહુ ને આનંદ  એક સરખા .

મેં તો દોસ્તી કરી મારા  આંગણ માં ખીલેલા  વૃક્ષો સાથે . મારા એ મિત્રો  મને ખુબ જ વ્હાલા છે .મને  એની ડાળીઓ નું  હવા ની લહર સાથે  આમતેમ  ઝુમવું એ જોવું ગમે . એક સારા મિત્ર ની જેમ જ મને  એમનો  સથવારો છે .એમને જોતાં જ ઉદાસ  મન ફરી પાછુ  આનંદિત થઈ જાય . એમનો કોમળ સ્પર્શ  અને ભીનાશ  મને પણ આદ્ર બનાવી દે . એમને પાણી પાતાકેટલીયે વાતો કરી લઈએ. મન પ્રસન્ન થઈ જાય.પાન  પીળું ખરી પડે તો દુઃખ થાય અને  નવી કુંપળ ફૂટે તો અનહદ આનંદ થાય .એ ખીલે તો હું પણ ખીલુ અને  એ મુરઝાય તો હું પણ મુરઝાઉ .એમને  ગમે તવા વિપરીત સમય માં પણ અડીખમ ઉભેલ જોઈ મને જીવનમાં ઘણું શીખવાનું મળે .એમની પરોપકારિતા મને આકર્ષે છે ઘટાદાર  વૃક્ષ ની બખોલ માં  માળા બાંધતા પંખી , ફૂલો નો પમરાટ અને ભમરાનો ગુંજારવ ,કોયલ ના મીઠા ટહુકા રોજ સાંભળી પલ્લવિત થઈ જાઉં .બોલો ,કોને આવા દોસ્ત ના ગમે ?ઠંડી તડકો વરસાદ સઘળું સહન  કરે  પણ બીજા ને શીતળતા અને આનંદ આપે .અરે પત્થરમારે  તેને પણ ફળ આપે  એવા મારા દોસ્તો જેવા બીજા દોસ્ત મળે ખરા ?વિચારજો અને જો તમને પણ મન થાય તો મારી જેમ આવા દોસ્ત બનાવી લેજો .એતો બહુ ભલા છે તરતજ દોસ્ત બની જશે . તો હવે એડ કરી દો તમારા જીવન  માં આ દોસ્તો ને અને ગેરંટી મારી કન્ફર્મેશન તરતજ મળી જશે .કા કે  એપણ  આપની દોસ્તી માટે તડપે છે .તો  બધાને હેપી ફ્રેન્ડશીપ ડે.આજના દિવસે આ સરસ કાવ્ય કેમ ભુલાય .

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા માં વહ્યા કરે ,

શુભ થાઓ આ સકળ વિશ્વ નું એવી ભાવના નિત્ય રહે .

ગુણ થી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે ,

એ સંતો ના ચરણ કમળ માં મુજ જીવન નું અર્ધ્ય રહે .

માર્ગભૂલેલા  જીવન  પથિક ને  માર્ગ ચિંધવા ઉભો રહું ,

કરે ઉપેક્ષા એ મારગ ની તો એ સમતા ચિત્ત ધરું .

 

 

તમે મારા દેવ ના

કાના  ને   મમ્મી  પપ્પા  તરફ થી  સપ્રેમ  ભેટ .

તમે મારા દેવ  ના  દીધેલ  છો , તમે મારા કુલ દીપક  છો ,

તમે મારી આંખો નું નુર  છો , આવ્યા  ત્યારે   અમર થઈ ને રહો .

બેટા , તું સદા  ખુશ રહે  , તારી જીવન રાહ  માં  પ્રભુ તારા  હમસફર છે   . આવું સુંદર  જીવન પ્રભુ એ આપ્યુ છે  તો  પ્રભુ ને ગમે એવું સુંદર  જીવન  જીવજે  . તું  અમારા જીવન ની મૂડી  છે .તું જ  અમારા હ્રદય નો ધબકાર  છે .તારા  ચહેરા નું તેજ   અમારા  જીવન ની રોશની છે . જીવન  માં  આવતી   મુશ્કેલી  નો  હિમ્મત થી સામનો કરજે . પ્રભુ  હંમેશા  તારી સાથેજ છે  એવા  વિશ્વાસ  સાથે  પ્રગતિ ના પંથે   આગળ  વધજે . તું તો અમારું  દર્પણ છે . તારા વાણી વર્તન  અને વહેવાર   અને  વીચાર  બધું ઉચ્ચ  રાખજે .ક્યારેય હતાશ કે  નિરાશ  ના થતો  . પ્રભુ તને  સદાય  ખુશ રાખે , નીરોગી કાયા આપે  અને દરેક  સારા કાર્ય માં  સફળતા  આપે  એજ મમ્મી  પપ્પા ની શુભેચ્છા અને એ જ અમારા  આશીર્વાદ.

પૂછે  જો કોઈ મુજને  દીકરો  કેવો હોય   નામ  તારું  લઈ ને કહું કે  મારા કાના જેવો હોય .

તારા જીવન ની રાહ  માં  કાંટા ના આવે કદી ,સદાય  ફૂલો  થી મહેકતું  રહે જીવન  તારું  .

મોમ એન્ડ  ડેડ… જય જગન્નાથ .

પ્રેરણા મૂર્તિ – શ્રી રોટલાવાળા બાપા

ફાધર્સ  ડે  ના નિમિત્તે   હું   એક એવી  વ્યક્તિ  ની વાત  કરું  છું  જે  ફક્ત  એમના સંતાનો ના જ  નહી પણ આખા  પોરબંદર  માં  અને આજુ બાજુ ના  ગામડા ઓ માં  રોટલા વાળા  બાપા  તરીકે  ઓળખાય છે . માથે  ટોપી , હાથ માં માળા  અને  સાદા   વસ્ત્રો .  આંખો માં  જિંદગી  નો અનુભવ  અને  ચહેરા ઉપર કરુણા અને સેવા નો આનંદ .આજે  ૨૫  વરસ થી   કાંઈ  પણ બદલા ની  આશા વીના  રોજ સવારે  વહેલા ઉઠી  રસોઈ  બનાવી   પોરબંદર  ના સરકારી  દવાખાના  માં  દર્દી ઓ ને  અને  તેમની સાથે  રહેતી  વ્યક્તિ  નેજમાડે .  જરૂરિયાત  વાળા ને  દવા  ની પણ મદદ કરે . જેનું કોઈ  ન હોય  તેવી  મૃત વ્યક્તિ  ના  અંતિમ સંસ્કાર  પણ જાતે  કરે .  દીલ માં  દયા  નો દરિયો વહે . કોઈ ના પણ માટે  કાંઈ પણમદદ  કરવા  હંમેશા તૈયાર .સેવા નો  ભેખ  ધરી  જીવતા  આ  બાપા  ને   નાના મોટા બધા જ  ઓળખે .   કોઈ ની  પાસે  ક્યારેય ન માંગવું  એ  એમનો  નિયમ . કોઈ પણ  કપરા  સંજોગો માં  એમણે  સેવા છોડી નહી ,ટાઢ , તાપ કે  વરસાદ ની ઋતુ  માં પણ  ખુલ્લા પગે   સેવા કરતા .કંટાળો કે થાક  નું   નામ નહી.દવાખાના  માં  લીમડા ના  ઝાડ  ની ચે  એમની બેઠક .બધા ત્યાં  મળવા આવે .દરેક ની તકલીફ  દુર કરે . થોડા વરસો  પહેલા  એમના જીવન સાથી   શ્રી જી ચરણ  પામ્યા .તે મનો પણ આ સેવા  યજ્ઞ  માં મોટો ફાળો હતો .  એમની  માં ની  સેવા  એમણે  શ્રવણ ની જેમ કરી . એમના બાં  બીમાર થયા , તેમને  દવાખાના માં દાખલ કર્યા ત્યારે  બા ની સેવા કરતા  કરતા  બીજા દર્દીઓ નું  દુઃખ  દર્દ જોયા .એમનું હ્રદય  દુખી  થયું  અને  મન માં  આ ગરીબ  દુખી લોકો ની સેવા  ના બીજ  રોપાયા . થોડા સમય  પછી  એમની બા  ના મૃત્યું પછી   સેવા ની શરૂઆત કરી .   ધીરે  ધીરે   સેવા રૂપી   છોડ   વિકાસ  પામતો ગયો   .ઘણી અડચણો  સહેવા  છતાંયે  હિમ્મત  થી આગળ  વધ્યા . પ્રભુની  પણ આ  સેવા કાર્ય  માં  કૃપા છે .  આજે  એમની આયુ ૮૧  વર્ષ ની છે   .હવે  ઉમર  ના કારણે  થોડી તકલીફ  પડે  એ  સ્વાભાવિક  છે  પણ   હવે  ગામ ના  સેવાભાવી  લોકો  એમના  કામ માં  મદદ કરે છે .પોતાનાં  સંતાનો કે પરિવાર જનો   ને તો સૌ  મદદ  કરે  પણ  પારકા  ને  પણ  પોતાનાં  ગણી વ્હાલ ની  વર્ષા  કરે   એવા આ   સંત  શ્રી રસિકભાઈ  રોટલા વાળા  બાપા  ને   અમારા  કોટી કોટી વંદન.

તમને લાગશે કે   હું એમને  કેવીરીતે ઓળખું  તો મારે  એ જ કહેવાનું  કે   બધાના  રોટલા વાળા બાપા   અમારા વ્હાલા  બાપુજી  છે .  અમને અમારા  આ બાપુજી ઉપર  ગર્વ  છે .

ફાધર્સ ડે  ના નિમિત્તે   બાપુજી ને  કોટી કોટી વંદન .

માતૃ દેવો ભવ .    પિતૃ દેવો ભવ .

માયા  સુધીર  અને  કાના  ના જય શ્રી કૃષ્ણ.

એકલા જવાના

સાથી વીના  સંગી  વીના  એકલા  જવાના ,એકલા  આવ્યા  અને   એકલા  જવાના .આજ ના  દિવસે એક   માં એ  આ દુનિયા  માંથી  વિદાય  લીધી .આજનો  દિવસ  મારી  જિંદગી  નો  સૌથી દુખદ  દિવસ  હતો.  માજીએ   જાત્રાકરવા ની ઈચ્છા વ્યક્ત  કરી  અને  પરિવાર  ના સભ્યો  જવા  ની  ના કહેતા હતા ,કારણ  એમની   તબિયત  સારી  નો’તી  રે’તિ . ડોક્ટર ની  પણ  એકલા  જવા દેવા ની ના  હતી ,પણ  માજી એ  જીદ કરી  ,સંઘ  માં  ઘણાં  બધા છે  એમ  કહી  જવાનું   નક્કી  કર્યું. પતિ , દીકરાઓ , દીકરીઓ  દરેક  ને  પોતાની સાથે  જાત્રાએ  આવવાનું   કહ્યું.પણ  દરેક  ને  કૈ ને કૈ પોતાના  પ્રોબ્લેમ  હતા .કોઈને  ગરમી , તો કોઈને  કામ   તો કોઈ ને  પરીક્ષા  નડી.કોઈ સાથે  ના ગયું . માજી જાત્રા  એ એકલા જ ગયા . જતા  જતા  બધા ને  કૈ  ને કૈ   કહી ગયા .જાણે  કેમ  પાછા  જ ન  આવવાના  હોય . જાત્રા  ના  ધામ  માં  ગયા  પછી   ૨ કે ૩  દિવસ  બાદ  બીમાર  થયા  અને  આજ ના  દિવસે  જીવન ની યાત્રા   પુરી કરી . ઘરે   આ  સમાચાર  મળ્યા  નેઆભ  તૂટી પડવા ની  વેદના  અનુભવી .બધા  એ  એમની અંતિમ ક્રિયા  કરી .જે એમની સાથે  જવા  તૈયાર  નહોતા  એમને પણ ત્યાં  જવું  તો પડ્યું જ ,તો  પહેલે થી જ  કેમ ના  ગયા  ?દરેક  ને   અફસોસ  છે  પણ  શું  થાય , ભગવાન ની લીલા જ અકળ  છે .હવે તો  બસ  યાદ  જ  બાકી છે .

ઓ મા તું કયાં છે ?

ઓ    મા     ઓ   મમ્મી     ઓ મારી    મોમ     તું     કયાં   છે ?   તને     ખબર    છે ને   કે    તું     મને  જગાડે    નહી     ત્યાં   સુધી   હું    જાગું    જ    નહી .   મારા     માથે    તારો    હાથ     ફરે     પછી જ         મારી   નીંદર    ઉડે .બેટા ઉઠ   ને   હવે   એમ   કહીને    પાછી પોતાનાં   કામે   વળગે  . થોડીવાર   રહી   ફરી   મીઠો   ટહુકો   કરે  અને    મારી   સવાર   પડે .  આખો   દિવસ   ઘર  માં  બધાનું    ધ્યાન   રાખે સદાય   હસતો     ચહેરો .   પપ્પા   ગુસ્સે   થાય   ત્યારે    સંતાઈ   જવાની   જગા   એટલે   માં ની ગોદ.મોટા    થયા   તોય    માં ની   ગોદ    માં   માથું    મુકીને    સુઇએ એટલે   કૈક   અલગ જ   શીતળતા   અનુભવાય અને   એની  રસોઈ    માં  જે    મીઠાશ    હોય   કે    મને    એના   સિવાય  કોઈ   ના   હાથ  ની  રસોઈ   ન ભાવે   . વળી   ક્યારેય   કૈ પણ   સમસ્યા   હોય   એનું    સમાધાન    કરે .સવાર   થી    રાત    સુધી    બધા   ની દેખભાળ   કરે. પણ   પોતાની   તકલીફ   કોઈ ને   ન જણાવે.કોઈ  વાર   એ  કૈ   સલાહ    આપે   તો   એનું   ગુસ્સા માં   અપમાન   પણ   કરીએ . એને  દુઃખ  લાગે પણ    કૈ   બોલે   નહી  .ઘણી વાર   એની   ક્ચ  ક્ચ   અમને   ગમે   નહી  તો  કહીએ “તમે  ક્ચ  ક્ચ  ના  કરો   ,શાંતિ  રાખોને , અમને   સમજ   પડે    છે   હવે    અમે   મોટા  છીએ .”પણ    આજે    મને  લાગે   છે   કે   એને   દુઃખ   લાગ્યું છે  . એ  થાકી  ગઈ લાગે  છે એટલે   સુતી  છે  પણ    એ   મારો    અવાજ   સાંભળી  ને   ઉઠી કેમ   નહી ? શું   મારાથી   રીસાઈ   ગઈ છે ?

ઓ મમ્મી   ઉઠ ને   હવે   કયાં   સુધી  સુઇશ ?મારાથી   કૈ   ભૂલ   થઇ  હોય   તો મને   સજા  કર    મને  માર, મને  ખીજા  પણ   આમ   મારાથી   નારાજ   ના થા  તને   ખબર  જ  છે   કે   તું  નહી   પીરસે   તો  હું  નહી  જમું .  મમ્મી   ઉઠ  ને   મને   બહુ  ભુખ   લાગી  છે .હવે   જલ્દી  કર   મને   તારા  વીના  ગમતું   નથી   તારી   રાહ   જોઉં  છું.